દિલ્હીની વાત : વિદેશનીતિમાં ભારત હંમેશા ગુમરાહ થતું આવ્યું છે

નવીદિલ્હી : ન્યૂયોર્કના મેયરપદે શપથ લીધાના બીજા જ દિવસે જોહરાન મમદાનીએ પોત પ્રકાશ્યું છે. તેણે ભારતની જેલમાં કેદ એક ગુનેગારને પત્ર લખીને સહાનુભુતી વ્યક્ત કરી છે. મમદાનીએ ઉમર ખાલિદને મોકલાવેલા પત્રમાં લખ્યું કે, મનમાં રહેલી કડવાશ હું સમજી શકું છું. મારી તારા માટે સહાનુભુતી છે. તારા માતા-પિતાને મળીને આનંદ થયો હતો. મમદાનીએ ખાલિદનેે છોડાવવા માટે લોકોને અપિલ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ મમદાની જ્યારે ચૂંટણી લડતો હતો ત્યારે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ તેની વિરુદ્ધ હતા. મમદાની જીતે નહીં તે માટે ટ્રમ્પે એડીચોટીનું જોર લગાવતા હતા. આ મમદાની ભારત આવીને અને ભારતીયોની સહાનુભુતી અને સાથ મેળવીને ચૂંટણી જીતી ગયો. સત્તામાં આવતાની સાથે જ તેણે ભારત જોડે બેક સ્ટેબિંગ શરૂ કરી દીધું. આ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે પણ આવું જ કર્યું હતું. સત્તામાં આવવા માટે ભારત અને ભારતીયોના ભરપેટ વખાણ કર્યા હતા. ભારતીય પીએમ જાતે અમેરિકા આંટો મારી આવ્યા અને ટ્રમ્પને જીતાડવા ભારતીયોને પાનો ચડાવતા આવ્યા. પરિણામ શું આવ્યું? ટ્રમ્પે પણ સત્તામાં આવતા જ ભારતને કનડવાનું શરૂ કરી દીધું. ટેરિફ નાખી દીધો, ઈમીગ્રન્ટ ભારતીયોને બંદી બનાવીને ડિપોર્ટ કર્યા અને બીજા ઘણા પગલાં લીધા. મૂળ વાત એટલી જ છે કે, ભારતની વિદેશનીતિ પહેલા જેવી અસરકારક અને નક્કર રહી નથી. છેલ્લાં એક દાયકાથી ભારત વિદેશનીતિમાં ગુમરાહ થતું આવ્યું છે અને ધરાર થાપ ખાતું આવ્યું છે.
પરાળીની સમસ્યા નથી તો પછી દિલ્હીમાં પ્રદૂષણ શા માટે
દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સમસ્યાનો અંત આવતો નથી. વિરોધ પક્ષો અને પ્રજા દિલ્હીની ભાજપ સરકાર સામે આ બાબતે માછલા ધોઈ રહી હોવા છતા પ્રદૂષણ માટે જાતભાતના બહાના કાઢવામાં આવે છે. દર વર્ષે દિલ્હીમાં ઓક્ટોબર મહિનો શરૂ થાય ત્યારથી પ્રદૂષણની સમસ્યા વકરે છે. ઓક્ટોબર અને નવેમ્બર મહિના દરમિયાન પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ખેતીના પાકની કાપણી થયા પછી બચતી પરાળીને સળગાવી દેવામાં આવે છે. એમ કહેવાય છે કે આ પરાળીને સળગાવવાથી જે ધૂમાડો નિકળે છે એને કારણે દિલ્હી અને એનસીઆરનું વાતાવરણ બગડે છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. આંખોમાં પણ બળતરા થાય છે. જોકે હવે એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડિસેમ્બર મહિનામાં જ્યારે પરાળીનો ધૂમાડો અસર કરતો નથી ત્યારે પણ દિલ્હી -એનસીઆરમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટતું નથી. આ વાત પૂરવાર કરે છે કે ફક્ત નજીકના રાજ્યોમાં સળગાવવામાં આવતી પરાળીને કારણે દિલ્હીનું વાતાવરણ ખરાબ થતું નથી. કારણો કોઈ બીજા જ છે.
