જલેબી ને ફાફડા, જિનપિંગ ભાઈબંધ આપડા

- અગડમ્ બગડમ્-બાબા આદમ
- 'એક કચોરી દો સમોસા, ટ્રમ્પ તેરા ક્યા ભરોસા' સૂત્ર સામે જિનપિંગ સાહેબને વાંધો પડશે
'ખુશ ખબર... ખુશ ખબર...' એક કાર્યકર દોડતો દોડતો આવ્યો.
'હેં ? પાછો રોડ શો થવાનો છે? ચાલો, તૈયારી શરુ કરી દઈએ. પબ્લિકને બીજો કોઈ નવો મુદ્દો મળે તે પહેલાં રોડ શોથી વટ પાડી દઈશું. ' બીજો કાર્યકર તો તરત ઉછળવા માંડયો.
'લ્યા, આ વખતે તો જિનપિંગ સાહેબ પણ અહીં રોડ શો કરશે. આપણે હવે એમની સાથે ફરી દોસ્તી થઈ ગઈ છે. ગયા વખતે ફક્ત હિંચકા ખવડાવીને મોકલ્યા હતા. આ વખતે આપણે ત્યાંના ખાડાવાળા રસ્તાઓ પર ઝૂલાવીશું,' પહેલા કાર્યકરે ખુશી ખુશી કહ્યું.
'વાહ, દોસ્તી? તો તો એમના માટે પણ સ્ટેડિયમમાં કાર્યક્રમ રાખી દઈએને. આ વખતે હાજરી આપનારા દરેકને ફૂડ પેકેટમાં પૂરી શાક કે ખમણને બદલે બે -બે મંચુરિયન આપીશું. જિનપિંગ સાહેબ પણ ખુશ થઈ જશે,' ત્રીજા કાર્યકરે પ્લાનિંગ શરુ કરી દીધું.
ચોથા કાર્યકરે ચેતવણી આપી, 'જો..જો...જિનપિંગ સાહેબ આવે ત્યારે એમને આપણે ત્યાંની ચાઈનીઝ આઈટમો તો ખવડાવતા જ નહિ. માંડ માંડ પાછી દોસ્તી થઈ છે ને એ જો ભૂલેચૂકે પણ આપણું મંચુરિયન કે ચાઈનીઝ ભેળ ચાટી ગયા તો એમની ઝીણી આંખો પહોળી થઈ જશે અને આપણી અને એમની ફરી દુશ્મની થઈ જશે.'
'તો શું કરશું? જિનપિંગ સાહેબને જલેબી અને ફાફડા ખવડાવીશું ? ' પાંચમા કાર્યકરને સવાલ થયો.
'વાહ, આ તો રોડ શો માટે સૂત્ર પણ બની ગયું - 'જલેબી ને ફાફડા, જિનપિંગ ભાઈબંધ આપડા...ૈ'' એક કાર્યકર થનગની ઉઠયો.
'એક કચોરી, દો સમોસા ... ટ્રમ્પ તેરા ક્યા ભરોસા...' બીજા કાર્યકરે ઉત્સાહમાં આવીને બીજું સૂત્ર રચ્યું.
અન્ય કાર્યકરો ખમણ ઢોકણા અને પાતરાં ભજીયાંના પ્રાસ બેસાડવા જાય તે પહેલાં જ તરત જ ત્રીજા કાર્યકરે બધાને રોક્યા. 'લ્યા, રહેવા દે. ટ્રમ્પવાળું ન બોલતો. મેં સાંભળ્યું છે આપણે ને ટ્રમ્પને ગમે તેવું બગડયું હોય પણ હજુય જિનપિંગ સાહેબ અને ટ્રમ્પને તો સારું જ બને છે. '
બીજો કાર્યકર કહે, ' ભલા માણસ, જિનપિંગ સાહેબને ટ્રમ્પ ના ઉલ્લેખ સામે કદાચ વાંધો નહિ હોય , પણ એમને ભરોસા શબ્દ સામે સો ટકા વાંધો પડશે. આ ચાઈનીઝ લોકોનેે ભરોસો કે ટકાઉપણું કે ગેરન્ટી કે એવાબધા શબ્દોથી સખત ચીડ હોય છે. '
એક કાર્યકરને ફાળ પડી, 'યાર, તો તો આ ભાઈબંધી પણ ચાઈનીઝ માલ જેવી તકલાદી નહીં નીકળે ને. આપણે ફરી પાછી ભાઈબંધી કરી લીધી છે પરંતુ તેની ગેરન્ટી શું? '
અત્યાર સુધી ચૂપ રહેલો એક કાર્યકર કહે, 'આપણી અને જિનપિંગ સાહેબની દોસ્તીને અમદાવાદ-વડોદરા હાઈવેના ટ્રાફિક જામ જેવી દીર્ઘકાલીન બનાવવી હોય તો મારી પાસે એક આઇડિયા છે. આપણે આ વખતે રોડ શો અરુણાચલ પ્રદેશ કે ગલવાન વેલીમાં રાખીએ. એકદમ સીલબંધ સજ્જડ દોસ્તી થઈ જશે. '
કોઈ ચાઈનીઝ ફટાકડો ધાર્યા કરતાં વિરુદ્ધ વધારે જોરથી ફાટે અને પબ્લિક ગભરાઈને ભાગે એમ આ સજેશન સાંભળી બધા કાર્યકરો ભાગ્યા.
આદમનું અડપલું
છૂટ..છૂટ..ભારે છૂટ... સ્વદેશી અપનાવોના નારામાંથી ચાઈનીઝ ચીજોને હવે ભારે છૂટ...!








