Editorial

દિલ્હીની વાત : સંસદભવનમાં વાહનોની ઝડપ પર બ્રેક લાગશે

By GS TEAM
8 Mar 20265 mins read
દિલ્હીની વાત : સંસદભવનમાં વાહનોની ઝડપ પર બ્રેક લાગશે

નવીદિલ્હી : અટલ બિહારી વાજપેયીની સરકાર વખતે દિલ્હીમાં સંસદભવન પર આતંકવાદી હુમલો થયો હતો ત્યારથી સંસદભવનની સુરક્ષા વધારવામાં આવી છે. જોકે કેટલાક સાંસદોની મોટરો બેફામ ઝડપે સંસદભવનના કમ્પાઉન્ડમાં ઘૂસે છે. એમને ટોકનાર સુરક્ષા કર્મચારીઓ સાથે કેટલાક સાંસદો ઝઘડો પણ કરે છે. ગાડીઓની ઝડપ વધુ હોવાથી સુરક્ષાનું પાલન યોગ્ય રીતે થતું નથી. હવે જ્યારે બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે ત્યારે સંસદની સુરક્ષા માટે જવાબદારોએ સંસદમાં મોટર લઈને પ્રવેશતા ડ્રાયવરો માટે કેટલાક સૂચનો જાહેર કર્યા છે. નવા નિયમો પ્રમાણે સંસદના કેમ્પસમાં પ્રવેશ કરતા વાહનોની સ્પીડ લીમીટ ૧૦ કીલોમીટરથી વધુ હોવી જોઈએ નહીં. જો ડ્રાયવરો આ નિયમનો ભંગ કરશે તો પ્રવેશદ્વારો પર લગાડવામાં આવેલા અત્યાધુનિક ઉપકરણો જેવા કે ટાયર કીલર અને રોડ બ્લોકર આપોઆપ સક્રીય થઈ જશે. આ પરિસ્થિતિમાં વાહનોને અચાનક ધીમુ પાડવું શક્ય નહીં બને એટલે ગાડીને તેમજ ગાડીમાં બેઠેલી વ્યક્તિઓને પણ ઇજા થઈ શકે એમ છે.

લિકર કેસમાં નિર્દોષ છૂટેલા કેજરીવાલ 'ફાંસીઘર'માં ફસાયા

અરવિંદ કેજરીવાલ અને એમના સાથીઓ લિકર કૌભાંડમાં નિર્દોષ છૂટયા છે, પરંતુ ફાંસીઘર વિવાદમાં ફસાયા છે. અરવિંદ કેજરીવાલએ ફાંસીઘર વિવાદમાં દિલ્હી વિધાનસભાની કમીટી સામે હાજર થવાના કિસ્સામાં સાર્વજનિક સુનાવણીની માંગણી કરી હતી. આ બાબતે ભાજપનું કહેવું હતું કે વિધાનસભાની વિશેષ કમીટીની કાર્યવાહી સાર્વજનિક થઈ શકે નહીં. ભાજપે કેજરીવાલની માંગણીને બિનવ્યવહારૂ અને 'અરાજક' રાજકારણ ગણાવ્યું હતું. કેજરીવાલ જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે દાવો કર્યો હતો કે, જૂના સચીવાલયના એક ભાગનો ઉપયોગ અંગ્રેજોના શાસન વખતે ફાંસીઘર તરીકે થતો હતો. જ્યારે દિલ્હીમાં આપની સરકાર હતી ત્યારે ઘણા કાર્યક્રમોનું આયોજન પણ થયું હતું. એ વખતે ભાજપએ એને રાજકીય નાટક ગણાવ્યું હતું. સત્તામાં આવ્યા પછી ભાજપએ વિવિધ તપાસ કરીને એવો દાવો કર્યો છે કે ભૂતપૂર્વ સરકારની વાત ખોટી હતી. આ બાબતે દિલ્હી વિધાનસભાની ખાસ કમીટી સમક્ષ એમને હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું.

