દિલ્હીની વાત : ભાજપ શા માટે યેનકેન પ્રકારે સાંસદો વધારવા માંગે છે

નવીદિલ્હી : છેલ્લા કેટલાક સમયથી જોવામાં આવી રહ્યું છે કે, ભાજપના સીધા કે આડકતરા પ્રયત્નો વિરોધપક્ષોના સાંસદોને પોતાના તરફ કરવાના છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદોને પોતાના કર્યા પછી હવે ભાજપ પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રના સાંસદોનો ટેકો પણ વધારી રહ્યો છે. દેશના સ્થાનિક વિરોધપક્ષો ચીંતીત છે કે આગલો વારો એમનો તો નહીં આવે? ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી પણ હવે પોતાના સાંસદો ધારાસભ્યોને સાચવવા માંડી છે. વિરોધપક્ષના નેતાઓમાં ડર એટલી હદે વ્યાપી ગયો છે કે, તેઓ ધારાસભ્યો કે સાંસદોને મળવા માટે તરત જ સમય આપી દે છે. ભાજપને લોકસભામાં ૨/૩ બહુમતીની જરૂર છે, કારણ કે ભાજપે કોઈપણ હિસાબે ડીલીમીટેશન બીલ પસાર કરવું છે. લોકસભામાં ૫૪૩ સભ્યોમાંથી ૩૬૨ સાંસદોના મતની ભાજપને જરૂર છે. જોકે નિયમ પ્રમાણે ગૃહમાં ફક્ત હાજર રહેલા સાંસદોમાંથી ૨/૩ સાંસદોના મત જરૂરી રહે છે.
પીએમ મોદી રહ્યા એ રીસોર્ટ સીટી કેવું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-૭ શીખર સંમેલનમાં ભાગ લેવા માટે ફ્રાન્સના રળિયામણા શહેર એવીયનમાં રોકાયા હતા. આ શહેર સ્વિટ્ઝરલેન્ડના જીનીવા જેટલું જ સુંદર અને જાણીતું છે. આલ્પ્સના પહાળોની ટળેટીમાં આવેલું એવીયન શહેર એના શુદ્ધ પ્રાકૃતિક પાણી માટે જાણીતું છે. અહીં ટપકતા પાણીને ભેગા કરી વિશ્વ આખામાં નિકાસ કરવામાં આવે છે. આ પાણી તૈયાર થતા ૧૫ વર્ષ જેટલો સમય લાગે છે. શુદ્ધ મિનરલ વોટરની નિકાસ ૧૪૦ દેશમાં થાય છે. એવીયન મિનરલ વોટર વિશ્વભરમાં પ્રિમયમ મિનરલ વોટર ગણાય છે. આલ્પ્સના પહાડોમાંથી પીગળીને પડતા કુદરતી પાણીના ઝરણાઓ જોવા જેવા છે. વિશ્વભરના સૌથી પૈસાદાર લોકો અહી વેકેશન ગાળવા આવે છે. આખા શહેરને કેમિકલ મુક્ત અને કીટાણુ મુક્ત રાખવામાં આવ્યું છે.
બળવાખોર સાંસદોને મહારાષ્ટ્ર સરકારે ખાસ સિક્યોરીટી આપી
છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રનું રાજકારણ ચર્ચામાં છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના ૬ સાંસદો શિવસેના (એકનાથ શિંદે) સાથે જોડાઈ ગયા છે. દિલ્હીમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સંસદીય દળની બેઠક મળી ત્યારે ૯માંથી ફક્ત ૩ લોકસભા સાંસદો હાજર રહ્યા હતા. ઉદ્ધવ ઠાકરેના વફાદાર અનિલ દેસાઈ, અરવિંદ સાંવત અને રાજાભાઉ બાજે મીટીંગમાં પહોંચ્યા હતા. સાંસદોને મીટીંગમાં હાજર રહેવા માટે વ્હીપ પણ આપવામાં આવી હતી. જે સાંસદો મીટીંગમાં ગેરહાજર રહ્યા હતા એમને નોટીસ મોકલવામાં આવશે, પરંતુ હવે એનો કોઈ અર્થ નથી. પક્ષ બદલવાનું પ્લાનીંગ ઘણા સમયથી થઈ રહ્યું હતું. મહારાષ્ટ્ર સરકારે ૬ બળવાખોર સાંસદોને વાય પ્લસ સિક્યુરીટી આપી છે. ૯માંથી ૬ સાંસદો બળવાખોર હોવાથી પક્ષ બદલવાનો કાયદો લાગુ પડી શકે નહીં એવું માનવામાં આવે છે.
બાંગ્લાદેશના બોર્ડર ગાર્ડ ચીફની અમિત શાહ સાથે ખાનગી મીટીંગ
થોડા દિવસો પહેલા બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ (બીબીજી)ના ચીફ દિલ્હી આવીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. આ મુલાકાત ખાનગી રાખવામાં આવી હતી. લગભગ ૧ કલાક ચાલેલી આ મુલાકાતમાં બીબીજીના વડાએ અમિત શાહને રૂબરૂ મળીને બાંગ્લાદેશના ગૃહમંત્રી સલાહુદ્દીન અહમદનો એક પત્ર આપ્યો હતો. આ બેઠક દિલ્હીના નોર્થ બ્લોકમાં આવેલી શાહની ઓફિસે મળી હતી. છેલ્લા થોડા મહિનાઓથી બીએસએફ દ્વારા શંકાસ્પદ વિદેશી નાગરીકોને બાંગ્લાદેશ સરહદની પાર મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે. આ કારણે બંને દેશ વચ્ચે તણાવ પણ વધ્યો છે. ભારત આ પ્રક્રિયાને 'પુશબેક' કહે છે. જ્યારે બાંગ્લાદેશ આ પ્રક્રિયાને 'પુશ ઇન' કહે છે. ભાજપના સિનિયર નેતાઓ અને મંત્રીઓ બાંગ્લાદેશના ઘૂસપેઠીયાઓને રોકવાના મુખ્ય નેતા તરીકે અમિત શાહને ગણે છે. મળતી જાણકારી પ્રમાણે અમિત શાહને મોકલવામાં આવેલા પત્રમાં ફરિયાદ કરવામાં આવી છે કે, ભારતના સુરક્ષા કર્મચારીઓ રાતના અંધારામાં સરહદ પરથી મોટી માત્રામાં પુરુષો, મહિલાઓ અને બાળકોને કોઈપણ પુરાવાઓ વગર બાંગ્લાદેશમાં ધકેલી રહ્યા છે.
