દિલ્હીની વાત : કર્ણાટકની વિધાન પરિષદ ચૂંટણીમાં ક્રોસ વોટીંગથી ભાજપ ટેન્શનમાં

નવીદિલ્હી : કર્ણાટકમાં વિધાન પરિષદ ચૂંટણી દરમિયાન થયેલા ક્રોસ વોટીંગને કારણે ભાજપ પ્રમુખ નીતિન નવીનએ કર્ણાટકના ભાજપ પ્રમુખ બીવાય વિજયેન્દ્ર અને બીજા કેટલાક નેતાઓને દિલ્હી બોલાવ્યા છે. ક્રોસ વોટીંગને કારણે ભાજપના દિલ્હીના નેતાઓને આઘાત લાગ્યો છે. ભાજપ જે બીજા રાજ્યોમાં કરે છે એ કર્ણાટકમાં ભાજપ સાથે થઈ ગયું છે. આ ક્રોસ વોટીંગથી નીતિન નવીન ખુબ નારાજ છે. કર્ણાટકમાં ડી કે શિવકુમાર મુખ્યમંત્રી બન્યા પછી સરકાર ઉત્સાહમાં છે. ભાજપની જેમ જ ડી કે શિવકુમાર પણ રાજકીય ચાલબાજીમાં નિષ્ણાંત છે. ભાજપ હાઇકમાન્ડ હવે નક્કી કરી રહ્યું છે કે ભૂલ કોની હતી. લાંબા પ્લાનીંગ પછી પણ ભાજપના ધારાસભ્યો તૂટી ગયા હોય એવું ઘણા સમય પછી બન્યું છે. નીતિન નવીનએ આડકતરી રીતે કર્ણાટક ભાજપના નેતાઓને સંદેશો આપી દીધો છે કે, વિશ્વાસઘાત કરનાર ધારાસભ્યો સામે કડક કાર્યવાહી કરો.
રામ મંદિર વિવાદમાં ફસાયેલા મહામંત્રી ચંપત રાય કોણ છે
અયોધ્યાના રામ મંદિરમાં ચઢાવાયેલી કેટલીક અતિ કિંમતી વસ્તુઓની ચોરી થઈ હોવાનો વિવાદ ચાલી રહ્યો છે. આ બાબતે મંદિરના ટ્રસ્ટીઓ ઉપર માછલા ધોવાઈ રહ્યા છે. સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવએ આક્ષેપ કર્યો છે કે, મંદિરના ટ્રસ્ટીઓના નાકની નીચે કિંમતી વસ્તુઓની હેરફેર થઈ ગઈ અને કરોડો રૂપિયા ગાયબ થઈ ગયા છે. સૌથી વધુ ટીકા મંદિર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયની થઈ રહી છે. ચંપત રાય હમણા રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી અને વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટમાં ૧૫ સભ્યો ટ્રસ્ટી તરીકે કામ કરે છે. ચંપત રાય મંદિરના રોજબરોજના વ્યવહારનું ધ્યાન રાખે છે. મંદિર નિર્માણની દેખરેખ, દાન અને ભેટ મળનાર વસ્તુઓની વ્યવસ્થા, વિવિધ અધિકારીઓ સાથે વાતચીત, તેમજ વિવિધ એજન્સીઓ સાથે સંવાદની જવાબદારી ચંપત રાયની છે.
ચૂંટણી પછી રાજ્યસભામાં ભાજપની કેટલી બેઠકો વધી
રાજ્યસભાની ચૂંટણી પછી હવે એનડીએ રાજ્યસભામાં વધુ શક્તિશાળી દેખાઈ રહી છે. જોકે હજી પણ એનડીએ ૨/૩ બહુમતિથી દુર છે. ચૂંટણી પછી હવે એનડીએની બેઠકોમાં ખાસ્સો વધારો થયો છે. ૧૮મી જૂન સુધી ૧૦ રાજ્યોની ૨૭ બેઠકો પર ચૂંટણી થઈ હતી. હમણા તૃણમુલ કોંગ્રેસના રાજીનામા પછી એનડીએની સંખ્યા વધુ વધી શકે એમ છે. રાજ્યસભામાં એનડીએની બેઠકો ૧૫૨ સુધી પહોંચી ગઈ છે. સૌથી પહેલા ૨૪ બેઠકો પર સાંસદ વિરોધ વગર ચૂંટાઈ ગયા એમાંથી ૧૯ એનડીએના હતા. ઝારખંડમાં પરીમલ નથવાણીની જીત પછી એનડીએના સાંસદોની સંખ્યા ૨૦ સુધી પહોંચી ગઈ છે. હવે એનડીએ બહુમતીથી ફક્ત ૧૧ બેઠકો દુર છે. હમણા જ તૃણમુલ કોંગ્રેસના ચાર રાજ્યસભા સાંસદોએ રાજીનામા આપ્યા છે. આ તમામ બેઠકો એનડીએ મેળવી શકે એમ છે.
