દિલ્હીની વાત : ચાટુકારીતાની હદ, ટ્રમ્પએ એક કરોડ લોકોના જીવ બચાવ્યા

નવીદિલ્હી : અમેરિકાની ગુડબુક્સમાં રહેવા માટે પાકિસ્તાન કોઈપણ હદે જઈ શકે છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુશ કરવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે તમામ હદ વટાવી છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે શરૂ કરેલા ઓપરેશન સિંદુરને રોકવાની ક્રેડીટ પાકિસ્તાને ડોનાલ્ડ ટ્રમ્પને આપી છે. આ વાત ડોનાલ્ડ ટ્રમ્પે પોતે કહી છે. ટ્રમ્પના કહેવા પ્રમાણે શહબાઝ શરીફએ એમને ઓછામાં ઓછા એક કરોડ લોકોના જીવ બચાવવા માટે અભિનંદન આપ્યા છે. ટ્રમ્પની ડંફાસ પ્રમાણે બંને દેશો પાસે પરમાણુ શક્તિ હોવાથી જો સંઘર્ષ રોકવામાં નહીં આવતે તો મોટી જાનહાની થતે. ટ્રમ્પે ફરીથી પોતાના માટે નોબેલ શાંતિ પ્રાઇઝ માંગ્યું છે. ૨૦૨૫ના વર્ષથી ટ્રમ્પ સતત એવી ડંફાસ મારે છે કે એમણે ૮ જેટલા યુદ્ધો અટકાવ્યા છે.
બંગાળના રાજ્યપાલનું વધુ એક તીકડમ, હવે ભવદીયની જગ્યાએ લખશે વંદે માતરમ
બંગાળના રાજ્યપાલ ડો. સીવી આનંદ બોઝને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે વારંવાર ટક્કર થાય છે. કેન્દ્ર સરકારને સારૂ લગાડવા માટે બોઝ કોઈપણ હદે જઈ શકે છે. બોઝ હવે નવું તીકડમ લાવ્યા છે. એમણે કહ્યું છે કે હવે પત્રવ્યવહાર કરતી વખતે તેઓ ભવદીયને બદલે વંદે માતરમ લખશે. આ બાબતને એમના અધિકારીએ સોશ્યલ મીડિયા એક્સ પર પણ પુષ્ટી આપી છે. એ હદે ચાટુકારીતા કરવામાં આવી છે કે, ગીત લખનાર બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય પણ શરમાઇ જાય. અધિકારીએ કહ્યું છે કે રાજ્યપાલે પત્રોના અંતમાં ભવદીય કે યોર્સ સિન્સીયરલી લખવાને બદલે વંદે માતરમ લખવાનો નિર્ણય કર્યો છે. રાજ્યપાલના કહેવા પ્રમાણે એમના આ નિર્ણયથી દેશમાં એકતા, દેશભક્તિ અને સાંસ્કૃતિક ગૌરવ વધશે. આ કઈ રીતે થશે એનો ખુલાસો એ આપી શક્યા નથી.
મહારાષ્ટ્રમાં ઓવૈસીના પક્ષને કારણે સમાજવાદીપક્ષનું ધોવાણ
મહારાષ્ટ્ર નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપના ગઠબંધનને બમ્પર જીત મળી છે. જોકે આવેલા પરિણામો પછી બીજા નંબરે સૌથી વધારે ખુશી એઆઇએમઆઇએમના અસદુદ્દીન ઓવૈસીને થઈ છે. મહારાષ્ટ્રની ૨૯ નગરપાલિકાઓમાંથી ૧૩ નગરપાલિકામાં ઓવૈસીના ૯૫ ઉમેદવારો જીત્યા છે. એઆઇએમઆઇએમએ મુંબઈમાં સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીનો કહેવાતો ગઢ પણ ધ્વંશ કર્યો છે. માનખુર્દમા એઆઇએમઆઇએમના ઉમેદવાર જીત્યા છે. છત્રપતિ સંભાજીનગરની ચૂંટણીમાં ઓવૈસીનો પક્ષ બીજા નંબરે રહ્યો છે. એમ મનાય છે કે ઓવૈસીને કારણે કોંગ્રેસ અને ખાસ કરીને સમાજવાદી પક્ષને મોટુ નુકશાન થયું છે, કારણ કે કોંગ્રેસ અને સમાજવાદી પક્ષને નિયમીત રીતે મત આપતા મુસ્લિમ મતદારો હવે ઓવૈસી તરફ વળ્યા છે.
