કોંગ્રેસના તીખા સવાલોથી સરકાર સ્તબ્ધ

નવીદિલ્હી : કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન તાંક્યું છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચીવ કૈરોલીન લીવીટના નિવેદન પછી ભારત સરકારના મૌન બાબતે કોંગ્રેસે સવાલો કર્યા હતા. અમેરિકાએ ભારતને કામચલાઉ રશિયન ઓઇલ ખરીદવાની અનુમતી આપી હતી. લીવીટએ એમ પણ કહ્યું હતું કે, આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો હતો કે ભારત અમેરિકાનું મિત્ર છે. કોંગ્રેસે આ શબ્દોને મધ્યમાં રાખીને કેન્દ્ર સરકારને ભીસમાં લીધી છે. કોંગ્રેસના કહેવા પ્રમાણે આ વાત આપણી ગરીમા અને સાર્વભૌમત્વનું અપમાન છે. કોંગ્રેસે સોશ્યલ મીડિયામાં મુકેલી એક પોસ્ટમાં કહ્યું છે કે, 'તમે વ્હાઇટહાઉસના પ્રેસ સચીવનું નિવેદન ફરીથી વાંચો. એમણે કહ્યું છે કે અમેરિકાએ 'ભારતને ઓઇલ ખરીદવાની પરવાનગી આપી છે.' ભારત આ અપમાન સામે ચૂપ શા માટે છે? ભારતના આત્મસન્માનની રક્ષા કરવાને બદલે વડાપ્રધાન મૌન રહે છે.'
રવિશંકર પ્રસાદએ રાહુલ ગાંધી સાથે તૂતૂ-મેંમેં કેમ કરી
ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદ આજકાલ સમાચારમાં નથી. સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે જ લોકોને ખબર પડે છે કે રવિશંકર પ્રસાદ હજી સુધી ભાજપમાં છે. પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે રવિશંકર પ્રસાદે વધુ અવાજ કરવો પડે છે. લોકસભાના સ્પિકર ઓમ બીરલાને હટાવવાના પ્રસ્તાવની ચર્ચા દરમિયાન આ જોવા મળ્યું હતું. રવિશંકર પ્રસાદે વિરોધપક્ષ પર હુમલો કરતા કહ્યું હતું કે, સ્પિકરને હટાવવાનો પ્રસ્તાવ એક નેતાના અહમને સંતોષવા માટે કરવામાં આવ્યો હતો. એમણે કહ્યું હતું કે, મને દુઃખ થાય છે કે ગૃહે આજે આ વિષય પર ચર્ચા કરવી પડી રહી છે. વિરોધપક્ષના નેતાએ રાષ્ટ્રીય સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર વિચારીને બોલવું જોઈએ. ત્યાર પછી ગૃહમાં હોહા થઈ ગઈ હતી. આરોપનો જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એમને ગૃહમાં બોલતા અટકાવવામાં આવે છે. લોકસભા કોઈ એક પક્ષની નથી, પરંતુ આખા દેશનું પ્રતિનિધિત્વ કરે છે.
ઇરાન કેમ ઇચ્છે છે કે યુદ્ધ લાંબુ ચાલે
કેટલાક નિષ્ણાંતો માની રહ્યા છે કે લાંબા યુદ્ધ માટે ઇરાન તૈયાર છે. ઇરાનની રણનીતિ 'એટ્રીશ્યન' (ધીરેધીરે થકવી નાખવાની રણનીતિ) પર આધારીત છે. ઇરાનના મિસાઇલો તોડી પાડવા માટે અમેરિકા જે ટેક્નીકનો ઉપયોગ કરે છે એ ખૂબ મોંઘી હોય છે. એટલે કે મોંઘા હથિયારો વડે ઇરાનના સસ્તા ડ્રોન તોડી પાડવામાં આવે છે. યુદ્ધ લાંબુ ચાલે તો એની આર્થિક અસર ઇરાનમાં તેમજ દુનિયામાં મોટાપાયે થવાની છે. દુનિયાભરના ઓઇલનો ૨૦ ટકા હિસ્સો હોર્મુઝ સ્ટેટ મારફતે પસાર થાય છે. આ રસ્તો હમણા બંધ છે. ઇરાન પણ આર્થિક દબાણમાં છે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે એની અર્થવ્યવસ્થા નબળી પડી ચૂકી છે. જોકે ખાડી વિસ્તારના ઘણા દેશો માને છે કે યુદ્ધ લાંબુ ચાલશે તો એમને મોટું આર્થિક નુકશાન થવાની શક્યતા છે. જો યુદ્ધ લાંબુ ચાલે તો આ દેશો અમેરિકા અને ઇઝરાયલ પર સીઝ ફાયર માટે દબાણ કરશે. ઇરાનમાં આંતરીક અસંતોષ છે જ એટલે ઇરાને ખાસ ગુમાવવા જેવું નથી.
