Editorial

દિલ્હીની વાત : પંજાબમાં સમય પહેલા ચૂંટણી થઈ શકે છે

By GS TEAM
14 Jun 20265 mins read
દિલ્હીની વાત : પંજાબમાં સમય પહેલા ચૂંટણી થઈ શકે છે

નવીદિલ્હી : પશ્ચિમ બંગાળની જીત પછી ભાજપની નજર પંજાબ પર છે. ભાજપ અને સંઘના પ્લાનીંગમાં પશ્ચિમ બંગાળ અને આસામ ઉપરાંત પંજાબમાં સત્તા પ્રાપ્ત કરવી જરૂરી છે. થોડા દિવસો પહેલા પંજાબની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપનો દેખાવ ઠીક ઠીક રહ્યો હતો. પંજાબમાં આપના મુખ્યમંત્રી ભગવંત માનની ઇમેજ નીચે જઈ રહી છે. આપના પ્રમુખ અરવિંદ કેજરીવાલનું માનવું છે કે, પંજાબમાં ચૂંટણી સમય પહેલા જાહેર થઈ શકે છે. આમ આદમી પાર્ટી માટે પંજાબની સત્તા ટકાવી રાખવી જરૂરી છે, કારણ કે હવે એમની પાસે પંજાબ સિવાય કોઈ રાજ્યમાં સત્તા નથી. કેજરીવાલ દિલ્હીમાં અત્યારથી જ રોડ શો કરી રહ્યા છે અને કાર્યકરોને ઉત્સાહીત કરવાના પ્રયત્નો કરે છે. થોડા દિવસો પહેલા એમણે બઠીંડામાં રોડ શો કર્યો હતો અને જાહેર કરી દીધું હતું કે ચૂંટણીમાં મુખ્યમંત્રીનો ચહેરો ભગવંત માન જ હશે.

મીનાક્ષી નટરાજનના કેસમાં નવો ટ્વીસ્ટ

મધ્યપ્રદેશ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા મીનાક્ષી નટરાજનનું ઉમેદવારીપત્ર રદ થયું હતું. ઉમેદવારીપત્ર રદ થવાનું કારણ એ હતું કે, ભૂતકાળમાં મીનાક્ષી નટરાજન સામે થયેલા કેસની વિગતો એમણે જાહેર કરી નહોતી. આ મામલે સુપ્રિમ કોર્ટે પણ એમની અરજી ફગાવી હાઇકોર્ટમાં જવા કહ્યું હતું. હવે આ કિસ્સામાં નવો ટ્વીસ્ટ આવ્યો છે. જે કેસમાં એમનું નામ પ્રતિવાદી તરીકે હતું એ કેસની અરજી હૈદરાબાદની એક સ્થાનિક કોર્ટે પરત કરી છે અને સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો છે. સ્થાનીક કોર્ટે એ શ્રીલતા નામની મહિલાએ કરેલી અરજી બાબતે કહ્યું હતું કે, ધારાસભ્ય અને વિધાનપરિષદના નેતા જેવા જન પ્રતિનિધિઓને પણ પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. આવા કિસ્સાઓની સુનાવણી વિશેષ કોર્ટોમાં થાય છે એટલે અરજી કરનારે એ કોર્ટમાં જવું જોઈએ.

'ફલોર ટેસ્ટનો હુકમ કરો'

બંગાળના રાજકારણમાં આજકાલ ભારે ગરમી છે. વિધાનસભા ગૃહની બહાર તૃણમુલના બળવાખોર ધારાસભ્યોના નેતા ઋતબ્રત બેનર્જીએ પોતાના પક્ષના નેતાઓની ટીકા કરીને એમને 'ફાસીવાદી માનસિકતા' અને 'ગુંગળાવનારા વાતાવણ' જેવા ગણાવ્યા હતા. ઋતબ્રતના કહેવા પ્રમાણે હમણાનો બળવો કોઈ રાજકીય મહત્ત્વકાંક્ષાને કારણે નહીં, પરંતુ ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટે છે. ઋતબ્રતનો દાવો છે કે એમના જૂથ પાસે ૬૪ ધારાસભ્યો છે. એમણે વિધાનસભાના અધ્યક્ષને ખુલ્લી ચેલેન્જ કરતા કહ્યું હતું કે જો એમને શંકા હોય તો ફલોર ટેસ્ટ કરવાનો હુકમ કરે, એમનું જૂથ કોઈપણ પરીક્ષણ માટે તૈયાર છે. એમના કહેવા પ્રમાણે આવનારા દિવસોમાં બળવાખોર ધારાસભ્યોની સંખ્યા વધી શકે એમ છે. એમનું કહેવું છે કે, એમણે સંસદમાં ૨૭૫ ચર્ચાઓમાં ભાગ લીધો હતો અને ૮૨૩ પ્રશ્નો પૂછયા હતા. જોકે સંસદના છેલ્લા સત્રમાં એમણે કોઈ પ્રશ્ન કર્યો નહોતો.

