- અગડમ્ બગડમ્-બાબા આદમ
- સંબંધોમાં સુધારાના ભાગરૂપે હવે અમેરિકી વીઝા લાર્જ ફ્રેમમાં મઢાવીને અપાશે
શિયાળો માણવા 'દેશ'માં આવેલા એનઆરઆઈઓને ખબર પડી કે અમેરિકી ટ્રેડ ડીલ ફેર નામનો કોઈ નવો ફેસ્ટિવલ શરુ થયો છે. અહીં તો બોનસ ભીડ રૂપે વીઝાઈચ્છુકો પણ પહોંચી ગયા.
'દોસ્તી-દુશ્મની, દુશ્મની-દોસ્તી, દોસ્તી-દુશ્મની' એવું લખેલો પહેલો સ્ટોલ આવ્યો.
બે-પાંચ એનઆરઆઈ તરત અંદર પેઠા. વોલન્ટિયરે તેમને વર્ચ્યુઅલ રિયાલિટી ગોગલ્સ છે એમ કહીને એક ચશ્માં પકડાવ્યાં . લોકોએ જોયું તો સ્ક્રીન પર જાતભાતના કલરના આકાર બદલાયા કરતા હતા, બીજું કશું નહીં. એક ભાઈ બગડયા, 'આ શું મજાક છે?'
પેલા વોલન્ટિયર કહે, 'મજાક? આ જ તો અમેરિકા-ભારત સંબંધોનું સત્ય છે. ક્યારેક દોસ્તી લાગે, ક્યારેક દુશ્મની, ક્યારેક આપણા માણસોને પગે બાંધીને રવાના કરે. તો ક્યારેક એવી ડીલ થાય કે તેની શરતો જોઈ 'દુશ્મન ન કરે દોસ્તને વો કામ કિયા હૈ...'ગીત યાદ આવી જાય. આ બદલાતા આકારો નિત્ય બદલાતા સંબંધો સૂચવે છે.'
આ ગૂ્રપ મોઢું મચકોડતું બીજા સ્ટોલમાં પહોંચ્યું. ત્યાં તો વીઝા ઈચ્છુકોની મોટી ભીડ હતી. કોઈ કાઉન્સેલર ટાઈપના ભાઈ મોટે મોટેથી બૂમો પાડીને સમજાવતા હતા.
'અત્યાર સુધી વીઝા તમારા પાસપોર્ટમાં જ લાગતા હતા, પરંતુ હવે નવી ડીલના ભાગરૂપે તમને વીઝાની પ્રિન્ટ લાર્જ ફ્રેમમાં મઢાવીને અપાશે. જેમણે ક્યારેય અમેરિકા જવું નથી પણ ફક્ત સોશિયલ સ્ટેટસ ખાતર વીઝા લઈ રાખવા છે તેમના માટે આ આકર્ષક ઓફર છે. આ વિશાળ ફ્રેમ તમારા ડ્રોઈંગ રૂમમાં લગાડી શકશો. આ ઉપરાંત અમે તમારાં પર્સ પર, શર્ટ પર, કારના ડોર પર, વિઝિટિંગ કાર્ડ પર, ટોપી પર પણ તમને મળેલા વીઝાની પ્રિન્ટ છાપી આપશું. શું છે કે દુનિયા આખીને ખબર પડવી જોઈએ કે તમે વીઝાધારક છો.'
'લ્યા ભાઈ, પણ વીઝા મળી જવાની કોઈ ગેરન્ટી ખરી? એક વીઝાઈચ્છુકે જિરાફની જેમ લાંબી ડોક તાણીને કૂકડા જેવા બુલંદ સૂરે ઘાંટો પાડયો.
પેલા કાઉન્સેલર ભાઈ એકદમ હળવેથી કહે, 'ટ્મ્પ સવારનું બોલ્યું સાંજે પાળશે કે નહીં એની ગેરન્ટી નથી ને તમે વીઝા મળી જવાની ગેરન્ટી માગો છો?' આ સાંભળી આખો સ્ટોલ ખાલી થઈ ગયો.
આ પ્રકારના દરેક ફેસ્ટિવલમાં હોય છે એમ એક ફૂડ સ્ટોલ પણ આવ્યો. ત્યાં સ્ટોલવાળાએ તાજો ઘાણ ઉતારીને ભજીયાં બધાની પ્લેટમાં પીરસ્યાં. પણ, સ્વાદ કાંઈક વિચિત્ર લાગ્યો.
'લ્યા, આ ભજીયાંમાં શું નાખ્યું છે? કોઈ જુદો મસાલો લાગે છે.'
'અરે, સર, કોઈ ખાસ મસાલો નથી. આ તો યુએસ સાથે નવી ટ્રેડ ડીલમાં નક્કી થયા મુજબ ખાસ તો તમામ એનઆરઆઈને વેનેઝુએલાથી મગાવેલા તેલમાં તળેલાં ભજીયાં જ ખવડાવવાના છે. એટલે તમને સ્વાદ જરા જુદો લાગે છે. અમારા સ્ટોલની દરેક આઈટમ તમને વેનેઝુએલાના તેલમાં જ વઘારેલી કે તળેલી મળશે. આવો, સ્વાદ માણો અને ભારત-અમેરિકાના સંબંધોને મજબૂત કરો.'
રશિયાવાળા યુક્રેન પર ડ્રોન છોડે એ સ્ટાઈલથી બધા એનઆરઆઈ ફટાફટ ભજીયાંનાં સ્ટોલની અંદર જ ઘા કરીને ભાગ્યા.
આદમનું અડપલું,
ટ્રમ્પની ફેવરિટ કહેવત : 'બોર આપીને કલ્લી કાઢી લેવી.'


