શાંત તોમાર છંદ : ચમત્કૃતિ વિનાનું નિર્મલાનું સિદ્ધાન્તસૂત્ર

- જેમ જેમ મિસ્ટર મોદીને ઘડપણ નજીક આવતું જાય છે એમ એમ તેઓ પોતાના પ્રધાનોને ક્રમશઃ અધિક સ્વતંત્રતા આપતા જાય છે અથવા તો પ્રધાનો લેતા જાય છે
- અલ્પવિરામ
- વડાપ્રધાન મોદીજીએ બજેટની દિશા અને દશા અંગે ત્રણ શબ્દોમાં મેસેજ આપ્યો કે આ સ્કિલ, સ્કેલ અને સસ્ટેનેબિલિટીનું બજેટ છે. ભાજપને વિવિધ શબ્દોની માયાજાળ ફેલાવવામાં બહુ રસ પડે છે. ભાજપ માને છે કે એનાથી એક આભામંડળ ઊભું થાય છે અને સામાન્ય નાગરિક એના પ્રભાવમાં આવી જાય છે
એનડીએ સરકાર દ્વારા રવિવારે રજૂ કરાયેલો સામાન્ય બજેટ અનેક દ્રષ્ટિએ ખાસ રહ્યો છે. તમિલનાડુના લોકોની આશાઓનું પરંપરિત પ્રતીક એવી કાંજીવરમ સાડી પહેરીને સતત નવમી વખત બજેટ રજૂ કરીને નિર્મલા સીતારમણે નારી શક્તિનું પ્રતીકાત્મક પ્રદર્શન કર્યું. વડાપ્રધાન મોદીજીએ બજેટની દિશા અને દશા અંગે ત્રણ શબ્દોમાં મેસેજ આપ્યો કે આ સ્કિલ, સ્કેલ અને સસ્ટેનેબિલિટીનું બજેટ છે. ભાજપને વિવિધ શબ્દોની માયાજાળ ફેલાવવામાં બહુ રસ પડે છે. ભાજપ માને છે કે એનાથી એક આભામંડળ ઊભું થાય છે અને સામાન્ય નાગરિક એના પ્રભાવમાં આવી જાય છે.
દસ વરસ પહેલા આ વાત સાચી હતી, પણ હવે માત્ર મિનિટોમાં અનેક રીલ્સ જોઈને જિંદગી ગુજારનારી પ્રજા પર કોઈ અવાસ્તવિક શબ્દો જાદુ કરી શકતા નથી. એક સાદું અને ટૂંકુ વાક્ય પણ એ મંત્રવત્ મનમાં માદળિયાની જેમ બાંધી રાખે પણ જો એ વાક્ય સાચું - વાસ્તવિક હોય તો. ઉપર ઉપરની મીઠી મીઠી વાતોથી ભરમાઈ જનારી પ્રજા હવે નથી. બીજી તરફ વિપક્ષી નેતાઓએ આરોપ લગાવ્યો કે તેમાં સામાન્ય જનતા માટે ખાસ કંઈ નથી. સામાન્ય માણસની ઉત્સુકતા હંમેશા એ જ હોય છે કે શું સસ્તુ થશે અને કઈ બાબતમાં તેના પર બોજ પડશે.
આપણા વરસોવરસનાં બજેટમાં જે ઘટે છે તે વિકાસનું સાતત્ય છે. દર વખતના બજેટની દિશા અલગ હોય છે. ક્યારેક તો સરકાર એમ માનીને ચાલે છે કે અમારે બધાને રાજી રાખવાના છે - આ માન્યતા ભૂલ ભરેલી છે. સર્વમિત્ર હોય એ કોઈનો મિત્ર હોતો નથી. બધાને રાજી રાખીને સર્વપ્રસન્નોસ્તુ બજેટ હકીકતમાં કોઈને પ્રસન્નતા આપતું નથી, કારણ કે બધાને કોઈ કદી રાજી રાખી શકે નહિ. સૈદ્ધાન્તિક રીતે જ એ વાત ખોટી છે. તો પણ પાછલાં બજેટોની તુલનામાં નિર્મલા સીતારામનનું આ બજેટ ઓછું વ્યાવહારિક ભલે હોય પણ સૈદ્ધાન્તિક છે. જેમ જેમ મિસ્ટર મોદીને ઘડપણ નજીક આવતું જાય છે એમ એમ તેઓ પોતાના પ્રધાનોને ક્રમશઃ અધિક સ્વતંત્રતા આપતા જાય છે અથવા તો પ્રધાનો લેતા જાય છે. આ વખતના બજેટમાં જનમનરંજન પડતુ મૂકીને અર્થતંત્રને સૈદ્ધાન્તિક રીતે વળાંક આપવાની સીતારામનની કોશિશ એ આપકમાઈની સ્વતંત્રતાને કારણે સંભવ બને છે.
