થઈ જાઓ તૈયાર.. આવી રહ્યા છે રિપેરિંગ ઉદ્ધઘાટન સમારંભો

- અગડમ્ બગડમ્-બાબા આદમ
- અમે નીતિ, નિર્ણયો, સાતત્ય, વચનબદ્ધતા એમ દરેક બાબતે થિગડાં ચલાવીએ છીએ, આ થાગડથિગડ રોડ તેનું પ્રતિબિંબ છે
મુંબઈમાં હમણા સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ પર બ્રિજનું ઉદ્દઘાટન થયું ને તેના ત્રણ-ચાર દિવસમાં જ તેને રિપેરિંગ માટે બંધ કરવો પડયો. આવી હાલત લગભગ સમગ્ર દેશમાં છે. અત્યારે કંગના રણૌતની ફિલ્મો જેટલા દિવસ સુધી થિયેટરમાં ચાલે છે તેના કરતાં પણ વધારે ઓછા દિવસમાં આજકાલ રસ્તા, હાઈવે, સુપરહાઈવે અને સુપરડુપર એક્સપ્રેસ વે અને ફલાયઓવરો સહિતના પ્રોજેક્ટસમાં ઉદ્ધઘાટનો પછી ગાબડાં, ખાડા કે તિરાડો દેખાવી શરુ થઈ જાય છે. જેમ સવાર પછી બપોર અચૂક પડે તે પ્રકૃતિનો અફર નિયમ છે તેમ દરેક ઉદ્ધઘાટનો પછી થોડા દિવસોમાં રિપેરિંગ આપણી વિકાસની સંસ્કૃતિનો અફર નિયમ થવા લાગ્યો છે.
હવે ઉદ્ધઘાટન પછી રિપેરિંગ કાયમી જ બનવા માંડયું છે તો તમામ પ્રકારની શરમ નેવે મૂકવામાં ટ્રમ્પને પણ હંફાવે આપણાં એવાં તંત્રોએ વાસ્તવમાં તો આવાં રિપેરિંગો ગૂપચૂપ કરવાને બદલે તેના પણ ભવ્યાતિભવ્ય સમારંભો યોજવાનું શરુ કરવું જોઈએ. જેટલા કરોડનું રિપેરિંગ હોય તેના ગુણોત્તરના ચોરસફૂટ પ્રમાણે વિશાળ મંડપ બનાવી, ભવ્યાતિભવ્ય સેટ બનાવી, ત્રણ ડઝન વીવીઆઈપીઓ પાસે શોભામાં અભિવૃદ્ધિ કરાવી ઝાકઝમાળ સાથેના ભપકાદાર સમારોહ સાથે રિપેરિંગ શરુ થાય તો એ બહાને ઈવેન્ટસનો પણ એટલો વિકાસ થાય. વિચારો કે તલાટીઓ, મામલતદારો અને શિક્ષણ અધિકારીઓની અથાક મહેનતથી જંગી મેદની ભેગી કરાઈ હોય તેવા આવા રિપેરિંગ ઉદ્ધઘાટન સમારોહમાં નેતાશ્રીનું ભાષણ કેવું હોય -
'મિત્રો, અત્યાર સુધી તમે ડબલ એન્જિન સરકારો જોઈ હશે, પણ અમારી સરકાર છે, ડબલ બુલડોઝર સરકાર. એક બુલડોઝર રસ્તો બનાવતું જશે, બે-ચાર દિવસ પછી બીજું બુલડોઝર એ રસ્તો રિપેર કરતું જશે. અમારી વિકાસની તલપ એવી છે કે અમે એકસાથે બે-બે ટેન્ડર બહાર પાડશું. એક ટેન્ડર બ્રિજ બનાવવાનું હશે તો તેની સાથે જ બીજું ટેન્ડર બ્રિજ રિપેર કરવાનું હશે.
'મિત્રો , આજકાલ દર પાંચ સેકન્ડે બદલાતી રીલ જોવાનો જમાનો છે. તેને અનુસરીને અમે દર પાંચ દિવસે રિપેર થઈને અપડેટ થતા રોડન ોકન્સેપ્ટ લાવ્યા છીએ. બીજી કોઈ સરકાર હોય તો નવા બનાવેલા બ્રિજ થોડા મહિનામાં જ તોડી પાડે. અમે રિપેરિંગ કરી જનતાને કરકસરનો સંદેશ આપીએ છીએ. અમારી તો સરકાર તો સદાસર્વદા ઉત્તમ પ્રકારનાં થાગડથિગડમાં માને છે. નીતિઓ, નિર્ણયો, વચનબદ્ધતા, પ્રમાણિકતા, કાર્યક્ષમતા એમ દરેક બાબતમાં અમે થિગડાં મારીને ચલાવીએ છીએ. આ રસ્તા પરના થિગડાં અમારી સરકારનાં સમગ્ર ક્લેવરનું પ્રતિબિંબ છે.'
શ્રેણીબદ્ધ રિપેરિંગ સમારંભોમાં આવાં ભાષણો સાંભળ્યા પછી આપણે ગર્વભેર દુનિયાને કહી શકીશું કે અમારે ત્યાં લોકશાહી ગર્વનન્સમાં ઉત્તમોત્તમ આફટર સેલ્સ સર્વિસ પ્રાપ્ત છે. અમારે ત્યાં નેતાઓ અને અધિકારીઓ ખુદ વેચાઈ જાય છે પછી જનતાની સેવા કરે છે. આ જ છે, 'આફટર-સેલ્સ-સર્વિસ'!
આદમનું અડપલું
કશું નહીં, આખેઆખી શાસન વ્યવસ્થા જ તાબડતોબ રિપેરિંગ માંગે છે!