કેટલાક રાજ્યોમાં બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ કેમ

બાળકો અને કિશોરોમાં સોશ્યલ મીડિયાની વધતી આદતને કારણે ઇંગ્લેન્ડ જેવા દેશોમાં આવી ટેવને સીગરેટ જેટલી જ ખતરનાક માનવામાં આવે છે. ડીજીટલ સુરક્ષા માટે ઓસ્ટ્રેેલિયા અને યુરોપના કડક વલણ પછી હવે ભારતમાં પણ સગીરો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની માગણી થઈ રહી છે. દેશમાં કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોએ સગીરોના સોશ્યલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. જાયન્ટ ટેક કંપનીઓ આવા પ્રતિબંધો રોકવા માટે અબજો રૂપિયાનો ખર્ચ કરે છે. ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર કર્ણાટક દેશનું પહેલું રાજ્ય બન્યું છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ ૧૩ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે. આ બાબતે કેન્દ્ર સરકાર પણ માને તો છે કે બાળકોની ડીજીટલ સુરક્ષા સરકારની જવાબદારી છે, પરંતુ હજી સુધી આ બાબતે કોઈ કાયદો લાવવામાં આવ્યો નથી.

ન્યૂઝ ચેનલોના ટીઆરપી રીપોર્ટ પર પ્રતિબંધનું સાચુ કારણ

સૂચના અને પ્રસારણ મંત્રાલયે બોડકાસ્ટ ઓડિયન્સ રીસર્ચ કાઉન્સીલ (બાર્ક)ને ન્યૂઝ ચેનલોના ટેલીવીઝન રેટીંગ પોઇન્ટ્સ (ટીઆરપી) જાહેર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ ચાર અઠવાડિયા કે પછી બીજા હુકમ સુધી ચાલુ રહેશે. મંત્રાલયે એવું કારણ આપ્યું છે કે ઇઝરાયલ - ઇરાન વચ્ચેના યુદ્ધના સમાચાર કેટલીક ચેનલો ખોટી રીતે રજુ કરે છે. સનસનાટીભર્યા સમાચારોને કારણે તેમજ ખોટી માહિતીવાળા સમાચારો બતાવવાને કારણે લોકોમાં ચિંતા વ્યાપી જાય છે. આવા સમાચારો સામાન્ય માણસમાં ભયની સ્થિતિ પેદા કરે છે. ખાસ કરીને જેમના કુટુંબીઓ કે મિત્રો ખાડીના દેશોમાં રહે છે તેઓ વ્યથિત થઈ જાય છે. સરકારનું કહેવું છે કે જાહેરહીતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે મીડિયાના કેટલાક વર્તુળોના કહેવા પ્રમાણે સરકાર તરફી કેટલીક ચેનલોનો ટીઆરપી ઘટી રહ્યો હોવાથી એ વાત જાહેર નહીં થઈ જાય એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

યુદ્ધ બાબતે કોંગ્રેસનો સરકાર પર હુમલો, સ્પેનના પીએમના વખાણ

સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝએ ઇરાન પર અમેરિકા અને ઇઝરાયલે કરેલા હુમલાને મોટી ભૂલ ગણાવી છે. આ બાબતે કોંગ્રેસે સ્પેનના વડાપ્રધાનના વખાણ કર્યા છે. પેડ્રોના વખાણ કરવાની સાથે કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૌનની તીખી ટીકા કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે વડાપ્રધાનનું મૌન ડર અને કાયરતા બતાવે છે. જે રીતે સ્પેનના વડાપ્રધાને અમેરિકા અને ઇઝરાયલની ટીકા કરીને કહ્યું છે કે આ એક આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધનું પગલું છે. સાંચેઝનું કહેવું છે કે, બીજો દેશ જ્યારે સાચો હોય ત્યારે અન્ય દેશોએ એને સાથ આપવો જોઈએ અને જો કોઈ દેશ ભૂલ કરે તો એનો કાન પકડવો પણ જરૂરી છે. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, નાટોના સભ્ય દેશ સ્પેનના વડાપ્રધાનનું સ્ટેન્ડ સાચું છે. એમનું નિવેદન હિંમતવાળુ છે. જ્યારે આપણા વડાપ્રધાનનું મૌન ઘણી બધી વાત કહી જાય છે.