અરૂણ જેટલી એક સુપરિયારિટી કોમ્પ્લેક્સ ધરાવતા નાણાંપ્રધાન હતા. બહુ જ રાજકીય ઠાવકાઈની પ્રેકટિસ તેમનામાં જન્મજાત હતી. જીએસટી જાહેર કર્યા પછીના પાંચસો દિવસ સુધી એમના મંત્રાલયે પાંચસો સુધારાઓ બહાર પાડયે રાખ્યા હતા. એના પરથી સમજી શકાય કે કાયદાના ઘડવૈયામાં મોહમ્મદ તુઘલખ એલિમેન્ટ કેટલું પ્રસ્તારિત હશે. તેમણે સતત નિર્ણયો બદલીને દેશના કરોડો વેપારીઓ અને જુના સેલટેક્સ પ્રેક્ટિશનરોનું ગણિત સુધારી આપ્યું.
હંમેશાની જેમ બજેટમાં દારૂ, સિગારેટ અને તમાકુ વ્યસનપ્રિય વપરાશકર્તાઓના ફાટેલા ખિસ્સા પર ભારે પડશે. નવાં પ્રાવધાનો હેઠળ વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોકલવામાં આવતા પૈસા પર ટીસીએસ (STT) ઘટાડવામાં આવશે. વિદેશ પ્રવાસ પેકેજ પર પણ છૂટ આપવામાં આવી છે. આવનારા મહિનાઓમાં જ્યાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે રાજ્યોનું પણ બજેટમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. દુનિયામાં ઇલેક્ટ્રોનિક અને અન્ય ઉત્પાદનોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા દુર્લભ રેર અર્થ પર ધ્યાન કેન્દ્રિત કરીને રેર અર્થ કોરિડોર બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે, જેમાં તમિલનાડુ-કેરળ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. નજીકની ચૂંટણી ધરાવતા આ રાજ્યોના માછીમારો અને નાળિયેર ઉત્પાદકોને પ્રોત્સાહન અને છૂટ આપવામાં આવી છે.
જોકે, એસટીટીમાં (જી્) વધારો થવાના મુદ્દે શેર બજારને આ બજેટ ગમ્યું નથી. વિદેશી રોકાણકારો ઘણા લાંબા સમયથી પોતાની મૂડી પાછી ખેંચી રહ્યા છે. એ મૂડીના અભાવથી સર્જાતા વાતાવરણને ભારતીય સંસ્થાકીય રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ મેજનેજરોનો આકસ્મિક ટેકો મળી જાય છે. જોકે આમ પણ વિદેશી રોકાણકારો પરની નિર્ભરતા કાયમ માટે તો યોગ્ય નથી જ. પહેલેથી ભારતીય અર્થતંત્રને બહારનું દૂધ પીવાની ટેવ પડી ગયેલી છે.
બીજી તરફ ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે આ ઉદ્યોગમાં ૪૦ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો પ્રસ્તાવ છે. સાથે જ સસ્તી દવાઓ માટે 'બાયોફાર્મા શક્તિ યોજના' માટે ૧૦ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવશે, જેના કારણે દેશમાં મધુમેહ અને કેન્સરની સસ્તી દવાઓ ઉપલબ્ધ બની શકશે. બીજી તરફ, નજીકની ચૂંટણી ધરાવતા પશ્ચિમ બંગાળ, આસામ અને તમિલનાડુને હાઈ-સ્પીડ ટ્રેન કોરિડોરનો લાભ આપવાનો પ્રસ્તાવ છે. ઉપરાંત આસામને બૌદ્ધ સર્કિટનો લાભ આપવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત બૌદ્ધ તીર્થસ્થાનોનો વિકાસ, મુસાફરી સુવિધાઓનો વિસ્તારો અને યાત્રાળુઓ માટે પહોંચ સરળ બનાવવાના પ્રયાસો કરવામાં આવશે.
આ સાથે ડિજિટલ મનોરંજન ક્રાંતિને પ્રોત્સાહન આપવા માટે સર્જનાત્મકતાને વધારતી 'ઓરેન્જ ઇકોનોમી'ને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે, જેથી આ ક્ષેત્રમાં યુવાઓ માટે રોજગારની તકોમાં વધારો થઈ શકે. દર વખતની જેમ નોકરીપેશા વર્ગને આવકવેરામાં છૂટની આશા રહેતી હોય છે, પરંતુ આ વખતે કોઈ પણ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. હાં, એપ્રિલ ૨૦૨૬ સુધી નવો આવકવેરા કાયદો અમલમાં લાવવાની વાત બજેટમાં કરવામાં આવી છે, જેમાં આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા અને નિયમોમાં ફેરફાર થશે. વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ચાલી રહેલી ઉથલપાથલ અને ટેરિફ યુદ્ધ એનડીએ સરકારે આ સામાન્ય બજેટમાં તથાકથિત આત્મનિર્ભરતાને પ્રાથમિકતા આપી છે. સાથે જ આઝાદીના સો વર્ષ પૂર્ણ થવા સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પની દિશામાં પણ પગલાં આગળ વધારવામાં આવ્યા છે.








