- અગડમ્ બગડમ્-બાબા આદમ
- જે તંત્ર વર્કિંગ ડેએ ખાસ કામ નથી કરતું તે રવિવારે બજેટ રજૂ કરવાનું કામ કરી દે એ મોટો ચમત્કાર...
અલ્પમતિ: ગુરૂજી, આ વખતે બજેટ માટે કોઈ ખાસ આગાહી?
મૂઢમતિ: બચ્ચા, આ વખતે બજેટમાં મોટો ચમત્કાર થવાનો છે.
અલ્પમતિ : હેં ગુરૂજી, ખરેખર? આ વખતે ખરેખર બજેટમાં પ્રજાનું કલ્યાણ-કલ્યાણ થઈ જવાનું છે?
મૂઢમતિ: મૂરખ, બજેટ અધિકારીઓ બનાવતા હોય છે. જાદુગરો નહીં. એવો જાદુ કોઈ કરી શકે નહીં.
અલ્પમતિ: ગુરૂજી, આ તો તમે ચમત્કારની વાત કરી ને એટલે! મને એમ કે ૭૮ વર્ષથી જે ચમત્કાર નથી થયો તે હવે થશે.
મૂૂઢમતિ: બેટા, દેશમાં હાલ પાંચ-દસ હજાર વર્ષથી નથી થયું એવું બધું કામ કરવાનો યુગ ચાલે છે. તું ૭૮ વર્ષનાં રોદણાં રોવાનું રહેવા દે.
અલ્પમતિ: ગુરૂજી, તમે હવે પાંચ-દસ હજાર વર્ષમાં શું થયું ને શું નથી થયું તેનું લાંબુ પ્રવચન કરવાને બદલે કહી જ દો કે આ બજેટમાં કયો ચમત્કાર થવાનો છે?
મૂઢમતિ: માય ડિયર અનુયાયી, તને ખ્યાલ હોવો જોઈએ કે આ વખતે બજેટ રવિવારના દિવસે રજૂ થવાનું છે. જે સરકારી તંત્ર સોમથી શુક્રના વર્કિંગ ડેએ પણ ખાસ કામ કરતું નથી તે રવિવારે બજેટ જેવું બજેટ રજૂ કરી દેવાનું છે.બોલ, આ કાંઈ જેવો તેવો
ચમત્કાર છે?
અલ્પમતિ: ગુરુજી, મને તો એવી ચિંતા થાય છે જે સરકારી કર્મચારીઓની રવિવારની રજા બગડી એના નિસાસાની અસર તો બજેટમાં નહીં વર્તાયને?
મૂઢમતિ: ડફોળ, આ દેશમાં એકવાર કોઈ સરકારમાં મંત્રી કે અધિકારી કે કર્મચારી તરીકે પણ ગોઠવાઈ જાય એટલે તેમણે આજન્મ નિસાસા નાખવાના હોતા નથી. નિસાસા તો ફક્ત ને ફક્ત જનતા જનાર્દને જ નાખવાના હોય છે.
અલ્પમતિ: ગુરૂજી, જવા દો. આ વખતે રવિવારે બજેટ છે એ નિમિત્તે કોઈ ખાસ ટિપ આપો.
મૂઢમતિ: જો બજેટ રવિવારના દિવસે છે તેનો મતલબ એ કે મગજને તો રજા પર જ રાખવાનું છે.
અલ્પમતિ : હેં ગુરૂજી? આ તમે શું કહો છો? તમે દેશદ્રોહી વાતો કરો છો? તમારો કહેવાનો મતલબ એવો છે કે સરકારી તંત્ર મગજને રજા પર રાખીને બજેટ આપવાનું છે?
મૂઢમતિ: ઓ મૂરખ... મૂરખ... મારો કહેવાનો મતલબ એ છે કે જનતાએ આ દિવસને મગજને રજા પર રાખવાનું છે. ગમે ત્યારે , ગમે તેટલું, ગમે તેવું બજેટ આવે પણ પ્રજાનો ઉદ્ધાર તો જે ગતિએ જ્યારે જેટલો થવાનો હશે ત્યારે તેટલો જ થશે. એટલે બજેટ વિશે ઝાઝું પિષ્ટપેષણ કરવાનું નહીં. મગજને આરામ જ આપવો.
અલ્પમતિ: ગુરૂજી, પ્રજા તો ૭૮ વર્ષથી મગજને આરામ જ આપતી આવી છે. નહીં તો બજેટની જાહેરાતોને વધાવી લેવાની સાથે સાથે વર્ષના અંતે બજેટ ખરેખર ક્યાં કેટલું કેવી રીતે વપરાયું તેનો હિસાબ પણ ન માગે?
ગુરૂજી જવાબ આપવાને બદલે સમાધિમાં ઉતરી ગયા.
આદમનું અડપલું
કયું ઘર બજેટ પ્રમાણે ચાલ્યું છે, તે દેશ ચાલે!


