દિલ્હીની વાત : નિતિન નવીન હજી પોતાની ટીમ બનાવી શક્યા નથી

નવીદિલ્હી : નિતિન નવીન રાષ્ટ્રીય ભાજપ પ્રમુખ બન્યાને પાંચ મહિના થઈ ગયા છે. જોકે એમણે હજી સુધી પોતાની ટીમ બનાવી નથી. સંગઠનમાં ફેરફારની વાતો થતી હતી, પરંતુ હજી સુધી કંઈ થયું નથી. કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારની વાતો પણ અધ્ધર રહી. નિતિન નવીન હજી સુધી જેપી નડ્ડાની ટીમ મારફતે જ કામ કરી રહ્યા છે. પાર્ટીના એક મહામંત્રી તરૂણ ચૂગને મધ્યપ્રદેશથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે અને એમને કેન્દ્રમાં મંત્રી બનાવવાની ચર્ચા છે. પંજાબમાં આગલા વર્ષે વિધાનસભાની ચૂંટણી છે. ચૂગ પંજાબના પ્રભારી છે. એ જ રીતે વીનોદ તાવડે પણ કેન્દ્રમાં મંત્રી બની શકે એમ છે. મહામંત્રીઓમાંથી રાધામોહન દાસ અગ્રવાલને બદલવાની પણ વાત છે, પરંતુ નિતિન નવીન પ્રોએક્ટીવ થતા નથી.
ચૂંટણીની રણનીતિમાં રાહુલ ગાંધી ફરીવાર નિષ્ફળ
જ્યારે રાજ્યસભાની ચૂંટણી યોજાઈ રહી હતી ત્યારે રાહુલ ગાંધી ક્વોટા જઈને વિદ્યાર્થીઓને સંબોધન કરતા હતા. દેશની ભ્રષ્ટ વ્યવસ્થાને ઉઘાડી પાડવાનું રાહુલ ગાંધીનું કામ યોગ્ય જ હતું, પરંતુ એ વખતે કેટલાક રાજ્યોમાં રાજ્યસભાની ચૂંટણી થઈ રહી હતી એના આયોજન તરફ એમણે ધ્યાન આપ્યું નહોતું. મધ્યપ્રદેશમાં મિનાક્ષી નટરાજનની નાની ભૂલને કારણે કોંગ્રેસે એક બેઠક ગુમાવી હતી. એ વખતે કોઈ ટ્રબલ શૂટર પણ એમની સાથે નહોતા કે જે યોગ્ય નિર્ણય લઈ શકે. ત્યાર પછી ઝારખંડમાં પણ પક્ષે બેઠક ગુમાવવી પડી, કારણ કે ગઠબંધનના પક્ષોમાં એકતા હતી નહીં. આરજેડી અને ભાકપાના ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કરવાથી અપક્ષ ઉમેદવાર પરીમલ નથવાણી જીતી ગયા. હેંમત સોરેનએ પણ કોંગ્રેસના પ્રણવ ઝાને જીતાડવા માટે મહેનત કરી નહોતી.
બળવાખોરો વિરુદ્ધ અભિષેકે સ્પિકરને અરજી આપી
તૃણમુલ કોંગ્રેસએ લોકસભાના ૨૦ બળવાખોર સાંસદોની માન્યતા રદ કરવા માંગણી કરી છે. આ ૨૦ સાંસદો ટીએમસી છોડીને નેશનાલીસ્ટ સીટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા એટલે કે એનસીપીઆઇમાં જોડાયા હતા. આ જોડાણ યોગ્ય છે કે અયોગ્ય એ ચોમાસા સત્ર પહેલા નક્કી થશે. લોકસભામાં તૃણમુલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જીએ પક્ષના સિનિયર નેતાઓ સાથે સ્પિકર ઓમ બીરલાને મળ્યા હતા. પક્ષ પલ્ટા વિરોધી કાયદાનો ઉપયોગ કરીને આ તમામ સાંસદોને અયોગ્ય ઠેરવવાની માંગણી ૨૦ અલગ અલગ અરજીઓમાં કરવામાં આવી છે. બળવાખોર સાંસદોનું પ્રતિનિધિ મંડળ સ્પિકરને પહેલા જ મળી ચૂક્યું છે. બળવાખોર સાંસદો એનસીપીઆઇ સાથે જોડાઈ ગયા, એ વિરુદ્ધ ૧૪મી જૂને તૃણમુલ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો એ સંદર્ભમાં સ્પિકરે પક્ષના નેતાઓને મળવા બોલાવ્યા હતા.