છેવટે રાબડી દેવીએ મકાન ખાલી કર્યું
બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને સરકારી નિવાસ્થાન ખાલી કરાવવા માટે ઘણી નોટીસો આપવામાં આવી હતી. થોડા દિવસો પહેલા તો પોલીસ સુરક્ષા સાથે અધિકારીઓ એમના ઘરે પહોંચ્યા હતા. જોકે રાબડી દેવી કોઈપણ સંજોગોમાં સરકારી મકાન ખાલી કરવા માંગતા નહોતા. હવે એકાએક ૧૦ સરક્યુલર રોડ પર આવેલા એમના મકાનમાંથી સામાન બીજા સ્થળે જઈ રહ્યો છે. બે દિવસ પહેલા ફર્નિચર, એરકન્ડીશન અને રસોડાનો સામાન એક પીકઅપ વાનમાં ભરાઈને તેજસ્વી યાદવના ૧ પોલો રોડ ખાતે આવેલા સરકારી મકાનમાં શીફ્ટ કરવામાં આવ્યો હતો. બીજો કેટલોક સામાન બીજા કેટલાક સ્થળે ખસેડવામાં આવી રહ્યો છે. લાલુ પરિવારના બીજા રહેઠાણોમાં ગોલા રોડ સ્થિત ગૌશાળા અને કૌટીલ્યનગર સ્થિત ખાનગી આવાસ છે.
વિજયની ટીવીકે અને ભાજપ વચ્ચે ઇલુઇલુ
તામિલનાડુ વિધાનસભાના વિરોધપક્ષના નેતા ઉદય નીધિ સ્ટાલીનએ આક્ષેપ કર્યો છે કે, ગૃહમાં રાજ્યપાલ બીઆર આર્લેકર દ્વારા પુરુ ભાષણ સંબોધીત કરવા ઉપરાંત બે વાર રાષ્ટ્રગીત વગાડવાથી એવંર લાગે છે કે, તમિલગા વેતરી કઝગમ (ટીવીકે) અને ભાજપ વચ્ચે સંબંધ ગાઢ થઈ રહ્યા છે. રાજ્યપાલના સંબોધન પછી એમણે ગૃહની બહાર કહ્યું હતું કે, 'અમે સત્તામાં હતા ત્યારે રાજ્યપાલે કદી પુરુ ભાષણ વાચ્યું નહોતું. હવે નવાઈ લાગે એ રીતે રાજ્યપાલે કોઈપણ ફેરફાર કર્યા વગર પુરુ ભાષણ વાચ્યુ છે. આ કારણે દરેકના મનમાં એક શંકા ઉત્પન્ન થઈ છે કે શું સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કોઈ ખાસ સમજુતી થઈ છે? સ્ટાલીનના કહેવા પ્રમાણે રાજ્યપાલનું ભાષણ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલો એક દસ્તાવેજ હોય છે. આ ભાષણમાં ટીવીકેની પ્રશંસા સિવાય બીજુ કઈ નહોતું.
મમતાને વધુ એક ફટકો
ચારે તરફથી ઘેરાયેલા પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીને વધુ એક ફટકો પડયો છે. પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મંત્રી જ્યોતિ પ્રિયા મલ્લીકએ એવી જાહેરાત કરી છે કે ખરાબ તબિયતને કારણે તેઓ ટીએમસીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપે છે. રાજીનામું આપ્યા પછી એમણે કહ્યું હતું કે, પોતાના નિર્ણયની જાણ એમણે પક્ષને પહેલા જ કરી દીધી હતી. જ્યોતિ પ્રિયા મલ્લીક ભલે એમ કહેતા હોય કે ખરાબ તબિયતને કારણે તેઓ રાજીનામું આપી રહ્યા છે, પરંતુ ટીએમસીના કેટલાક નજીકના સુત્રોના કહેવા પ્રમાણે મમતાની ડુબતી હોડીમાં તેઓ સવાર થવા તૈયાર નથી. નવાઇની વાત એ છે કે ટીએમસીએ મલ્લીકને થોડા દિવસો પહેલા જ નવી વર્કિંગ કમીટીમાં લીધા હતા. મલ્લીક મમતા બેનર્જીની ખુબ નજીકના હોવાનું મનાય છે. ૧૦ વર્ષ સુધી તેઓ મમતા સરકારમાં અગત્યના મંત્રી પદ પર રહ્યા હતા.
બાંગ્લાદેશે પાંચ દિવસે માન્યુ કે નાગરીકો એમના છે
ભારત - બાંગ્લાદેશ સીમા પર એક કુટુંબ પાંચ દિવસથી 'નો મેન્સ લેન્ડ' પર ફસાયું હતું. આ કુટુંબ ખુબ જ મુશ્કેલીમાં હતું. બીએસએફએ એમને પરત બાંગ્લાદેશ મોકલવાની કોશિષ કરી હતી, પરંતુ બાંગ્લાદેશની બોર્ડર ફોર્સે એમનો સ્વીકાર કર્યો નહોતો. આ બધા બાંગ્લાદેશી નાગરીક હોવાથી બીએસએફ એમને પરત બાંગ્લાદેશ મોકલવા માંગતું હતું. આ કુટુંબના વેરીફિકેશનમાં બાંગ્લાદેશના અધિકારીઓએ પાંચ દિવસ પસાર કરી દીધા હતા. કુટુંબમાં પતિ-પત્ની ઉપરાંત એમના નાના બાળકો હતા જેઓ ઝીરો લાઇનના વિસ્તારમાં ખુબ મુશ્કેલ પરિસ્થિતિમાં રહ્યા હતા. લાંબી વાતચીત પછી બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડએ કબુલ કર્યું હતું કે, આ પરિવારના સભ્યો બાંગ્લાદેશના નાગરીકો છે. આ સિવાય પણ કેટલાક લોકો હજી 'નો મેન્સ લેન્ડ'માં ફસાયા છે.









