Editorial

દિલ્હીની વાત : મોહન ભાગવતનો બોદો બચાવ .

By GS TEAM
17 Jun 20264 mins read
દિલ્હીની વાત : મોહન ભાગવતનો બોદો બચાવ                     .

નવીદિલ્હી : કર્ણાટકના ગૃહમંત્રી પ્રિયાંક ખડગે વારંવાર રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ પર શાબ્દિક હુમલા કરતા રહે છે. 

થોડા દિવસો પહેલા એમણે કહ્યું હતું કે, આરએસએસએ નોંધણી કરાવી નથી છતા એની પાસે પૈસા કયાંથી આવે છે એની તપાસ થવી જોઈએ. હવે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે કર્ણાટકના ગૃહમંત્રીની માંગણી ફગાવી દીધી છે. એમના કહેવા પ્રમાણે આ રાજકારણ છે. 

સરકાર જાણે છે કે સંઘ શું છે. એમ તો હિન્દુ ધર્મ પણ રજીસ્ટર્ડ નથી થયો એટલે એ પણ અમાન્ય ગણાય? સંઘ વિરુદ્ધના આવા નિવેદનો સંઘ પ્રત્યે શંકા ઉભી કરવા માટે કરવામાં આવે છે. વિશ્વમાં ઘણી બાબતો રજીસ્ટર્ડ નથી થતી હોતી. 

જેમને સરકાર પાસેથી ફંડ જોઈતું હોય એમણે રજીસ્ટ્રેશન કરાવવું પડે. લોકોને મોહન ભાગવતનો આ બચાવ બોદો લાગે છે.

સાંસદ કલ્યાણ બેનર્જીને સંસદમાંથી કાઢવાની માંગણી

તૃણમુલ કોંગ્રેસના બળવાખોર સાંસદ કાકોડી ઘોષ દસ્તીદારએ લોકસભાના સ્પિકર ઓમ બીરલાને પત્ર લખીને પોતાના સાથી સાંસદ કલ્યાણ બેનર્જીને સંસદમાંથી બહાર કાઢવાની માંગણી કરી છે. એમણે બેનર્જી પર સંસદની અંદર વારંવાર અપશબ્દો કહેવા, મહિલાઓ માટે અપમાનજનક વાતો કરવી અને ગેરવ્યવહાર કરવાનો આરોપ મૂક્યો છે. આ જાહેરાત ઘોષ દસ્તીદાર અને બીજા ૧૯ સાંસદો એનસીપીઆઇ (નેશનલીસ્ટ સીટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા) માં જોડાયા પછી કરવામાં આવી છે. તૃણમુલ કોંગ્રેસમાં પડેલી તડ હવે સંધાય એમ લાગતું નથી. પત્રમાં એવા પણ આક્ષેપ છે કે બેનર્જી સંસદીય કાર્યવાહી દરમિયાન અન્ય મહિલા સાંસદોનું વારંવાર અપમાન કરે છે. એમની ભાષા પણ યોગ્ય હોતી નથી. આવો વ્યવહાર કોઈ પણ સાંસદને શોભે નહીં.

નારાજ બાંગ્લાદેશે ભારતના રાજદ્વારીને તેડાવ્યા

દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ ત્રણ કલાક સુધી પૂછપરછ કર્યા પછી બાંગ્લાદેશના વડાપ્રધાન તારીક રહેમાનના સલાહકાર ઝાહીદ ઉર રહેમાનને બાંગ્લાદેશ પરત મોકલી આપ્યા હતા. આ ઘટના પછી બાંગ્લાદેશના વિદેશમંત્રી ડો. ખલીલુર રહેમાન નારાજ થઈ ગયા છે. એમણે કહ્યું છે કે, 'આ એક અણધારી ઘટના છે. આ કમનસીબ પણ છે. વિદેશ મંત્રાલય આ બાબતે યોગ્ય કાર્યવાહી કરશે.' બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ઢાકામાં ભારતીય એમ્બેસીના રાજદ્વારી પવનકુમાર બૌદ્ધને બોલાવ્યા હતા. હમણા તેઓ ઢાકામાં કાર્યકારી એમ્બેસેડર છે. વડાપ્રધાનના સલાહકાર ઝાહીદ ઉર રહેમાન એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા હતા. ઇમિગ્રેશનના પ્રવક્તાઓનું કહેવું છે કે પૂછપરછ પછી એમને ભારત આવવાની સહમતી આપી હતી, પરંતુ પોતાની મરજીથી તેઓ પરત ફરી ગયા હતા.