તામિલનાડુમાં વિજય મોડેલની ચર્ચા
તામિલનાડુમાં મુખ્યમંત્રી વિજયએ ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનની ખૂબ ચર્ચા થઈ રહી છે. વિજય તામિલ ફિલ્મોના જાણીતા અભિનેતા છે. અભિનેતા તરીકે એમણે લોકોની નાડ બરાબર પારખી છે. ૧૯૮૦માં જે રીતે આંધ્રપ્રદેશમાં ફિલ્મસ્ટારમાંથી નેતા બનેલા એનટી રામારાવ લોકપ્રિય થયા હતા એજ દીશામાં વિજય જઈ રહ્યા છે. ચૂંટણી પહેલા વિજયએ વચન આપ્યું હતું કે તેઓ ભ્રષ્ટાચાર કાબુમા લાવશે. વિજયની સરકારે ભ્રષ્ટ સરકારી અધિકારીઓને વહેલાસર નિવૃત્ત કરી દેવાની ઘોષણા કરી છે. ભ્રષ્ટાચારને બહાર પાડનારને ઇનામ પણ આપવામાં આવી રહ્યા છે. ભ્રષ્ટ સરકારી અધિકારીનો વિડિયો બહાર પાડનારને ૧ લાખ રૂપિયાનું ઇનામ સરકાર આપી રહી છે. વાયકો જેવા કદાવર નેતાઓ પણ વિજયની પ્રશંસા કરી રહ્યા છે.
વખત બદલાયો
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે હોય કે બિહારમાં નિતિશકુમાર અને ચિરાગ પાસવાન, આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ હોય કે ઉત્તર પ્રદેશમાં જયંત ચૌધરી, બધાએ એનડીએમાં રહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુણગાન ગાવા પડશે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પછી ભાજપની પરિસ્થિતિ નબળી હોવાને કારણે સાથી પક્ષોનું મહત્ત્વ વધી ગયું હતું. જોકે ભાજપે બે વર્ષની અંદર રાજકીય તસવીર બદલી નાખી છે. મમતા બેનર્જીના ૨૦ લોકસભા સાંસદો તૂટયા પછી ભાજપનો આત્મવિશ્વાસ વધ્યો છે. જોકે ભાજપના સાથી પક્ષોની અસલામતી વધી ગઈ છે. હવે એકનાથ શિંદેનું મહત્વ પહેલા જેવું નથી રહ્યું. મહારાષ્ટ્ર અને બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામને કારણે શિંદે અને નિતિશકુમારની તાકાત ઘટી ગઈ છે. હવે ચંદ્રાબાબુ નાયડુને પણ ભાજપ અવગણી શકે એમ છે.
એકનાથ શિંદેએ પોતાને જ ટાઇગર કહ્યા
મહારાષ્ટ્રમાં રાજકીય હુંસાતુસી પરાકાષ્ટાએ છે. એક તરફ શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદો અને ધારાસભ્યોને ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે તોડી રહ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. બીજી તરફ મહારાષ્ટ્રના કેટલાક નેતાઓનો વાણીવીસાલ વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં જે રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું એને મીડિયાએ 'ઓપરેશન ટાઇગર' નામ આપ્યું છે. હવે એકનાથ શિંદેએ જાહેરમાં પોતાને ટાઇગર ગણાવતા નવો વિવાદ શરૂ થયો છે. શિંદેએ કહ્યું હતું કે ફક્ત વાઘની ચામડી પહેરવાથી કોઈ વાઘ બની જતુ નથી. એમણે આડકતરી રીતે સંજય રાઉત પર પ્રહારો કર્યા હતા. એમણે ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વગર પણ કહ્યું હતું કે કેટલાક લોકો ફિલ્મસ્ટારની નજીક રહીને પોતાને હીરો માનવા માંડે છે પરંતુ હકીકત કઈક અલગ જ હોય છે. જોકે એમણે કેટલીક વ્યક્તિઓ માટે 'કૂત્તા' શબ્દ પણ વાપર્યો હતો, પરંતુ આ શબ્દ કોને માટે વપરાયો હતો એ જાણી શકાયું નથી.
આંદોલન ચલાવનારાઓને ત્યાં એનઆઇએની તપાસ
બંગાળમાં એસઆઇઆર વિરુદ્ધ આંદોલન ચલાવનારાઓના રહેઠાણ અને ઓફિસ પર એનઆઇએ (નેશનલ ઇન્વેસ્ટીગેટીવ એજન્સી)એ દરોડા પાડયા છે. ટીકાકારો એમ કહી રહ્યા છે કે, આ બધા ગુનેગાર નહીં, પરંતુ એક્ટીવીસ્ટ અને રીસર્ચર્સ છે. સવારે ૪.૩૦ વાગ્યે કાર્યવાહી શરૂ થઈ હતી. કેટલાકનું કહેવું છે કે રાજ્યમાં સરકાર વિરુદ્ધ આંદોલન કરનારાઓને ડરાવવાની કોશિષ થઈ રહી છે. જેમને ત્યાં દરોડા પડયા છે એ ત્રણે કાર્યકરો વિસ્થાપીતોને મદદ કરી રહ્યા હતા. એનઆઇએ માને છે કે આ ત્રણે ૨૦૨૨ના વર્ષમાં રાંચી ખાતે થયેલા એક ગુનામા સંડોવાયેલા હતા. આ ત્રણે માઓવાદી આંદોલન સાથે જોડાયા છે. પશ્ચિમ બંગાળમાં સરકાર બદલાયા પછી હવે માઓવાદીઓ અને સામ્યવાદીઓ પર તવાઈ આવી છે.