દિલ્હીના નવા એલજી કોણ છે

દિલ્હીના નવા લેફ્ટેનન્ટ ગર્વનર (એલજી) તરણજીત સિંહ સંધુએ ૩૦ વર્ષ સુધી ઇન્ડિયન ફોરેન સવસમાં કામ કર્યું છે. કેન્દ્ર સરકારે ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગર્વનર તેમજ લેફ્ટેનન્ટ ગવર્નરની બદલી કરી છે. તરણજીત સિંહ સંધુએ દિલ્હીના એલજી વી કે સકસેનાની જગ્યા લીધી છે જેમને લદ્દાખના એલજી બનાવવામાં આવ્યા છે. સંધુ ઇન્ડિયન ફોરેન સર્વિસના ૧૯૮૮ બેચના અધિકારી હતા. સંધુ અનુભવી ડિપ્લોમેટ છે. સંધુને આંતરરાષ્ટ્રીય બાબતો અને ખાસ કરીને અમેરિકા સાથે ભારતના સંબંધોનો ઉંડો અભ્યાસ છે. તેઓ વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૪ સુધી અમેરીકામાં ભારતના રાજદુત હતા. એ વખતે કોવિડ - ૧૯ની મહામારીના મુશ્કેલ સમયએ એમણે કરેલી કામગીરીના ખૂબ વખાણ થયા હતા. ૨૦૨૩માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વોશીંગ્ટન મુલાકાતની સફળતા માટે પણ એમણે ખૂબ મહેનત કરી હતી.

દિલ્હીના ઉત્તરનગર ખાતે થયેલી હત્યાની ચર્ચા દેશભરમાં

દિલ્હી જેવા મોટા શહેરમાં દરરોજ હત્યાની ઘટનાઓ બનતી રહે છે, પરંતુ દિલ્હીમાં એક એવી હત્યા થઈ છે કે જેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે અને સોશ્યલ મીડિયા પર પણ આ હત્યાના સમાચાર પર ટીપ્પણીઓ થઈ રહી છે. દિલ્હીના ઉત્તમનગરમાં તરૂણ નામના યુવાનની હત્યા થઈ હતી. આ હત્યા માટે સાત આરોપીઓને પકડવામાં આવ્યા છે. તરૂણના પિતાના કહેવા પ્રમાણે પોલીસ હત્યાની તપાસ યોગ્ય રીતે કરી રહી નથી. આ કેસની તપાસ સીબીઆઇ કરે એવી એમની માંગણી છે. એમના પુત્ર પર ૧૫ થી ૨૦ લોકોના ટોળાએ હુમલો કરીને મારી નાખ્યો હતો. ગુનેગારો છૂટા ફરે છે. ધૂળેટીને દિવસે એક નાની બાળાએ ફેકેલા રંગના છાંટા એક મહિલા પર ઉડયા હતા. આ કારણે મહિલાએ ધાર્મિક કારણ આગળ બતાવીને મોટું ટોળું ભેગુ કર્યું હતું. તરૂણે આ બાબતે માફી માગી હોવા છતાં પણ ટોળાએ એને ઘેરી લઈ માર માર્યો હતો. આ બનાવ પછી સમગ્ર વિસ્તારમાં બે કોમ વચ્ચે તાણ ઉભી થઈ ગઈ હતી. હોળીનો રંગ ભૂલથી ઉડવા છતાં થયેલી હત્યાને કારણે સ્થાનીક લોકો ઉશ્કેરાયા છે.