બીએનપીની જીતથી ભારતે ખુશ થવા જેવું નથી

નવીદિલ્હી: બાંગ્લાદેશની ચૂંટણીમાં ભારે બહુમતીથી જીત મેળવનાર બાંગ્લાદેશ નેશનલીસ્ટ પાર્ટી (બીએનપી)એ ભારત પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગણી કરી છે. ૨૦૨૪ના ઓગસ્ટ મહિનામાં યુવાનોએ કરેલા હિંસક આંદોલન પછી શેખ હસીના ભાગીને ભારત આવી ગયા હતા. બીએનપીના સિનિયર નેતા સલાહુદ્દીન અહમદએ કહ્યું હતું કે 'વિદેશ મંત્રી પહેલા જ શેખ હસીનાના પ્રત્યાર્પણ બાબતે માંગણી કરી ચૂક્યા છે. અમે પણ આ વાતને ટેકો આપીએ છીએ. અમે હંમેશા કાયદા પ્રમાણે શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગણી કરતા રહ્યા છીએ. અમે ભારત સરકારને પણ વિનંતી કરી છે કે શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલે જેથી એમની સામે કાયદેસર પગલા લઈ શકાય.' કેટલાક રાજકીય નિરીક્ષકો એમ માનતા હતા કે બીએનપીની જીતથી ભારતના સંબંધ બાંગ્લાદેશ સાથે સુધરશે. બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓ કાબુમાં આવશે. જોકે જીત પછી બીએનપીના નેતાઓના નિવેદનો જોતા લાગે છે કે, બીએનપીની જીતથી ભારતે ખાસ ખુશ થવા જેવું નથી.
લદ્દાખને પુર્ણ રાજ્યનો દરજ્જો નહીં મળે
લદ્દાખ બાબતે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે નહીં. કારગીલ ડેમોક્રેટીક એલાયન્સ (કેડીએ) અને લેહ એપેક્સ બોડી (એલએબી) પોતાની માગણીઓ લઈને દિલ્હી પહોંચ્યા હતા. બંને પક્ષો દ્વારા કહેવામાં આવ્યું હતું કે કેન્દ્રએ લદ્દાખને છઠ્ઠી યાદીમાં સમાવેશ કરવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. છઠ્ઠી યાદીમાં સમાવેશ થાય તો આદિવાસી વિસ્તારોની સ્વાયતત્તા માટે સુરક્ષા, સંસ્કૃતિ અને જમીન વિષયક નિર્ણય લેવાની સત્તા સ્થાનીક તંત્રને મળે છે. ગૃહમંત્રાલય સાથેની મિટિંગમાં લદ્દાખના મોટા નેતાઓ બેઠા હતા. કેન્દ્ર સરકારે એમની સામે ટેરીટોરિયલ કાઉન્સીલની ઓફર મૂકી હતી. આ ઓફર પ્રમાણે લદ્દાખ ઓટોનોમસ હીલ ડેવલોપમેન્ટ કાઉન્સીલર (એલએએચડીસી)ના ચીફને મુખ્યમંત્રી અને ડેપ્યુટી ચીફને ઉપમુખ્યમંત્રીનો દરજ્જો આપી શકાય.
પ્રાણી પ્રેમીઓને ખુશ કરવા મોહન ભાગવતનો પ્રયત્ન
રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે પશુચિકિત્સા કેન્દ્રમાં એક સ્વતંત્ર અને અલગ વેટરનરી કાઉન્સીલની સ્થાપના કરવા માંગણી કરી છે. એમણે કહ્યું છે કે પશુઓના સ્વાસ્થ્ય અને દેખરેખ સાથે જોડાયેલા નિર્ણયો પશુચિકિત્સકોના હાથમાં હોવા જોઈએ. ભાગવતે અલગ વેટરનરી કાઉન્સીલ બનાવવાની માગણી પણ કરી છે. એમણે સ્પષ્ટ કર્યું હતું કે પશુઓના ખાસ કલ્યાણ અને વિકાસ માટે પશુચિકિત્સકો અને નિષ્ણાતોના હાથમાં સત્તા હોવી જરૂરી છે. જે રીતે રમતગમતના ક્ષેત્રોમાં રમતવીરોની જરૂર હોય છે એ જ રીતે પશુશાસ્ત્રની બારીકી સમજવા માટે એક સ્વતંત્ર પરિષદ હોવી જરૂરી છે. એમણે ઉદાહરણ આપતા કહ્યું હતું કે, 'જીસ કા બંદર વહી નચાયે' જો કોઈ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો એક ક્ષેત્રના જાણકારોને જ નિર્ણય લેવાનો અધિકાર હોવો જોઈએ.