ભાજપના લાડકા રાઘવ ચઢ્ઢા હમણા શું કરે છે

આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. ભાજપમાં જોડાયા પછી રાઘવ ચઢ્ઢાએ ઘણા દિવસો પછી સોશ્યલ મીડિયામાં કોઈ પોસ્ટ મૂકી છે. વીડિયોમાં રાઘવ ચઢ્ઢા ટેનીસ રમતા નજરે પડે છે. વીડિયો સાથે એમણે કેપ્શનમાં લખ્યું છે કે 'ધ્યાન માટેની મારી માનીતી રમત' વીડિયોમાં તેઓ કાળુ ટીશર્ટ અને કાળુ ટ્રાઉઝર પહેરેલી વ્યક્તિ સાથે ટેનીસ રમતા હતા. વીડિયો જોઈને લોકોએ એમને ઘણા સવાલો પૂછયા હતા. કેટલાકે એમની ટીકા કરતા પૂછયું હતું કે અહીં નીટનું પેપર લીક થઈ ગયું છે અને તમે ચૂપ બેઠા છો. તમારા મોઢા પર કેમ તાળુ લાગી ગયું છે. તમે હવે સરકારી માણસ બની ગયા છો.

જહાંગીર ખાનનો નશો ઉતરી ગયો

પશ્ચિમ બંગાળમાં એક જમાનામાં ટીએમસીના નેતા જહાંગીર ખાનનો વટ હતો. સમગ્ર સરકારી તંત્રથી માંડીને સામાન્ય વ્યક્તિઓમાં એનો ડર હતો. હવે સરકાર બદલાયા પછી જહાંગીર ખાનનો સત્તાનો નશો ઉતરી ગયો છે. બંગાળના પાલ્ટામાં પોલીસે ટીએમસીના નેતા જહાંગીર ખાનને રસ્તા પર પરેડ કરાવી હતી. જહાંગીર ખાન જાહેરમાં કાન પકડીને અને હાથ જોડીને લોકોની માફી માગતો જોવા મળ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે મનાઈ ફરમાવી એ પહેલા ગુજરાતમાં પણ આ પ્રકારના આરોપીઓના સરઘસ કાઢવામાં આવતા હતા. બંગાળ પોલીસે જહાંગીર ખાનને ખુલ્લા પગે રસ્તા પર ફેરવ્યો હતો. ગેરકાયદેસર વસુલીના આરોપમાં જહાંગીર ખાનની નેપાળ બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવી હતી. ચૂંટણી પ્રચાર વખતે જહાંગીર ખાન પાલ્ટામાં ફિલ્મ 'પુષ્પા'ના પાત્રની માફક 'પુષ્પા ઝુકેગા નહીં સાલા' જેવા ડાયલોગ પણ મારતો હતો.

ઉદ્ધવ ઠાકરેએ શા માટે ૨૨મી જૂને બેઠક બોલાવી

શિવસેના (ઉદ્ધવ ઠાકરે) મા ફરીથી તડ પડવાની શક્યતા છે. થોડા દિવસો પહેલા ઉદ્ધવે બોલાવેલી મીટીંગમાં ૯ સાસંદોમાંથી ફક્ત બે સાંસદો હાજર રહ્યા હતા. રાજકીય વર્તુળોમાં ચર્ચા થાય છે કે બાકીના ૭ સાંસદો શિવસેના (એકનાથ શિંદે)માં જોડાઈ જશે. આ અટકળો વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ હવે ધારાસભ્યોની મીટીંગ બોલાવી છે. આમ આ બેઠક મુંબઈમાં ૨૨મી જૂને મળશે. મંત્રાલયની સામે આવેલા પક્ષના કાર્યાલય 'શીવાલય'માં તમામ ધારાસભ્યોને ભેગા થવાનું કહેવામાં આવ્યું છે. મુખ્ય વ્હીપ સુનીલ પ્રભુ અને એમએલસી અનીલ પરબે પત્ર લખીને આ જાણકારી આપી છે. પત્ર પ્રમાણે વિધાનસભા અને વિધાન પરીષદના તમામ સભ્યોને આ બેઠકમાં હાજર રહેવા કહેવાયું છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને ફરીથી તોડવાના પ્લાનને ઓપરેશન 'ટાઇગર' નામ અપાયું છે.

હવે અખિલેશ યાદવે પણ મમતાનો સાથ છોડયો

સમાજવાદી પાર્ટી (એસટી)ના સિનિયર નેતા કિરણમય નંદાના એક નિવેદનને કારણે રાજકારણમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં અખિલેશ યાદવ અને મમતા બેનર્જી બંને હાજર રહ્યા હતા. ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં બધાએ એકજૂટ થઈને ભાજપનો મુકાબલો કરવાનું નક્કી કર્યું હતું. હવે નંદાના નિવેદન પછી એવું લાગી રહ્યું છે કે, પક્ષ પ્રમુખ અખિલેશ યાદવ અને ટીએમસીના સુપ્રિમો મમતા બેનર્જી વચ્ચેનું અંતર વધી ગયું છે. નંદાએ મમતા બેનર્જી પર શાબ્દીક હુમલા કર્યા હતા. એમણે કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં લોકોએ ટીએમસીને નકારી કાઢી છે. હજી સુધી મમતા બેનર્જી પોતાની હાર સ્વિકારવાને બદલે ચૂંટણીના પરિણામો પર રાજકારણ કરી રહ્યા છે.