દિલ્હીમાં નવા વર્ષે પર્યટકોની સંખ્યામાં ભારે વધારો
દર વર્ષ કરતા આ વર્ષે દિલ્હીમાં નવા વર્ષની ઉજવણીમાં બહારગામના પર્યટકો વધુ સંખ્યામાં આવ્યા હોવાની ધારણા છે. દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં ભીડ વધી ગઈ હતી અને ટ્રાફીક જામ થઈ ગયો હતો. દિલ્હીના ઝૂમાં સવારથી જ પર્યટકોની લાંબી લાઇનો જોવા મળી હતી અને લગભગ ૪૦ હજાર લોકોએ ઝૂની વિઝિટ કરી હોવાનું અનુમાન છે. કોનોટ પ્લેસ સ્થિત જાણીતા હનુમાન મંદિર સહીત અન્ય ધાર્મિક સ્થળોએ પણ શ્રદ્ધાળુઓ ઉમટયા હતા. પૂજા-અર્ચના કરવા આવેલા લોકોના વાહનોની લાંબી લાઇનો પણ જોવા મળી હતી. ઇન્ડિયા ગેટ પર દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે, પરંતુ આ વર્ષે તો ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. સુરક્ષા સંભાળતા પોલીસ અને બીજા સુરક્ષા કર્મચારીઓ ચિંતીત થઈ ગયા હતા.
હવે 10 મીનીટમાં ફૂડ ડિલિવરી પર પ્રતિબંધ આવશે
ફૂડ ડિલિવરી કે કરિયાણાની ડિલિવરી કરતી વ્યક્તિઓને ગીગ વર્કર્સ કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી ગીગ વર્કર્સો કંપની સામે નારાજ થઈને વિરોધ નોંધાવી રહ્યા છે. એમનું કહેવું છે કે કંપનીઓ મર્યાદિત સમયમાં ડિલિવરીનું વચન આપે છે જેને પરીપૂર્ણ કરવા માટે એમણે જાન જોખમમાં મુકીને ઝડપથી બાઇક ચલાવવી પડે છે. ક્રિસમસના દિવસે એમણે પહેલી વખત સ્ટ્રેાઇક પાડી હતી અને એને કારણે દિલ્હીમાં સ્વિગી, ઝોમેટો, બ્લીન્કીટ અને ઝેપ્ટોની સર્વિસ ખોરવાઈ ગઈ હતી. ગીગ વર્કર્સોએ કેન્દ્રીય શ્રમમંત્રી મનસુખ માંડવિયાને પણ પત્ર લખ્યો છે. ત્યાર પછી નવા વર્ષના આગલે દિવસે પણ ગીગ વર્કર્સો હડતાળ પર ગયા હતા. જોકે કંપની સાથે સમાધાન થયા પછી એમણે ફરીથી કામગીરી શરૂ કરી હતી. ગીગ વર્કર્સ ડિલિવરીની સમયમર્યાદા ઉપરાંત કામગીરીના કલાકો નક્કી કરવાનું પણ કહે છે. ગીગ વર્કર્સોએ કોઈક વખત ૧૨ થી ૧૩ કલાક ડિલિવરીનું કામ કરવું પડે છે.
શિંદે - આઠવલેની મીટીંગની મહારાષ્ટ્રમાં ચર્ચા
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેને થાણે ખાતે આવેલા એમના રહેઠાણે મળ્યા હતા. થોડા દિવસોમાં મુંબઈ અને થાણે સહિત મહાનગરોની ચૂંટણી થઈ રહી છે. રામદાસ આઠવલેના પક્ષનું મહારાષ્ટ્રમાં ખાસ વજન નથી, પરંતુ મુંબઈ અને થાણેમાં પોતાના પક્ષ રીપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાને બેઠક આપવા માટે એમણે શિંદેને વિનંતી કરી હતી. આઠવલેના કહેવા પ્રમાણે એમના પક્ષના કાર્યકર્તાઓ એટલા માટે નારાજ છે કે ભાજપ - શિવસેના વચ્ચે બેઠક વહેંચણીમાં આરપીઆઇનો સમાવેશ કરવામાં આવ્યો નથી. સંસદમાં હંમેશા પોતાના પ્રવચનોથી બધાને હસાવનાર રામદાસ આઠવલેએ લગભગ ગળગળા થઈને ભાજપ - શિવસેનાના ક્વોટામાંથી કેટલીક બેઠકો પોતાના પક્ષ માટે માંગી હતી. આ ઉપરાંત મુંબઈ જિલ્લા નિયોજન સમીતી સહિત બીજી કેટલીક અગત્યની સમીતીઓમાં પણ પોતાના પક્ષના કાર્યકરોને સામેલ કરવાની માંગણી એમણે કરી હતી. એકનાથ શિંદેએ વળતો જવાબ આપ્યો હતો કે તમે લિસ્ટ આપો હું તમારા કેટલાક કાર્યકરોને સમાવવાની કોશિષ કરીશ.
