વર્લ્ડ વોર ટૂરિઝમ પેકેજ: ખંડેરમાં ખાંડવી, બંકરમાં બટાટાવડાં

- અગડમ્ બગડમ્-બાબા આદમ
- હોર્મુઝની ખાડીમાં ઓઈલ ટેન્કર પર ડિનરમાં ડ્રોનથી દાળ ઢોકળી ડિલીવર થશે
'પર્યટનપ્રેમી ગુજરાતી જનતા માટે ખાસ મોકો. દોડો...દોડો... ભાળ્યું ન હોય તેવું ફૂડ, ધાર્યાં ન હોય તેવાં વાહનનું ખાસ ડિસ્કાઉન્ટ પેકેજ ઝડપી લો.'
શટલ રીક્ષાઓ પર 'ડોનાલ્ડ ટૂર ઓપરેટર'ની આવી જાહેરાતો જોઈ અઠંગ પર્યટક ફરતાલાલ તરત દોડયા. 'બોસ, આ તમે પેકેજની જાહેરાત મૂકી છ ે એ વિએટનામની તો નથીને? મેં સાંભળ્યું છે કે આજકાલ કેવડિયા અને કચ્છના રણના પેકેજ કરતાં પણ વિએટનામનાં પેકેજ સસ્તાં થઈ ગયાં છે.'
'અરે સર, વિએટનામ તો હવે વેળાવદરના અભ્યારણ જેવું કોમન થઈ ગયું છે. વિશ્વપ્રવાસી ગુજરાતી પ્રજા માટે આ વખતે અમે લાવ્યા છીએ ખાસ વર્લ્ડ વોર ટૂર પેકેજ. ૮૦ વર્ષે માંડ વિશ્વયુદ્ધ આવ્યું છે તો આ મોકા પર ફરવા ન જાય એ ગુજરાતી ન હોય.'
ફરતાલાલને ઈરાન અને ઈઝરાયેલના તોપચી જેવું જોશ ચઢી ગયું.' હેં ? હા, વાત તો સાચી, પણ આ બધી ફલાઈટો તો ધડાધડ બંધ થઈ રહી છે. તો આવા ટાઈમે ફરવા કેમનું જવું?'
ટૂર ઓપરેટર મોસાદ કે સીઆઈએનો એજન્ટ સાંભળી ન શકે તેટલા ઝીણા સ્વરે ફરતાલાલને કહ્યું, 'અરે યાર, સમજો. આપણું ઈરાન અને ઈઝરાયેલની આર્મી સાથે પણ સેટિંગ છે. અમે તમને એ લોકોના એર ફોર્સ ના પ્લેનમાં બેસાડીશું. થોડુંક હાયર પેકેજ લેશો તો એકાદો બોમ્બ તમારી વાઇફના હાથે પણ ફેંકાવી દઈશું. મસ્ત બોમ્બ નાખતી સેલ્ફી આવશે.'
'એય ના... ના...! વાઇફ મેણા ટોણા ઝીંકે રાખે એ જ બહુ છે. એના કરતાં કોઈ ઓછા ભાવ નું પેકેજ દેખાડો.'
'વાહ સાહેબ, તમ ે તો દુનિયાભરના આર્મીઓના મોટા અધિકારીઓ જેવા જ સ્માર્ટ નીકળ્યા. એ બધા પણ હવે મોટા મોટા બોમ્બ ઝીંકવા જાયન્ટ પ્લેનો ઉડાડવાને બદલે ફક્ત ડ્રોન કે મિસાઈલથી જ પતાવે છે. અમારી પાસે એક એકથી શાનદાર અફલાતૂન પેકેજ છે. અમે તમને ફૂટી ગયેલી મિસાઇલ પાસે ફાફડા અને બંકરમાં બટેટાવડા નો નાસ્તો કરાવીશું. હોર્મુઝ ની ખાડીમાં ઓઈલ ટેન્કર પર તમારું ડિનર હશે, જેમાં અમે તમને સણસણતા તીર ની જેમ આવતાં ડ્રોનમાં દાળ ઢોકળી ડિલીવરી કરીશું. લંચમાં અમે તમને મિસાઈલમારાથી ખંડેર બની ગયેલી સ્કૂલમાં ખાંડવી ખવડાવીશું.'
ફરતાલાલે યુક્રેન પર ઝીંકાતાં રશિયન મિસાઈલની સ્પીડે મોબાઈલથી જ ડોનાલ્ડ ટૂર ઓપરેટરના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દીધા. એમના મોબાઈલ પર બે નોટિફિકેશન આવ્યાં. એક તો, પૈસા ટ્રાન્સફર થયાનું નોટિફિકેશન હતું અને બીજું , એવા ન્યુઝનું નોટિફિકેશન હતું કે હાલ યુદ્ધમાં સીઝ ફાયર થઈ ગયું છે. ફરતાલાલ ફરી ઈઝરાયેલે રોકેટ છોડતાં ભડકેલા અમેરિકાના પ્રમુખની જેમ ભડક્યા. એમણે પેલા ટૂર ઓપરેટર નો કાંઠલો જ પકડયો. 'લાવ મારા પૈસા પાછા. આ યુદ્ધ તો પતી ગયું.'
ટૂર ઓપરેટર પોતાનો કાંઠલો છોડાવતા કહે, ' ધરપત રાખા ે સર, અમારું નામ ડોનાલ્ડ ટૂર ઓપરેટર છે. બિઝનેસ ચાલુ રાખવા અમે ગમે તેના વચ્ચે ગમે ત્યાં નવું યુદ્ધ ચાલુ પણ કરાવી શકીએ છીએ. તમારા પૈસા એળે નહીં જાય. મનોરંજન પૂરું મળશે.'
આ સાંભળી ફરતાલાલે જાહેરાત વગરનું સીઝ ફાયર કરી નાખ્યું.
આદમનું અડપલું
કોઈ મહેસાણા આણંદના વિઝા એજન્ટો અને ટ્રમ્પ તંત્ર વચ્ચે પણ સીઝફાયર કરાવો... જલ્દી!








