Editorial

હવે હાથમાં બે-બે ચન્દ્રના નંગ પહેરવાનો ચાન્સ છે

By GS TEAM
30 Oct 20252 mins read
હવે હાથમાં બે-બે ચન્દ્રના નંગ પહેરવાનો ચાન્સ છે

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- ખગોળશાસ્ત્રીઓએ પૃથ્વીનો બીજો ચન્દ્ર શોધી કાઢતાં જ્યોતિષીઓને ઓવરટાઈમ

એક બિચારા વિજ્ઞાાનીએ (ભારત દેશમાં વિજ્ઞાાની માટે બિચારા વિશેષણ  જ લાગે) સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી: 'પૃથ્વીને બીજો ચન્દ્ર મળી ગયો છે.  ૨૦૨૫ પીએન૭ લઘુગ્રહ આપણા ઓરિજિનલ ચન્દ્રની જેમ જ પૃથ્વી ફરતે ભ્રમણ કરતો હોવાથી તેને ચન્દ્રનો દરજ્જો આપવામાં આવ્યો છે.' 

આ પોસ્ટ નીચે તરત જ જ્યોતિષીઓની કમેન્ટ્સ શરુ થઈ ગઈ. 

એક જ્યોતિષી કહે, 'હાશ, હવે મારી પાસે નબળા ચન્દ્રની વિધિ કરાવનારા જાતક કોઈ ફાયદો નહીં  થયાની  ફરિયાદ કરશે તો હું કહી શકીશ કે આ તો એક ચન્દ્રની વિધિ થઈ, હવે બીજા ચન્દ્રની પણ કરાવો.' 

બીજા  જ્યોતિષીએ લખ્યું, 'સારું છે, મારા કલાયન્ટને હવે હું બે- બે ચન્દ્રના બે-બે નંગ પહેરાવી શકીશ.'

ત્રીજા જ્યોતિષી ખુશી દેખાડી, ' જન્મના ચન્દ્ર પરથી ગુરુનું  ભ્રમણ થાય કે તેના પર ગુરુની દ્રષ્ટિ પડે એટલે લગ્નના યોગ બને. આ હિસાબે હવે મારા જાતકોને લગ્નના યોગ વધી જશે.'

ચોથા જ્યોતિષી હરખ વ્યક્ત કર્યો, 'ગુરુ-ચન્દ્રના ગજકેસરી યોગના ચાન્સીસ પણ વધી જશે એવુ ંકહીને જાતકોને ખુશ કરી દઈશું.'

પાંચમા જ્યોતિષી કહે, 'વેઈટ, વેઈટ...  જુઓ, આપણે જાતકની બે-બે ચન્દ્ર કુંડળી બનાવી શકીશું. કોઈ જાતકને પોતાના હાલના નામથી અસંતોષ હોય તો કહીશું કે અત્યારનું તમારું નામ ઓરિજિનલ ચન્દ્ર રાશિ પરથી છે, પરંતુ હવે બીજા ચન્દ્રની રાશિ પરથી બીજું નામ રાખવાનો પણ ચાન્સ છે.'

છઠ્ઠા જ્યોતિષી કહે, 'આ ખગોળવિજ્ઞાાનીઓ પણ નકામા છે. શોધી શોધીને બીજો ચન્દ્ર શોધી કાઢ્યો. ભલા માણસ, બીજો શનિ પણ શોધી કાઢવો તોને, તો અમને પનોતીઓના નિવારણનું જરા વધારે કામ મળે. અરે યાર, કાંઈ નહીં તો બીજા થોડાક રાહુ ્ને કેતુઓ પણ શોધી કાઢો તો પણ સારું. ક્યાં  સુધી અમારે એક જ રાહુ અને એક જ કેતુ પર ખેંચવાનું. થોડાક  નવા રાહુ-કેતુ મળે તો અમે ક્લાયન્ટ્સને કહી શકીશું કે અત્યારે તમને પહેલા રાહુ અને ત્રીજા કેતુનો કાલસર્પયોગ ચાલે છે, પરંતુ તે પછી ચોથા કેતુ અને બીજા રાહુનો કાલસર્પયોગ ચાલુ થશે, બંને માટે અલગ અલગ વિધિ કરાવવી પડશે.' 

વિજ્ઞાાની આ કમેેન્ટ્સથી કંટાળી ગયા. તેમણે પોતાની પોસ્ટ એડિટ કરીને લખ્યું: 'મહેરબાનો, આપ સૌને જાણ કરવાની કે આ નવો ચન્દ્ર મળ્યો છે તે ટેમ્પરરી છે, ૬૦ વર્ષ પછી તે પૃથ્વીથી દૂર થઈ જશે એટલે બીજા ચન્દ્રનો દરજ્જો ગુમાવશે. પછી ફરી તમારે એક જ ચન્દ્રથી ચલાવવું પડશે.'

એક જ્યોતિષીએ તરત કોમેેન્ટ ફટકારી, 'અરે હોય કાંઈ ! અમને કામ સોંપો. અમે આ નવા ચન્દ્રનું આયુષ્ય વધે તેવી વિધિ પણ કરી આપીશું.'

વિજ્ઞાાનીએ છેવટે મૂળ પોસ્ટ જ ડિલીટ કરી દીધી. 

આદમનું અડપલું

બ્રેકિંગ ન્યૂઝ: નવો ચન્દ્ર મળતાં બે-બે સ્થળે કરવા ચોથ મનાવવા ઈચ્છતા પતિઓમાં ખુશીની લ્હેર