Editorial

દિલ્હીની વાત : આપણી વિદેશ નીતિ, મમદાનીની ગુસ્તાખી પછી લાંબા સમયે નિવેદન આપ્યું

By GS TEAM
11 Jan 20265 mins read
દિલ્હીની વાત : આપણી વિદેશ નીતિ, મમદાનીની ગુસ્તાખી પછી લાંબા સમયે નિવેદન આપ્યું

નવીદિલ્હી : ભારતની વિદેશ નીતિ સંદર્ભે રાજકીય નીરિક્ષકો ટીકા કરી રહ્યા છે. આ નીરિક્ષકોને સાચા પાડતા બનાવો વારંવાર બનતા રહે છે. ન્યુયોર્ક શહેરના મેયર જોહરાન મમદાનીએ થોડા દિવસો પહેલા જેલમાં બંધ આરોપી ઉમર ખાલીદને પત્ર લખીને એના પ્રત્યે સહાનુભૂતી વ્યક્ત કરી હતી. ખરેખર તો એ જ વખતે ભારતે મમદાનીને ભારતની ન્યાયપાલીકામાં દખલ નહીં કરવા કહેવાની જરૂર હતી. દિવસો સુધી ચૂપ રહ્યા પછી કે એકાએક બત્તી થવાથી હવે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પ્રતીક્રિયા આપી છે. એમણે કહ્યું છે કે, અન્ય લોકશાહી દેશોની ન્યાયપાલિકાને માન આપવું જોઈએ અને એમને જે જવાબદારી સોંપાય છે એના પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. ઉચ્ચ પદ પર બેઠેલી વ્યક્તિઓ પૂર્વગ્રહોથી પીડિત હોય એ શોભાસ્પદ નથી. પ્રવક્તાએ નામ લીધા વગર મમદાની પર નિશાન તાક્યું હતું. પરંતુ નવાઈની વાત એ છે કે, મમદાનીની સીધી ટીકા કરતા વિદેશ મંત્રાલય શા માટે ડરી રહ્યું છે.

અભિનેત્રીએ ભાજપના કાર્યકરોને 'અભણ લોકોની ગેંગ' કેમ કહ્યા

સલમાન ખાનની હિરોઇન ડેઝી શાહના ઘર નજીકના બિલ્ડીંગમાં આગ લાગી હતી. આ ઘટના સંદર્ભે ડેઝી શાહે એક વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. એમનું કહેવું છે કે, મુંબઈમાં આવનારી ચૂંટણીને કારણે એમના ઘર નજીક ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ભાજપના કાર્યકરોએ અહીં ફટાકડા ફોડયા. આ બધા પ્રચાર કરવા માટે નિકળેલા કાર્યકરો મુર્ખ છે. મારા ઘરની આસપાસ ખોટુ થઈ રહ્યું છે. લોકોની સેન્સ કયાં છે? મારા ઘરની બહાર રોકેટ સળગાવવામાં આવ્યા હતા. બાંદ્રા ઇસ્ટમાં ચૂંટણીને કારણે પ્રચાર કરવા આ ટોળુ આવ્યું હતું. ભાજપે 'અભણ લોકોની ગેંગ' તૈયાર કરી છે. અભિનેત્રીનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કેટલાક અભિનેત્રીની હિમતને દાદ આપે છે કે એમણે રાજકીય પક્ષના તોફાની કાર્યકરોને જાહેરમાં અભણ કહ્યા.

કોલકત્તા મામલે ફર્મનું નિવેદન, ખોટા ટ્રેન્ડની શરૂઆત

કોલકત્તાની પોલીટીકલ કન્સલ્ટન્સી ફર્મ આઇ પેક પર ઇડીની રેઇડ પછી મોટો વિવાદ થયો છે. મમતા બેનર્જી અને કેન્દ્ર સરકાર સામસામે થઈ ગયા છે. દરોડા પછી પહેલી વખત આઇ પેકએ નિવેદન આપ્યું છે અને આ દરોડાને 'ચિંતાજનક ટ્રેન્ડ' બતાવ્યો છે. ફર્મના કહેવા પ્રમાણે ઇડીને તપાસમાં એ પુરો સહકાર આપશે અને ડગ્યા વિના પોતાનું કામ ચાલુ રાખશે. ફર્મએ ચોખ્ખુ કહ્યું છે કે એના કોઈ સંચાલકો ચૂંટણી લડવાના નથી અને એમનું એ કામ પણ નથી. તેઓ વિવિધ રાજકીય પક્ષોના સલાહકાર તરીકે કામ કરે છે અને હંમેશા પ્રમાણીક રીતે એમનું કામ કર્યું છે. પશ્ચિમ બંગાળમાં નજીકના ભવિષ્યમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ભૂતકાળમાં ફર્મએ અલગ અલગ વિચારધારા ધરાવતા વિવિધ રાજકીય પક્ષોના સલાહકાર તરીકે કામગીરી કરી છે. ફર્મએ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ટીએમસી, જેડીયુ અને શિવસેના માટે પણ કામ કર્યું છે.

