દશેરાએ ગો સ્લો આંદોલનનું ઘોડાઓનું એલાન

- અગડમ્ બગડમ્-બાબા આદમ
- રાજકારણીઓ હોર્સ ટ્રેડિંગ કરે છે, પણ 'સેવ હોર્સ કેમ્પેઈન' ચલાવતા નથી
દશેરા પહેલાં ઘોડા યુનિયનની તાકીદની સભા મળી.
ઘોડા પ્રમુખ: ઊંચામાં ઊંચી નસ્લના સૌ સભ્યોનું અભિવાદન.
ઘોડો ૧: ઓબ્જેક્શન ! આ ઊંચીનીચી નસ્લના માણસછાપ ભેદભાવો આપણામાં ક્યારથી શરુ થયા ?
ઘોડો ૨ : એક્ઝેટલી. મારી તો ઘણા સમયથી માગણી છે કે આપણે ખચ્ચરોને પણ કઈ નહિ તો આમંત્રિત સભ્યો કે એસોસિએટ સભ્યો તરીકે સ્થાન આપીએ.
ઘોડો ૩: એય ચેસબોર્ડની અઢી ચાલના દોઢડાહ્યા ઘોડા. યુનિયનની ચૂંટણી પહેલાં આ રીતે મનફાવે તેમ મતદારો વધારીને કરાતી મતચોરી દેશના રાજકારણમાં ચાલતી હશે, આપણા ઘોડા યુનિયનમાં નહિ ચાલે.
વૃદ્ધ ઘોડો: રાજ-કારણ શબ્દ સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયાં. આપણા પૂર્વજોનાં અતૂલ્ય પરાક્રમોના કારણે ભલભલા સામ્રાજ્યોનો ઇતિહાસ બદલાઈ ગયો. આપણા વિના કોઈપણ રાજાની ઓળખ અધૂરી હતી.
ઘોડો ૪: ઓ વડીલ..જરા, ઇતિહાસનાં પૂંઠાંમાંથી બહાર નીકળી એઆઈ યુગમાં હરણફાળ ભરો.રાજા તો ઠીક હવે વરરાજાઓ પણ આપણા વિના જ વરઘોડા કાઢી માંડવે પહોંચીને પરણી નાખે છે.
ઘોડો ૫: મારા મતે જ્યારથી લગ્નોના વરઘોડાઓમાં ઘોડો શબ્દ ફક્ત નામનો જ રહ્યો અને વરો વાસ્તવમાં કારમાં બેસીને વર-કાર કાઢવાનો રિવાજ ચાલુ થયો ત્યારથી છૂટાછેડા વધી ગયા છે. લગ્નનું ટકાઉપણું અને ઘોડા ઉપર વરરાજાની સવારી આ વિષય પર ગુજરાતની કોઈ યુનિવર્સિટીના હણહણતા તોખાર જેવા વિદ્યાર્થીએ શોધ નિબંધ રચવા જેવો ખરો.
ઘોડો ૬: યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કહેશો તો કદાચ કન્યાઓની પોની ટેઈલ વિશે કદાચ રિસર્ચ નિબંધ કરે ખરા.
ઘોડા પ્રમુખ: લ્યા, દિમાગના ઘોડા દોડાવવા બંધ કરો. આ દશેરાએ દિલથી વિચારો કે રાજકારણીઓ હોર્સ ટ્રેડિંગ કરે છે પરંતુ સેવ ટાઈગર કે સેવ લાયન જેવાં સેવ હોર્સ કેમ્પેઈન ચલાવતા નથી. લોકશાહીને ઘેટાંશાહી બનાવી દીધી છે પણ ઘોડાગાડીને હેરિટેજ સ્ટેટ્સ અપાતું નથી. ખુરશીમાં બેઠા બેઠા ઉંઘતા અધિકારીઓ આપણા જેવી ઊભા ઊભા ઉંઘતી જાત વિશે સપનામાં પણ વિચારતા નથી. આ બધાંના વિરોધમાં આપણે આ દશેરાએ ગો સ્લોનું એલાન આપીએ છીએ. દરેક ઘોડાને સૂચના છે કે ખાસ દશેરાના દિવસે જ કોઈએ નેતાના કાફલા આગળ દોડતા પોલીસવાળા જેમ દોડવાનું નથી પરંતુ, સરકારી ફાઈલની ધીમી ચાલે ચાલવાનું છે.
ઘોડો ૩ : અગાઉના રાજાઓ આપણી પર સવાર થતા હતા તો આપણું ગૌરવ વધતું હતું, આ નવા લોકશાહીના રાજાઓ આપણા પર સવાર થાત તો આપણે શરમથી આત્મહત્યા કરી હોત. મારું માનો તો પ્રધાનો, સાંસદો, ધારાસભ્યો માટે ઘોડા પર સવારી ફરજિયાત નથી કરાઈ એ મુદ્દે સરકારનો આભાર માનતો ઠરાવ રજૂ થવો જોઈએ.
આ વાત સાંભળી કેટલાય ઘોડાઓ ચાર પગે કૂદતા કૂદતા ભાગ્યા.
આદમનું અડપલું
સોનમ વાંગ્ચુકને હીરો તરીકે રજૂ કરતી ફિલ્મ બની ગઈ, હવે વિલન તરીકે ચિતરતી ફિલ્મ કોણ બનાવશે ?








