Editorial

દિલ્હીની વાત : મોદીએ ભારતીયોની પીડા ટ્રમ્પને કહી, પરંતુ અમેરિકાનું નામ લીધુ નહીં

By GS TEAM
18 Jun 20265 mins read
દિલ્હીની વાત : મોદીએ ભારતીયોની પીડા ટ્રમ્પને કહી, પરંતુ અમેરિકાનું નામ લીધુ નહીં

નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-૭ સંમેલનમાં દરીયાઈ રસ્તાની અસલામતી અને નાવીકોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. એમણે પશ્ચિમ એશિયાના દેશના સંઘર્ષને કારણે થઈ રહેલા નુકસાન વિશે વાત કરી હતી અને હોર્મૂઝ ખાડી પર યુદ્ધની થઈ રહેલી અસર વિશે પણ વાત કરી હતી. જોકે એમણે ટ્રમ્પ સાથેની વાતચીતમાં અમેરિકાના નામનો ઉલ્લેખ કર્યો નહોતો. આ બાબતે કોંગ્રેસ વીફરી છે. કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતએ કહ્યું છે કે, ''જી-૭ મીટીંગમાં પોતાનુ સંબોધન કરીને અંતમાં વડાપ્રધાને દેશને શરમજનક પરિસ્થિતિમાં મૂક્યું છે. એમના કાયર નિવેદનને કારણે દેશની મજાક ઉડી રહી છે. આપણા લોકોનું અપમાન થયું છે. આપણા દેશના ત્રણ નાવીકોની અમેરિકાએ હત્યા કરી છે છતાં મોદીમાં અમેરિકાનું નામ લેવાની હીંમત નથી.'

ભગવંત માન દોષી કે ફેક વીડિયોનો શિકાર?

શ્રી અકાલ તખ્ત સાહિબમાં પાંચ 'શ્રી સાહિબાન 'ની એક બેઠકમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને 'ગુરુ દોષી' અને 'ખાલસા પંથ વિરોધી' જાહેર કર્યા છે. એક વિવાદાસ્પદ વીડિયો બહાર આવ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. મૂખ્યમંત્રી પહેલા જ કહી ગયા છે કે આ વીડિયો એઆઇની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. માનનું કહેવું છે કે તેઓ જ્યારે શ્રી અકાલ તખ્ત સાહિબ સામે હાજર થયા હતા ત્યારે પણ એમણે સ્પષ્ટ કર્યું હતું કે વાયરલ વીડિયોમાં દેખાતી વ્યક્તિ પોતે નથી. સિંહ સાહિબાનનો મતલબ થાય છે કે શિખ ધર્મના પાંચ તખ્તોના પાંચ સર્વોચ્ચ પદાધિકારીઓ. ભગવંત માનના કહેવા પ્રમાણે એમની લંબાઈ કે શરીરનો બાંધો વીડિયોમાં દેખાતી વ્યક્તિ સાથે મેળ ખાતો નથી. એમણે કહ્યું હતું કે, 'મને નવાઈ લાગે છે કે આટલા ઉચ્ચ ધાર્મિક સ્થાને બેઠેલા લોકો રાજકીય વિરોધીઓના કહેવાથી ખોટો પ્રચાર કરી રહ્યા છે. મને બદનામ કરવા આમ થઈ રહ્યું છે.'

નવજોત સિંહ સિદ્ધુ કાશ્મીરમાં શું કરે છે

ભૂતપૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ કાશ્મીરમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લાને મળ્યા હતા. સૂત્રોના કહેવા પ્રમાણે સિદ્ધુ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રીને એમના નિવાસસ્થાને જઈને મળ્યા હતા. મુલાકાતનું ચીલાચાલુ કારણ એ અપાયુ છે કે બંને નેતાઓએ રાષ્ટ્રીય પરિસ્થિતિ, જમ્મુ-કાશ્મીરમાં બની રહેલી ઘટનાઓ અને એક બીજાના હીતો વિષે ચર્ચા કરી હતી. સિદ્ધુએ અબ્દુલ્લાની મુલાકાત પછી એમના ખૂબ વખાણ કર્યા હતા. સિદ્ધુએ એમ પણ કહ્યું હતું કે ફારૂખ અબ્દુલ્લા દેશના એક સૌથી પ્રભાવશાળી નેતા છે. ફારૂખ અબ્દુલ્લા સાથેનો ફોટોગ્રાફ સિદ્ધુએ સોશ્યલ મીડિયા પર પણ શેર કર્યો હતો. આજે દેશના રાજકારણમાં ફારૂખ અબ્દુલ્લાનું કોઈ મહત્ત્વ નથી. કોંગ્રેસમાં પણ સિદ્ધુનો કોઈ ભાવ પૂછતુ નથી. છતા પ્રચાર એવો કરાયો કે સિદ્ધુ અને અબ્દુલ્લાની મુલાકાત ખૂબ અગત્યની હતી.

કયારેક 'લઘુમતિ' તો ક્યારેક 'આદિવાસી' બની જાય છે

ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (આઇઆરએસ) ઓફિસર નીશા ઉરાવનું કહેવું છે કે કેટલાક લોકો પરિસ્થિતિ અને સમય અનુસાર ક્યારેક લઘુમતિ બનીને તો ક્યારેક આદિવાસી બનીને બેવડો ફાયદો લે છે. આઇઆરએસ નીશા ઉરાવ આદિવાસીઓના હક્ક પર તરાપ મારનારાઓ વિશે વારંવાર બોલે છે અને રજુઆત પણ કરે છે. એમના કહેવા પ્રમાણે લઘુમતિ અને આદિવાસી હોવાનો બેવડો ફાયદો હોય તો ડીલીસ્ટીંગ એટલે કે આદિવાસી લિસ્ટમાંથી દુર થઈ જાય તો પણ લઘુમતિ તરીકે મળતા ફાયદા ચાલુ રહેવાના છે, તો પછી ડર શા માટે? આઇઆરએસ ઓફિસર ડીલીસ્ટીંગનું સમર્થન કરે છે. તેઓ માને છે કે સમાજએ પોતાના અસ્તિત્વ અને અધિકારો બચાવવા માટે ડીલીસ્ટીંગનું સમર્થન કરવું જોઈએ કારણ કે એનાથી આદિવાસીઓના અધિકારની રક્ષા થશે.