બાંગ્લાદેશે ભારતમાં શા માટે વિઝા સર્વિસ રદ કરી

બાંગ્લાદેશ સરકાર સાથે ભારતના સંબંધો બગડયા છે. બાંગ્લાદેશમાં થઈ રહેલી હિન્દુઓની હત્યા બાબતે ભારતે ચિંતા વ્યક્ત કર્યા પછી બાંગ્લાદેશે પણ વળતો ઘા કર્યો છે. બાંગ્લાદેશે દિલ્હી સહિત ભારતના મુખ્ય મિશનોની વિઝા સેવા બંધ કરી દીધી છે. આ માટેનું કારણ એવું આપવામાં આવ્યું છે કે, સલામતીની ચિંતાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકીય નીરિક્ષકો એમ માની રહ્યા છે કે બાંગ્લાદેશના આ નિર્ણયને કારણે તણાવમાં વધારો થયો છે. મોહમદ યુનુસ સરકારના વિદેશ બાબતોના સલાહકાર એમ તોહિદ હુસેનએ કહ્યું છે કે બાંગ્લાદેશે અમેરિકા દ્વારા લાગુ કરેલી વિઝા બોન્ડની જરૂરિયાત રદ કરવાની માંગણી કરી છે. બાંગ્લાદેશના આ નિર્ણયને કારણે બાંગ્લાદેશ સાથે વેપાર કરતા ભારતના વેપારીઓ ચિંતીત થઈ ગયા છે. એવી ચર્ચા થાય છે કે બાંગ્લાદેશ જેવો ટચૂકડો દેશ પણ ભારતનું નાક દબાવી શકે છે.

ટ્રમ્પના આડેધડ નિર્ણયોની આડઅસર નાગરિકોના પ્રવાસ પર !

અમેરિકાએ પોતાના નાગરીકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તમામ હદ વટાવીને વિવિધ દેશોને નારાજ કરી રહ્યા છે એને કારણે ઘણા દેશોમાં પ્રવાસ કરતા અમેરિકન નાગરીકોને મુશ્કેલી થઈ શકે એમ છે. અમેરિકાના સત્તાધિશોને ખ્યાલ આવી જતા એમણે ૨૧ દેશોની યાત્રા નહીં કરવા માટે સલાહ આપી છે. આ યાદીમાં જોકે ભારત - પાકિસ્તાનનું નામ નથી. સોશ્યલ મીડિયા પર અધિકારીઓએ મૂકેલી પોસ્ટમાં આ દેશોની યાદી જાહેર કરવામાં આવી છે. અમેરિકાના નાગરીકો આ ૨૧ દેશોમાં પ્રવાસ નહીં કરી શકે. અફઘાનીસ્તાન, બેલારૂસ, બુર્કીના ફાસો, બર્મા, સેન્ટ્રલ આફ્રીકન રીપબ્લિક, હૈતી, ઇરાન, ઇરાક, લેબેનોન, લિબયા, માલી, નાઇઝર, ઉત્તર કોરિયા, રશિયા, સોમાલિયા, દક્ષિણ સુદાન, સુદાન, સિરિયા, યુક્રેન, વેનેઝુએલા, યમન.

સ્લિપર બસોમાં પ્રવાસ કરનારાઓના રક્ષણ માટે મોટો નિર્ણય

છેલ્લા કેટલાક મહિનાઓમાં દેશના વિવિધ સ્થળોએ સ્લિપર બસોને અકસ્માત થતા આગ લાગવાથી ઘણા યાત્રીઓના મૃત્યુ થયા છે. હવે ટ્રાન્સપોર્ટ કમિશને સ્લિપર બસોમાં મુસાફરી કરનાર યાત્રીઓની સુરક્ષા માટે કડક નિયમો બનાવ્યા છે. આરટીઓને સૂચના આપવામાં આવી છે કે, સ્લિપર બસોના ડ્રાઇવરની કેબિનનું પાર્ટીશન ડોર દુર કરવામાં આવે. આ ઉપરાંત સ્લિપર બર્થ પર લગાડવામાં આવેલા સ્લાઇડરને પણ હટાવવામાં આવે. તમામ સ્લિપર બસોમાં ફાયર સેફટી ઉપકરણો રાખવાની સૂચના પણ આપવામાં આવી છે. આ સૂચનાઓનું પાલન જે બસો નહીં કરે એમને જપ્ત કરવામાં આવશે. સ્લિપર બસોના અકસ્માતમાં પ્રવાસીઓના મૃત્યુ થયા પછી રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ચિંતા વ્યક્ત કરી હતી. સ્લિપર બસોના રજીસ્ટ્રેશન વખતે દરવાજાની જગ્યા, ડાયમેન્સન, ઇમર્જન્સી ડોર, રૂફ હેચનો લેઆઉટ પણ આપવો પડશે.

બાંગ્લાદેશી ક્રિકેટર પર નિવેદનને કારણે ત્યાગીથી પક્ષ નારાજ

જનતાદળ યુનાઇટેડના સિનિયર નેતા કેસી ત્યાગીના નિવેદનને કારણે પક્ષ નારાજ થઈ ગયો છે. કેસી ત્યાગીએ આઇપીએલ બાબતે નિવેદન આપ્યું હતું. જેડીયુના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પક્ષનું નેતૃત્વ એમના નિવેદનોથી નારાજ છે. આવનાર દિવસોમાં એમની સામે કડક કાર્યવાહ૬ી પણ થઈ શકે છે. બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફીદુર રહેમાનને રિલિઝ કરવામાં આવ્યો હતો. બીસીસીઆઇએ આપેલી સૂચનાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બાબતે કેસી ત્યાગીની લાઇન અલગ હતી. એમણે કહ્યું હતું કે રમતગમત અને રાજકારણની ભેળસેળ થવી જોઈએ નહીં. બાંગ્લાદેશના હિન્દુઓ પર થતા અત્યાચાર બાબતે તેઓ પણ દુઃખી છે, પરંતુ એમનું કહેવું હતું કે મુસ્તફીદુરને આઇપીએલમાં રમાડવો જોઈતો હતો. બાંગ્લાદેશે પોતાની ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે લીટ્ટન દાસની નિમણૂક કરી છે ત્યારે ભારતે પણ ફરીથી વિચારવું જોઈએ.