યુએઇ અને કતાર સાથે ઇરાનની ગુપ્ત સમજૂતીનો અહેવાલ

અમેરિકાના પ્રતિબંધને કારણે ફ્રીઝ કરવામાં આવેલા અબજો ડોલર રીલીઝ કરવા માટે યુએઇ અને કતાર સાથે ઇરાને ગુપ્ત સમજૂતી કરી હોવાના અહેવાલો યુએઇએ ફગાવી દીધા છે. એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે યુએઇ ઇરાનના ફ્રીઝ થયેલા અબજો ડોલર રીલીઝ કરવા સહમત થયું છે. ત્રણ અબજ ડોલર તો રીલીઝ કરી દેવામાં પણ આવ્યા છે. આ અહેવાલ એવા સમયે પ્રકાશીત થયો છે કે જ્યારે ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ પુરુ કરવા વાતચીત થઈ રહી છે. એક અમેરિકન અખબારમાં એવા સમાચાર છપાયા છે કે કતારએ ઇરાનના હુમલા રોકવા માટે તહેરાન સાથે સિક્રેટ ડીલ કરી છે. જોકે કતારએ આ અહેવાલને પણ ખોટો ગણાવ્યો છે.

ટીએમસીમાં કોણ રહેશે, કોણ જશે

પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસની પરિસ્થિતિ દિવસે દિવસે બગડી રહી છે. એમ મનાય છે કે આવનાર બે દિવસોમાં પરિસ્થિતિ સાફ થઈ જશે. બળવાખોર સાંસદો લોકસભાના અધ્યક્ષ ઓમ બીરલાને મળીને એમના જૂથ માટે અલગ સંસદીય બ્લોક બનાવવા અથવા તો બળવાખોરોને વાસ્તવિક તૃણમુલ કોેંગ્રેસ તરીકે માન્યતા આપવા દાવો કરી શકે છે. બળવાખોર સાંસદોની સંખ્યા ૨૦ જેટલી હોવાનું કહેવાય છે. કૂચ બિહારના સાંસદ જગદીશચંદ્ર બર્મા બસુમીયાએ પણ હિન્ટ આપી છે કે સોમવારે લોકસભા અધ્યક્ષ સમક્ષ બળવાખોર સાંસદો દાવો રજુ કરશે. તૃણમુલ કોંગ્રેસના ૨૮ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત આટલું મોટું સંકટ ઉભુ થયું છે. હમણા જ રાજ્યસભાના કેટલાક સાંસદો પક્ષ છોડી ચૂક્યા છે. બની રહેલા બનાવો પાછળ ભાજપનો દોરી સંચાર હોવાનું પણ કહેવાય છે.

બ્યુટી ક્વીન હર્ષા સની ગુનેગાર કે વિક્ટીમ

મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ કેરળની ભૂતપૂર્વ બ્યુટી ક્વીન અને બેન્ક કર્મચારી હર્ષા સનીને ૧૧.૮ કરોડ રૂપિયાના હાઇડ્રોપોનીક ગાંજા સાથે પકડયા હતા. યાદ રહે કે થોડા મહિના પહેલા બેંગ્લોર એરપોર્ટથી કન્નડ ફિલ્મની એક યુવાન અભિનેત્રી પણ ગાંજાની હેરફેર કરતા પકડાઈ ગઈ હતી. આઇપીએસ અધિકારીની પુત્રી આ અભિનેત્રી હમણા તો જેલમાં છે. બેંગકોકથી આજકાલ ભારતમાં હવાઈ રસ્તે ગાંજાની મોટા પાયે દાણચોરી થઈ રહી છે. હર્ષા સની પણ બેંગકોકથી ગાંજો લઈ આવી હોવાનું કહેવાય છે. હર્ષા સોનીએ જોકે બચાવમાં એવું કહ્યું છે કે બેંગકોકમાં કોઈક એક વ્યક્તિ સાથે એને મિત્રતા થઈ ગઈ હતી અને એ વ્યક્તિએ એને કહ્યું હતું કે એની બેગમાં કપડાનું વજન વધુ હોવાથી એની સાથે એ એની બેગ લઈ જાય. એને ખબર નહોતી કે બેગમાં ગાંજો છે. અધિકારીઓ હવે તપાસ કરી રહ્યા છે કે હર્ષાની વાતમાં કેટલો દમ છે.

'370 રૂપિયાની બિરીયાની'ની વાત પુરુષોના શબ સુધી કઈ રીતે પહોંચી

એક સ્ટેન્ડઅપ કોમેડી શોમા કહેવામાં આવેલી '૩૭૦ રૂપિયાની બિરીયાની' ટીપ્પણીને કારણે દેશભરના સોશ્યલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે. શરૂઆત એક વાયરલ ક્લીપથી થઈ હતી, પરંતુ કિસ્સો ઝડપથી મહિલાઓ પ્રત્યેની વર્તણુક, સહમતી, કોમેડી શોની મર્યાદા, કન્ટેન્ટ ક્રિયેટર્સની જવાબદારી અને સોશ્યલ મીડિયાની જવાબદારી સુધી પહોંચી ગયો હતો. હવે વિવાદમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ઝંપલાવ્યું છે. આ કોમેડી શોમાં એક મહિલા ડોક્ટરએ અભ્યાસ માટે એમની સમક્ષ આવતા પુરુષોના શબના પ્રાઇવેટ પાર્ટ વિશે ભદ્દી ટીપ્પણી કરી હતી. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કેટલીક વ્યક્તિઓ પોતાનું અંગદાન કરે છે. અંગદાન કરનાર વ્યક્તિના શબની ઠેકડી ઉડાવવાનું આ મહિલા ડોક્ટરને ભારે પડી ગયું હતું. મુંબઈની કેઇએમ હોસ્પિટલમાં અભ્યાસ કરનાર આ ડોક્ટર સામે હવે પગલા લેવાની માંગણી થઈ રહી છે.