લોકસભા સ્પિકરે અભિષેકને પક્ષના ભાગલા વિશે જણાવવા કહ્યું

લોકસભાના સ્પિકર ઓમ બિરલાએ તૃણમુલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અભિષેક બેનર્જીને એક અગત્યની મીટીંગ માટે બોલાવ્યા છે. સ્પિકરે અભિષેક બેનર્જીને ૧૯મી જૂને મળવા માટે કહ્યું છે. આ મીટીંગનો મુખ્ય ઉદ્દેશ ટીએમસીમાં થયેલી ફાટફૂટ પર ચર્ચા કરવાનો છે. સ્પિકરની ઇચ્છા છે કે અભિષેક બેનર્જી આ વિવાદ વિશે પોતાની બાજુ રજુ કરીને સ્પષ્ટતા કરે. અભિષેક બેનર્જી પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા પણ છે. તૂણમુલ કોંગ્રેસના બળવાખોર સાંસદો એનસીપીઆઇ પક્ષમાં જોડાયા પછી વિવાદ વકર્યો છે. વિધાનસભા ચૂંટણીના પરિણામ પછી ટીએમસીનો આંતરીક ઝઘડો બહાર આવી ગયો છે. પક્ષના બે ફાડચા થઈ ગયા છે. સંસદના બંને ગૃહો મળીને ૪૦ સાંસદો સાથે ટીએમસીની ભૂમિકા નિર્ણાયક રહેતી હતી. બળવાખોર તમામ સાંસદો લોકસભાના સ્પિકરને મળ્યા હતા. લોકસભાના સ્પિકરને મળતા પહેલા આ બળવાખોર સાંસદો ભાજપના નેતા અને પશ્ચિમ બંગાળના પ્રભારી ભૂપેન્દ્ર યાદવને પણ મળ્યા હતા.

બળવાખોરોને જાહેરમાં આપેલી ગંદી ગાળને કારણે સંજય રાઉત ફરી ચર્ચામાં

શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના કેટલાક સાંસદો અને ધારાસભ્યો વંડી ઠેકીને શિવસેના (એકનાથ શિંદે) સાથે જઈ રહ્યા છે. આખા ઓપરેશનને 'ઓપરેશન ટાઇગર' નામ આપવામાં આવ્યું છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના કેટલાક સાંસદો દિલ્હી પહોંચ્યા છે. એકનાથ શિંદે પણ દિલ્હીમાં છે. ઘટના ક્રમથી અકળાઈ ગયેલા શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ અને નેતા સંજય રાઉત આક્રમક મૂડમાં છે. એમણે આરોપ મૂક્યો છે કે સાંસદોને પક્ષ બદલવા માટે ૧૫-૧૫ કરોડ રૂપિયા મળ્યા છે. આ ૧૫ કરોડ રૂપિયા તો એડવાન્સ રકમ છે એમને કુલ ૫૦ કરોડ રૂપિયા મળવાના છે. સંજય રાઉત શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના બીજા નેતા અનિલ દેસાઈ સાથે પત્રકારોને સંબોધન કરતા હતા ત્યારે એમણે બળવાખોર સાંસદો માટે બિભત્સ શબ્દ વાપર્યો હતો જેને કારણે હો હા થઈ ગઈ હતી. સંજય રાઉતે જોકે માફી માંગવાને બદલે પોતાની વાતને વળગી રહેવાનું પસંદ કર્યું છે.

કર્ણાટકમાં વિવાદ અટકવાનું નામ લેતો નથી

કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાયા પહેલા કોંગ્રેસના અલગ અલગ જૂથો વચ્ચે ભારે ખેંચતાણ થઈ હતી. ડી શિવકુમાર મુખ્યમંત્રી બન્યા પછી એમ લાગતુ હતું કે, હવે કર્ણાટક કોંગ્રેસમાં બધુ ઠરીઠામ થયું છે. જોકે ગણતરીના દિવસોમાં જ નવો વિવાદ ઉભો થયો છે. કર્ણાટકમાં વિવાદાસ્પદ જમીન સંપાદન મામલે રાજકારણ ગરમાય રહ્યું છે. પહેલા જનતાદળ (સેક્યુલર)ની યુવા શાખાના પ્રદેશ પ્રમુખ નિખિલકુમાર સ્વામીએ સરકારની જમીન સંપાદન નીતિ બાબતે કોંગ્રેસની ટીકા કરી હતી. એમનો આરોપ છે કે બેંગ્લુરુની નજીક આવેલા બીદાદી ક્ષેત્રના ખેડૂતોની ઉપજાઉ જમીન જબરદસ્તીથી સંપાદીત કરવામાં આવે છે. આ બાબતે કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના ખાસ નેતાઓએ રાહુલ ગાંધીને જાણ કરીને મધ્યસ્થી બનવા કહ્યું છે. નિખિલકુમાર સ્વામીએ પણ સોશ્યલ મીડિયા પર જાહેરમાં આ વિવાદ વિશે લખીને રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. હવે રાહુલ ગાંધી આ બાબતે કેવા પગલા લે છે એના પર બધાની નજર છે.