આર્ટિકલ 32ના વધતા દુરઉપયોગથી સુપ્રિમ ચિંતિત
સુપ્રિમ કોર્ટે આર્ટિકલ ૩૨નો દુરઉપયોગ કરીને કરાતી અરજીઓ પરત્વે નારાજગી બતાવી છે. બંધારણના આર્ટિકલ ૩૨ મુજબ દેશની કોઈપણ વ્યક્તિ ન્યાય માટે આર્ટિકલ ૩૨ હેઠળ સુપ્રિમ કોર્ટમાં દાદ માંગી શકે છે. જસ્ટીસ બીવી નાગરત્ના અને જસ્ટીસ ઉજ્જલ ભૂઇયાની બેન્ચે આર્ટિકલ ૩૨ હેઠળ દાખલ કરવામાં આવેલી એક અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે આજ વિષય સાથે જોડાયેલો કેસ પહેલાથી જ બોમ્બે હાઇકોર્ટમાં પેન્ડીંગ છે. સુનાવણી વખતે જસ્ટીસ નાગરત્નાએ આર્ટિકલ ૩૨ના વધતા દુરઉપયોગ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. એમણે કહ્યું હતું કે, આ પ્રકારની અરજીઓની સંખ્યા ખૂબ વધી રહી છે અને હવે તો નાની નાની વાતો માટે પણ લોકો સીધા સુપ્રિમ કોર્ટ દોડી આવે છે. દિલ્હીની આસપાસ રહેતા લોકો આર્ટિકલ ૩૨નો હવાલો આપીને સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરે છે. આ શું છે?
મોહમદ યુનુસ યુદ્ધની તૈયારી કરી રહ્યા હોવાની શંકા
ભારત અને બાંગ્લાદેશના સંબંધો વણસી રહ્યા છે. બાંગ્લાદેશમાં મોહમદ યુનુસની સરકાર કટ્ટરવાદીઓની મદદથી ભારત વિરોધી નેરેટીવ સેટ કરે છે. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન બાંગ્લાદેશે પાકિસ્તાનની મદદથી ભારતના ઉત્તર પૂર્વના રાજ્યોમાં અશાંતિ ફેલાવાનો પ્રયત્ન કર્યો છે. હવે તૂર્કિ પણ બાંગ્લાદેશની સાથે મળી ગયું છે. આજ કારણથી રેચેપ તૈય્યપ એર્દોગનએ હવે ભારતના પડોશી મુસ્લિમ દેશો સાથે સંબંધ સુધારવા માંડયા છે. બાંગ્લાદેશે તૂર્કિ પાસેથી એટેક હેલિકોપ્ટર અને યુએવી ડ્રોન ખરીદવાની તૈયારી કરી છે. બંને દેશો વચ્ચે સુરક્ષા બાબતે કરાર થયો છે. જે રીતે બાંગ્લાદેશ તૂર્કિ પાસેથી શસ્ત્રો ખરીદી રહ્યું છે એ જોતા એવી શંકા છે કે કદાચ બાંગ્લાદેશ ભારતને છંછેડવાની કોશિષ પણ કરે.
એ આર રહેમાનના નિવેદનથી વધેલો વિવાદ વકર્યો
ઓસ્કાર વિજેતા મ્યુઝીક ડાયરેક્ટર એ આર રહેમાને એવું નિવેદન આપ્યું છે કે તેઓ લઘુમતિમાં હોવાથી છેલ્લા ૮ વર્ષથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમને કોઈ કામ આપતું નથી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સત્તાનું પરિવર્તન થયું છે. જોકે રહેમાનના આ નિવેદનનો ભારે વિરોધ થયો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો કહી રહ્યા છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી કોઇની જાગીર નથી. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાચા અર્થમાં બિનસંપ્રાદાયીક છે અહીં દિલીપકુમાર (યુસુફ ખાન)થી માંડીને શાહરુખ ખાન જેવા મુસ્લિમો પણ સુપરસ્ટાર બની શકે છે. એ આર રહેમાન છેલ્લા કેટલાક વર્ષોથી એક જ પ્રકારનું મ્યુઝીક આપે છે જેને કારણે ફિલ્મ દિગ્દર્શકો એમને પસંદ કરતા નથી. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો જે કઈ વેચાય છે એ જ ચાલે છે. એ આર રહેમાનના મ્યુઝીકવાળી ઘણી ફિલ્મો ફલોપ ગઈ છે અને એમના મ્યુઝીક આલ્બમો પણ ચાલ્યા નથી. દિલ્હીની પ્રેસ કલબમાં પણ આ બાબતે ઉગ્ર ચર્ચા થઈ રહી છે.
કાશ્મીર બાબતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને ફટકો
પાકિસ્તાન વારંવાર આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીર બાબતે જૂઠાણા ફેલાવે છે. હવે રહી રહીને ભારતે આ બાબતે પાકિસ્તાનની ટીકા કરી છે. ભારતે પાકિસ્તાનની ઝાટકણી કાઢતા કહ્યું છે કે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રના મંચનો લાંબા સમય સુધી દુરઉપયોગ કર્યો છે. આ વાત સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતના પ્રતિનિધિ એલડોસ પન્નુજએ કહી છે. એમણે કહ્યું હતું કે કેન્દ્રશાસીત જમ્મુ અને કાશ્મીર ભારતનો જ હિસ્સો છે. પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ આસીમ ઇફ્તેખાર અહમેદએ સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી એન્ટોનિયો ગુટેરસ સાથેની મિટિંગમાં કાશ્મીરનો ઉલ્લેખ કર્યો એ બાબતે એલડોસે ટીકા કરી હતી. પાકિસ્તાન વારંવાર સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવે છે પરંતુ બીજા દેશો એને સમર્થન આપતા નથી. પાકિસ્તાન જમ્મુ કાશ્મીરની જમીની હકીકત બાબતે આંખ આડા કાન કરે છે.









