તૃણમુલ કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં

નવીદિલ્હી: પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસની હાલની પરિસ્થિતિ જોતા તૃણમુલ કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં છે. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે, પક્ષ પર મમતા બેનર્જીની પકડ નબળી થઈ ગઈ છે. ભત્રીજા અભિષેક બેનર્જીના બહાને એક સમય નજીકના નેતાઓ પણ મમતાથી દુર થઈ રહ્યા છે. એક તરફ પક્ષ કોંગ્રેસ સાથે ભળી જાય એવી વાતો છે ત્યારે બીજી તરફ મમતા બેનર્જી એકલે હાથે ટીએમસીને ટકાવી શકે છે કે નહીં એની ચર્ચા છે. ટીએમસીના કાર્યકરો માની રહ્યા છે કે, અભિષેક બેનર્જીના ઉદ્ધત અને અભિમાની સ્વભાવને કારણે આજે પક્ષ તૂટવાની અણીએ છે. નવાઈની વાત એ છે કે આટલી ઉથલપાથલ થતી હોવા છતાં મમતા બેનર્જી ચૂપ છે.
કલ્યાણ બેનર્જીનું 'અભી બોલા, અભી ફોક'
હમણા જ કલ્યાણ બેનર્જીએ મમતા બેનર્જીને અલ્ટીમેટમ આપ્યું હતું કે ભત્રીજા અભિષેક બેનર્જી અથવા એમનામાંથી એકની પસંદગી કરે. એમને ખબર છે કે મમતા બેનર્જી ચારે તરફથી ભીસમા છે. નબળા પડેલા મમતા બેનર્જી પાસે ધાર્યું કરાવવાની એમની ઇચ્છા હતી.
હવે જોકે એમણે એકાએક યુ ટર્ન માર્યો છે. એમણે એક નિવેદનમાં કહ્યુ કે, અભિષેક બેનર્જી એમના દીકરા જેવો છે અને પિતા હોવાને કારણે એને માફ કરી દેવાની એમની ફરજ છે. એમનું નિવેદન આ પ્રમાણે હતું ઃ 'એ મારા બેટા જેવો છે. પિતાની ફરજ છે કે બેટાની બધી ભૂલો માફ કરી દે. દેશમાં લોકશાહી જોખમમાં છે. પશ્ચિમ બંગાળમાં આવી પરિસ્થિતિ કદી પહેલા આવી નહોતી કે જ્યારે વિરોધપક્ષનો સંપૂર્ણ સફાયો થઈ ગયો હોય. હમણાના મુખ્યમંત્રી ઝેરીલા છે. લોકશાહી માટે આ ખતરનાક છે.'
'રાહુલ ગાંધી ભાજપને ફાયદો કરાવે છે'
કેરળ વિધાનસભામાં વિરોધપક્ષના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી પી વીજયનએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર ગંભીર આક્ષેપો કર્યો છે. રાહુલ ગાંધીની ટીકા કરતા વીજયનએ કહ્યું હતું કે, એમના રાજકારણને કારણે વિરોધપક્ષનું ઇન્ડિયા ગઠબંધન મજબૂત નથી થતું, પરંતુ ફાયદો ભાજપને થાય છે.
રાહુલ ગાંધીએ હમણા ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં પી વીજયન રાજકીય વિરોધી હોવાને કારણે એમને ભેટયા નહી હોવાની વાત કહી હતી. વીજયનએ કહ્યું હતું કે એમને કોણ ભેટે છે કે કોણ નથી ભેટતું એનાથી કોઈ ફેર પડતો નથી.
વીજયનના કહેવા પ્રમાણે ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ફક્ત સામ્યવાદીઓએ જ નહીં, પરંતુ અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ અને બીજા બીન કોંગ્રેસ પક્ષોના નેતાઓએ કોંગ્રેસના વલણ પ્રત્યે નારાજગી બતાવી હતી. વીજયનના કહેવા પ્રમાણે આજની જે સ્થિતિ છે એ કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધીના વલણને કારણે છે.
ટીએમસીના વિદ્રોહીઓ પર આદિત્ય ઠાકરે ભડક્યા
તૃણમુલ કોંગ્રેસના સાંસદો તેમજ ધારાસભ્યો પક્ષ સામે બળવો પોકારી રહ્યા છે. આ બાબતે શિવસેના (આદિત્ય ઠાકરે)ના નેતા આદિત્ય ઠાકરે ખુબ નારાજ છે. આદિત્યને કદાચ એમના પક્ષ સામે થયેલો બળવો યાદ આવી ગયો હોય. થોડા વર્ષો પહેલા શીવસેના જ્યારે એક હતી ત્યારે મહારાષ્ટ્રના હાલના ઉપમુખ્યમંત્રી એકનાશ શિંદેનું જૂથ શિવસેનાથી અલગ થઈ ગયું હતું. એકનાથ શિંદેને કારણે આજે ઉદ્ધવ ઠાકરે વિરોધપક્ષમાં બેઠા છે. આદિત્ય ઠાકરેએ બળવાખોરોને ડરપોક કહ્યા છે. એમણે કહ્યું છે કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીને કારણે મોટા નેતા બનેલાઓ હવે પક્ષ છોડી રહ્યા છે. બળવોખોર નેતાઓ પક્ષ અને મમતા બેનર્જીએ એમને માટે કરેલા કામો ભૂલી રહ્યા છે.