નવા વર્ષમાં રાજ્યસભામાં જવા માટે સ્પર્ધા
હરિયાણાના રાજકારણને જોતા ૨૦૨૬નું વર્ષ અગત્યનું સાબિત થશે. વિધાનસભાની હવે પછીની ચૂંટણી ભલે સાડા ત્રણ વર્ષ પછી થશે, પરંતુ નવા વર્ષની શરૂઆતથી જ રાજકારણમાં ગરમી આવશે. સત્તાધારી પક્ષ ભાજપ ગ્રામ્ય વિસ્તારમાં પોતાની પકડ મજબૂત કરશે. કોંગ્રેસ આ વર્ષ દરમિયાન જિલ્લાસ્તરે સંગઠનનું વિસ્તરણ કરવા માંગે છે. વર્ષની શરૂઆતમાં હરિયાણાના ક્વોટાની બે રાજ્યસભા બેઠકો માટે ટનાટની થશે. જો કોઈ મોટો ફેરફાર નહીં થાય તો બેમાંથી એક બેઠક ભાજપ અને એક બેઠક કોંગ્રેસને મળશે. ૭ જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં પણ સ્પર્ધા થશે. રાજ્યસભાની બે બેઠકોનો કાર્યકાળ એપ્રિલ મહિનામાં પૂરો થઈ રહ્યો છે. આ બંને બેઠકો ભાજપ પાસે છે. એક સીટ પર કિરણ ચૌધરી અને બીજી પર રામચંદ્ર જાઘડા છે. એમ મનાય છે કે માર્ચ મહિનામાં જ આ બંને બેઠકોની ચૂંટણી થશે. કિરણ ચૌધરી ફરીથી રાજ્યસભામાં જવા તડપી રહ્યા છે. લોકસભા અને વિધાનસભામાં નહીં ચૂંટાયેલા કેટલાક નેતાઓ પણ રાજ્યસભામાં જવા માટે તત્પર છે.
એર ઇન્ડિયા કદી નહીં સુધરે
ગયા વર્ષે અમદાવાદ ખાતે થયેલા વિમાની અકસ્માત પછી એર ઇન્ડિયાની ભારે બદનામી થઈ છે. ત્યાર પછી પણ એર ઇન્ડિયાની સર્વિસ બાબતે ઘણી ફરિયાદો જાહેરમાં આવે છે. આમ છતાં એર ઇન્ડિયાના સંચાલકોની નબળાઈને કારણે એમ લાગે છે કે એર ઇન્ડિયા કદી સુધરશે નહીં. એર ઇન્ડિયાના વેનકુવરથી દિલ્હી આવનારા વિમાનમાં એટલા માટે મોડુ થયું હતું કે, કોકપીટ ક્રૂએ એક વ્યક્તિને વિમાન ઉડતા પહેલા વિમાનમાંથી ઉતારી દીધો હતો. જે પાયલોટ વિમાન ઉડાડવાનો હતો એણે દારૂ પીધો હોવાથી એની ધરપકડ થઈ હતી. એર ઇન્ડિયાના પાયલોટે ઉડાણ પહેલા પાર્ટી કરી હતી. આ ખુબ ગંભીર ક્ષતી કહેવાય. વેનકુવરના એક ડયુટી ફ્રી સ્ટોરના કર્મચારીએ પાયલોટને દારૂ પીતા જોયો હતો. પાયલોટ જ્યારે દારૂ ખરીદવા ગયો હતો ત્યારે પણ એના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી. આ કર્મચારીએ ઓથોરીટીને આ વાતની જાણ કરી હતી. ત્યાર પછી વિયેનાથી આ ફલાઇટમાં નવા પાયલોટને ચઢાવવામાં આવ્યો હતો.
સારા તેંડુલકરનો વિડિયો વાયરલ થયા પછી વિવાદ
ક્રિકેટના ભગવાન કહેવાતા સચીન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર હમણા સોશ્યલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ હતી. સારા તેંડુલકર મિત્રો સાથે ગોવા ફરવા ગઈ હતી અને રસ્તા પર ફરી રહી હતી એનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. કેટલાકનું માનવું છે કે આ વિડિયો નવા વર્ષની આસપાસ રેકોર્ડ કરવામાં આવ્યો છે. વિડિયોમાં સારા પોતાના મિત્રો સાથે ગોવાના રસ્તા પર ચાલતી જઈ રહી છે. એ વખતે એના હાથમાં દારૂની એક બોટલ પણ દેખાય છે. કેટલાક સોશ્યલ મીડિયા યુઝર્સે એને બીયરની બોટલ ગણાવીને ટીકા શરૂ કરી હતી. કેટલાક યુઝર્સે આ મામલે સચીન તેંડુલકરને વચ્ચે લાવીને એની ટીકા પણ કરી હતી. ત્યાર પછી વિવાદ વધ્યો હતો. જોકે બીજી તરફ સોશ્યલ મીડિયા પર સારાના ટેકામાં ઘણા યુઝર્સ આવ્યા હતા. એક યુઝર્સે લખ્યું હતું કે, 'આ કેવી નકામી વિચારધારા છે. સારા બીયર પીએ છે એને તેંડુલકરના દારૂ પ્રમોશન સાથે શું લેવા દેવા? શું એક બેટીને પોતાની જિંદગી જીવવાનો હક નથી?'