તેલગાણાના સ્પિકરે બે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજી રદ કરી
તેલગાણા વિધાનસભાના અધ્યક્ષ ગદ્દામ પ્રસાદ રાવએ બીઆરએસના ધારાસભ્ય દાનમ નાગેન્દ્ર અને કાદીયમ શ્રીહરી વિરુદ્ધની અરજીઓ રદ કરી છે. ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) અને ભાજપ દ્વારા કરવામાં આવેલી અરજીમાં આરોપ મૂકવામાં આવ્યા હતા કે, બંને ધારાસભ્યએ પક્ષ વિરોધી કાયદાનો ભંગ કર્યો છે. વિધાનસભા અધ્યક્ષનું કહેવું છે કે બંને ધારાસભ્યોએ પક્ષ બદલ્યો છે એના કોઈ પુરાવા નથી. સુનાવણી વખતે જે પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા એને આધારે અરજીઓ રદ કરવામાં આવી છે. આ નિર્ણય સુપ્રિમ કોર્ટમાં થનારી સુનાવણીના એક દિવસ પહેલા લેવામાં આવ્યો હતો. આ પહેલા અધ્યક્ષએ આજ પ્રકારના કિસ્સાઓમાં આઠ બીજા ધારાસભ્યોને પણ ક્લીનચીટ આપી હતી. બીઆરએસના કાર્યકારી પ્રમુખ કે ટી રામારાવે આ નિર્ણયની ટીકા કરી છે. એમના કહેવા પ્રમાણે આ બંને ધારાસભ્યોને ક્લીનચીટ આપવી એ લોકશાહીનું અપમાન છે.
બાંગ્લાદેશે જાસુસી વડાને ભારતની ખાનગી યાત્રાએ શા માટે મોકલ્યા
બાંગ્લાદેશમાં નવી સરકાર સત્તામાં આવ્યા પછી વડાપ્રધાન તારીક રહેમાન ભારત સાથે સંબંધ સુધારવા માંગતા હોય એમ લાગે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે એક માર્ચથી ત્રણ માર્ચ સુધી બાંગ્લાદેશની જાસુસી સંસ્થા ડીજીએફઆઇના પ્રમુખ મેજર જનરલ કૈસર રાસીદ ચૌધરી દિલ્હીના પ્રવાસે આવ્યા હતા. તારીક રહેમાન સત્તા પર આવ્યા પછી બાંગ્લાદેશના ઉચ્ચ અધિકારીનો આ પહેલો ભારત પ્રવાસ હતો. એક રીપોર્ટ પ્રમાણે ડીજીએફઆઇના પ્રમુખે પોતાના પ્રવાસ દરમિયાન રોના વડા પરાગ જૈન અને સેન્ય જાસુસી સંસ્થાના મહાનિર્દેશક લેફટેનન્ટ જનરલ આર એસ રમણ સાથે પણ અગત્યની મીટીંગો કરી હતી. ત્રીજી માર્ચે ડીનર પર મળેલા બંને દેશોની જાસૂસી એજન્સીના વડાઓએ બંને દેશની સુરક્ષા માટે શું કરવું જોઈએ એ બાબતે ચર્ચા કરી હતી.
'દિલનું તૂટવુ ગુનો નથી'
બળાત્કારના એક કેસની સુનાવણી વખતે કર્ણાટક હાઇકોર્ટે અગત્યની ટીપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે કાયદો દિલ તૂટવાને ગુનો નથી માનતો. કોર્ટે સાફ કહ્યું હતું કે બે પુખ્ત વયની વ્યક્તિઓ પોતાની મરજીથી લાંબો સમય સંબંધમાં રહે અને પછી પુરુષ લગ્નનો ઇન્કાર કરે તો ફક્ત એજ કારણે બનાવવામાં આવેલા સંબંધને બળાત્કાર કહી શકાય નહીં. આ ચૂકાદો જસ્ટીસ એમ નાગપ્રસન્નાની બેન્ચે આપ્યો હતો. આ કેસ એક મહિલાની ફરિયાદ સંદર્ભનો હતો. મહિલાએ એક પુરુષ પર બળાત્કારનો આરોપ મૂક્યો હતો. બંનેની મુલાકાત આયર્લેન્ડમાં થઈ હતી અને બે વર્ષ સુધી બંને વચ્ચે સંબંધ રહ્યો હતો. આ સમય દરમિયાન બંને લીવ ઇન રીલેશનશીપમાં પણ રહ્યા હતા. મહિલા પહેલા પરણીત હતી. એને સાત વર્ષનું એક બાળક પણ છે. આરોપી જ્યારે ભારત આવ્યો પછી એણે મહિલા સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું અને લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યાર પછી મહિલાએ એની સામે બળાત્કારની ફરિયાદ દાખલ કરી હતી.
ગેસ સંકટ મામલે કેજરીવાલ પીએમ પર ભડક્યા
પશ્ચિમ એશિયામાં ચાલુ રહેલા યુદ્ધને કારણે ગેસની આયાત અટકી ગઈ છે અને દેશ આખામાં એલપીજી ગેસની અછત દેખાઈ રહી છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલીન્ડરની તકલીફ દેખાઈ રહી છે. ગેસ એજન્સીઓની સાથે સાથે દિલ્હીની હોટલો અને રેસ્ટોરાંના માલિકોની ચિંતા પણ વધી ગઈ છે. સપ્લાયમાં અનિયમિતતા અને સિલીન્ડર પ્રાપ્તિમાં તકલીફને કારણે લોકો હેરાન છે. આ મામલે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલએ સરકારને જવાબદાર ઠેરવી છે. એમણે કેન્દ્ર સરકાર પર દેશના હિતો વેચી દેવાનો આક્ષેપ કર્યો છે. સામે ભાજપે કેજરીવાલ પર સંકટ સમયએ અવસરવાદી રાજકારણ કરવાનો આક્ષેપ મૂક્યો છે. કેજરીવાલે કહ્યું હતું કે, 'આખા દેશમાં એલપીજી સિલીન્ડરની ભારે અછત છે. દેશમાં એલપીજીનું ઉત્પાદન લગભગ ૫૦ ટકા ઘટી ગયું છે. લાખો લોકો બેકાર થઈ રહ્યા છે.'