અભિષેક બેનર્જીની ધરપકડ મધ્યપ્રદેશ પોલીસ કરશે
પશ્ચિમ બંગાળમાં મળેલી હાર પછી મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસીના સાંસદ અભિષેક બેનર્જીની તકલીફો વધી રહી છે. ઇડી ઉપરાંત પશ્ચિમ બંગાળ પોલીસ પણ એમની સામે કાર્યવાહી કરી રહી છે ત્યારે હવે મધ્યપ્રદેશ પોલીસ એમની ધરપકડ કરે એવી પૂરી શક્યતા છે. ૬ વર્ષ જૂના એક કેસ સંદર્ભે અભિષેક બેનર્જીની ધરપકડ થશે. બદનક્ષીના એક કેસમાં અભિષેકની ધરપકડ સામે કોર્ટનો સ્ટે હતો. હવે આ સ્ટે ઉઠી ગયો છે. ભાજપના નેતા વિજય વર્ગીયના પુત્ર આકાશ વર્ગીયએ બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. ખાસ એમપી - એમએલએ કોર્ટે અભિષેક બેનર્જી સામે ધરપકડનું વોરન્ટ કાઢયું છે. એમ મનાય છે કે, અભિષેક બેનર્જી કદાચ ધરપકડ ટાળવા માટે સુપ્રિમ કોર્ટમાં પણ અરજી કરી શકે એમ છે.
ઋતબ્રત બેનર્જી કેસમાં ટીએમસીને ફટકો
પશ્ચિમ બંગાળમાં ઋતબ્રત બેનર્જીને વિરોધપક્ષના નેતા બનાવવાની બાબતે વિવાદ ચાલી રહ્યો છે. વિધાનસભા સ્પિકરના આ નિર્ણય સામે મમતા બેનર્જીના જૂથે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટ હવે સુનાવણી દરમિયાન કહ્યું છે કે આ બાબતે કોર્ટ કોઈ વજગાળાનો હુકમ કરશે નહીં. કલકત્તા હાઇકોર્ટના જસ્ટીસ કૃષ્ણ રાવએ તાત્કાલીક હુકમ કરવાનો ઇન્કાર કરીને પક્ષને જવાબ દાખલ કરવાનું કહ્યું છે. હાઇકોર્ટની બેંચે કહ્યું છે કે, સ્પિકરના નિર્ણયનો વિરોધ કરી રહેલા જૂથે ત્રણ અઠવાડિયાની અંદર એફીડેવીટ દાખલ કરવી પડશે. હવે પછીની સુનાવણી સુધી સ્પિકરનો નિર્ણય ચાલુ રહેશે. હવે પછીની સુનાવણી ૨૮ જુલાઈએ થવાની છે. મમતા બેનર્જી જૂથના ધારાસભ્ય શોભનદેબ ચટ્ટોપાધ્યાયએ સ્પિકરના નિર્ણય સામે હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.
બાંગ્લાદેશીઓ કઈ રીતે બોર્ડર ક્રોસ કરે છે
ભારત - બાંગ્લાદેશ બોર્ડર ક્રોસ કરવા માટે સરહદની બંને તરફના એજન્ટો મદદ કરે છે. પ્રતિ વ્યક્તિદીઠ ૧૫,૦૦૦ જેટલા રૂપિયા લઈને સરહદ પાર કરાવવામાં આવે છે. ગુરુગ્રામથી પકડાયેલા ૧૩ બાંગ્લાદેશીઓએ પોલીસની પૂછપરછમાં આ વિગતો આપી હતી. પકડાયેલામાંથી કેટલાક ૧ વર્ષ પહેલા આવ્યા હતા તો કેટલાક ઘણા વર્ષોથી એનસીઆરમાં રહેતા હતા. તમામ ઢાકા નજીક આવેલા ઠાકુરવાડી અને બીજા ગામોમાં રહેતા હતા. બાંગ્લાદેશના એજન્ટની મદદથી તેઓ જ્યારે ભારતની સરહદમાં પ્રવેશે છે તો પશ્ચિમ બંગાળ તરફ બીજો એક એજન્ટ મળે છે, આ એજન્ટે બધાને દિલ્હી સુધી પહોંચવામાં મદદ કરી હતી. કાલિયાગંજ બોર્ડર પર કાંટાળાતારની સુરક્ષા છે. અહીં બીએસએફના સુરક્ષા કર્મચારીઓ પણ હાજર હોય છે. જોકે એજન્ટો મોકો જોઈને ઘૂસણખોરી કરાવે છે. કાંટાળાતાર ક્રોસ કરવા માટે વાસની નિસરણીનો ઉપયોગ થાય છે.