રાજપાલની મદદે કોઈ ન ફરક્યુ, બધાએ પ્રસિદ્ધિ મેળવી
ચેક બાઉન્સના કેસમાં એક્ટર રાજપાલ યાદવ દિલ્હીની તિહાર જેલમાં કેદ છે. લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજપ્રતાપ યાદવ અને સોનુ સુદ સહીત કેટલાક ફિલ્મસ્ટારોએ પણ રાજપાલ યાદવને મદદ કરવાની જાહેરાત કરી હતી. જોકે રાજપાલ યાદવના ભાઈ શ્રીપાલ યાદવના કહેવા પ્રમાણે અત્યાર સુધી કોઈએ પણ રાજપાલને આર્થિક મદદ કરી નથી. રાજપાલ યાદવના ખાતામાં કોઈએ રૂપિયો પણ નંખાવ્યો નથી કે એમના કુટુંબનો સંપર્ક પણ કોઈએ કર્યો નથી. રાજપાલ યાદવ ઉત્તર પ્રદેશના શાહજહાપુરનો વતની છે. કુંડરા ગામમાં એનું મકાન પણ છે. રાજપાલ યાદવએ એક ફિલ્મ બનાવવા માટે ખાનગી કંપની પાસેથી પાંચ કરોડ રૂપિયાની લોન લીધી હતી, પરંતુ ફિલ્મ ફલોપ જતા લોન ભરી શક્યો નહોતો. એણે આપેલા ચેક પણ બાઉન્સ થયા હતા.
સમાન કામ, સમાન વેતન માટે યોગ્યતા પણ હોવી જોઈએ
દિલ્હી હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, 'સમાન કામ, સમાન વેતન'નો સિદ્ધાંત ફક્ત હોદ્દા કે કામની સમાનતા પર આધાર રાખી શકે નહીં. કોર્ટે કહ્યું હતું કે જો બે કેડરો વચ્ચે શૈક્ષણીક યોગ્યતામાં અંતર હોય તો એમના વળતરમાં અંતર હોવું સ્વાભાવીક છે. દિલ્હી મેડીકલ ટેક્નીકલ એમ્પ્લોઇઝ એસોસીએશન દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એસોસીએશનના લેબ ટેક્નીશિયન જે એમસીડીની હોસ્પિટલોમાં કામ કરે છે એમણે કેન્દ્ર સરકારની લેબોરેટરીમાં કામ કરતા ટેક્નીશિયનો જેટલો પગાર માંગ્યો હતો. એમની દલીલ હતી કે એમનો હોદ્દો અને કામ સમાન છે તો પાંચમા વેતન આયોગ મુજબ એમને પગાર મળવો જોઈએ. જસ્ટીસ અનિલ ક્ષેત્રપાલ અને જસ્ટીસ અમીત મહાજનની ડિવિઝન બેન્ચે અરજી ફગાવી દીધી હતી.
ભારતીય નાગરીકે પન્નુના હત્યાના કાવતરાની વાત કબુલી
એક ભારતીય નાગરીકે ન્યુયોર્કમાં શીખ અલગતાવાદી નેતા અને ખાલીસ્તાનના સમર્થક ગુરપતવંત સિંહ પન્નુની હત્યા કરવાનું કાવતરૂ કર્યું હોવાનો સ્વિકાર કર્યો છે. અમેરિકાના અખબાર ન્યુયોર્ક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે ૫૪ વર્ષના નિખિલ ગુપ્તાએ મેનહટનની ફેડરલ કોર્ટમાં સોપારી લઈને હત્યા, હત્યાનું કાવતરૂ અને મની લોન્ડરીંગના કાવતરાનો આરોપ સ્વીકારી લીધો હતો. એમ મનાય છે કે આ કેસમાં ગુપ્તાને ૨૪ વર્ષની સજા થઈ શકે છે. ગુપ્તા સાથે સાંઠગાંઠ હોવાનો આરોપ ભારત સરકારે નકાર્યો છે. ગુરપતવંત સિંહ પન્નુ ન્યુયોર્ક ખાતેના શીખ્સ ફોર જસ્ટીસ સંસ્થાના વકીલ છે. આ ચુકાદા પછી કોર્ટમાં ખાલીસ્તાનવાદીઓએ સૂત્રો પોકાર્યા હતા. ગુપ્તા પર આરોપ હતો કે એમણે એક ભારતીય સરકારી અધિકારી સાથે મળીને પન્નુની હત્યાનું કાવતરૂ કર્યું હતું.
દિલ્હી હાઇવે પર આજે રાત સુધી ભારે વાહનો પર પ્રતિબંધ
દિલ્હીમાં મહાશિવરાત્રીની ઉજવણી ધામધૂમથી થાય છે. મહાશિવરાત્રીને દિવસે હાઇવે પર કાવડિયાઓની સંખ્યા વધી જાય છે. મહાશિવરાત્રીના આગલા દિવસથી જ ભક્તો ધાર્મિક સ્થળોએ જવા માટે નીકળી પડે છે. કાવડિયાઓ માટે રસ્તો ખુલ્લો રાખવામાં આવે છે. કાંઠ રોડ પર ભારે વાહનો માટે રસ્તો સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. હાઇવે પર રોડવેઝ અને ખાનગી બસોને બાદ કરતા તમામ ભારે વાહનો હેરફેર કરી શકશે નહીં. આવા વાહનોને બીજા રસ્તે દિલ્હી, મેરઠ, બુલંદ શહેર મોકલવામાં આવી રહ્યા છે. ડાયવર્ઝનનું પાલન કરવા માટે હાઇવે, કાંઠ રોડ, રામપુર રોડ, કાશીપુર રોડ, સંભલ રોડ પર મોટી સંખ્યામાં ટ્રાફીક પોલીસોને મુકી દેવામાં આવ્યા છે. આ વ્યવસ્થા આજે રાત સુધી અમલમાં રહેશે.