દર્દીઓને ખાસ દુકાનથી દવા ખરીદવા ફરજ પાડી શકાય નહીં
આપણા દેશમાં કેટલાક ડોક્ટરો અને હોસ્પિટલ દર્દીઓને ખાસ મેડિકલ સ્ટોર્સમાંથી જ દવા ખરીદવા મજબૂર કરતા હોય છે. હવે મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશન (એફડીએ)ના ડિરેક્ટર તુકારામ મૂંડેએ એવો હુકમ બહાર પાડયો છે કે હોસ્પિટલ દર્દીઓને પોતાની ઇનહાઉસ ફાર્મસી અથવા કોઈ ખાસ દુકાનેથી જ દવા ખરીદવા મજબૂર કરી શકશે નહીં. મૂંડેના કહેવા પ્રમાણે જો એમને આવી ફરિયાદ મળશે તો કાયદા અનુસાર પગલા લેવામાં આવશે. કાયદેસર રીતે કોઈપણ હોસ્પિટલને એવી સત્તા નથી કે કોઈપણ દર્દીને કોઈ એક ખાસ જગ્યાએથી જ દવા ખરીદવા આગ્રહ કરી શકે. લોકો માને છે કે એફડીએની આ સૂચના યોગ્ય જ છે, પરંતુ બ્લડ ટેસ્ટ કે એક્સરે જેવા રીપોર્ટ ખાસ જગ્યાએથી કઢાવવા માટે પણ ડોક્ટરોએ દર્દીને ફરજ પાડવી જોઈએ નહીં.
બે તેજસ્વી મહિલા અધિકારીઓનો ઝઘડો, સુપ્રિમ કોર્ટે રસ્તો કાઢવા કહ્યું
આઇએએસ રોહિણી શિંગુરી અને આઇપીએસ રૂપા મોડગીલ ઘણા સમયથી એક બીજા સામે કાયદાકીય લડાઈ લડી રહ્યા છે. બંને કર્ણાટક કેડરના મહિલા અધિકારીઓ ૨૦૨૩ થી જાહેર લડાઈ લડે છે. બંનેએ એક બીજા પર બદનક્ષીના કેસો કર્યા છે. એટલે કે ક્રોસ ડિફેમેશનના કેસ દાખલ કર્યા છે. કેસની સુનાવણી જ્યારે સુપ્રિમ કોર્ટમાં પહોંચી ત્યારે કોર્ટે ટીપ્પણી કરી હતી કે, બંને અધિકારીઓ શ્રેષ્ઠ છે અને બીનજરૂરી વિવાદમાં એક બીજાની કારકિર્દી ખરાબ કરી રહ્યા છે. સુપ્રિમ કોર્ટનું માનવું હતું કે, આ કેસનો ઉકેલ મધ્યસ્થતાથી આવી શકે એમ છે. કોર્ટે નિવૃત્ત જસ્ટીસ કુરિયન જોસેફને મધ્યસ્થી તરીકે નિમ્યા છે અને વિવાદનો ઉકેલ લાવવા કહ્યું છે. કર્ણાટકમાં થતી ચર્ચા પ્રમાણે આ બંને મહિલા અધિકારીઓ વધુ પડતા જીદ્દી હોવાથી કેસ લંબાઈ ગયો છે.
દિલ્હી સરકારે એવોર્ડોના નામ બદલીને ભાજપના નેતાઓના નામ રાખ્યા
દિલ્હી સરકારની હિન્દી એકેડેમીએ પોતાના વાર્ષિક સાહિત્યીક એવોર્ડ કાર્યક્રમમાં મોટો ફેરફાર કર્યો છે. કેટલાક એવોર્ડોના નામ હિન્દુત્વ વિચારધારા સાથે જોડાયેલી વ્યક્તિઓ અને સ્વતંત્ર સેનાનીઓ પરથી રાખવામાં આવ્યા છે. એક એવોર્ડનું નામ 'વીર સાવરકર સન્માન' રાખવામાં આવ્યું છે. આ એવોર્ડ રાષ્ટ્રીય ચેતનાના ક્ષેત્રમાં યોગદાન માટે આપવામાં આવશે. બીજા એક એવોર્ડનું નામ 'અટલ બિહારી વાજપેયી સંસ્કૃતિ' તથા 'જ્ઞાનપરંપરા સન્માન' રાખવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાના પ્રચાર - પ્રસારના કામ માટે આ એવોર્ડ અપાશે. આ એવોર્ડ સાથે પાંચ લાખ રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે. એકેડેમીનું સર્વોચ્ચ સન્માન 'હિન્દી એકેડેમી શલાકા સન્માન'નું નામ બદલીને 'પંડીત દિનદયાલ ઉપાધ્યાય શલાકા સન્માન' કરવામાં આવ્યું છે. ઘણા ટીકાકારોએ એકેડેમીના આ નિર્ણયની ટીકા કરી છે.









