ક્યોં કિ મૈં ભી કભી મંત્રી થી... સિરીયલના શૂટિંગનો સીન

- અગડમ્ બગડમ્-બાબા આદમ
- આ સિક્યોરિટી તમારા માટે જ છે, તમારી ઓવરએક્ટિંગ જોઈને સેટ પર કોઈ ભડકે તો કાબુમાં લેવા માટે
'ક્યોં કિ મૈં ભી કભી મંત્રી થી..' સિરીયલનું શૂટિંગ હજુ તો શરુ થાય તે પહેલાં સાયરન વાગવા માંડયું. ભૂતપૂર્વ મિનિસ્ટર મેડમ રાજી થયાં. 'વાહ, અહીં પણ મારા માટે સાયરનવાળી ગાડી મગાવી છે?'
આસિસ્ટન્ટ ડિરેક્ટર કહે, 'મેડમ, તમે તો હવે ભૂતપૂર્વ મંત્રી છો, બહુ વહેમમાં ન રહેતાં. આ તો આપણા સેટ પરના સ્વિપરના મોબાઈલની રિંગ ટોન છે. '
મેડમ ખોટું ન લાગ્યું હોવાની એક્ટિંગ કરતાં સેટ પર એક ખુણામાં હારનો ઢગલો જોઈને કહે, 'આ આટલા બધા હાર કેમ મગાવ્યા? મિનિસ્ટર તરીકે મેં તો નિયમ બનાવ્યો હતો કે મારું સ્વાગત સુત્તરની આંટી પહેરાવીને જ કરવું.'
આસિસ્ટન્ટ ડિરેક્ટર કહે, 'મેડમ, એ તો તમારે આજે ડેથ સીન કરવાનો છે ને એટલે. સેટ પર બધાને પિન ડ્રોપ સાયલન્સ રાખવા કહ્યું છે જેથી તમને મોતની એક્ટિંગ કરવામાં ડિસ્ટર્બન્સ ન આવે.'
મેડમ હસતાં હસતાં ક હે, 'અરે ચિંતા ન કરો. મને સરકારી તંત્રમાં કામ કરવાની ટેવ છે. જનતા આતર્નાદ કરે તો પણ નિર્જીવ બનીને રહેવાની અમને પ્રેક્ટિસ છે.'
એટલી વારમાં બે-ચાર સિક્યોરિટીવાળા સેટ પર ફરતા દેખાયા. મેડમ કહે, 'જુઓ, હું તો જનતા વચ્ચે કામ કરવા ટેવાયેલી છું. મને એબીસીડીથી માંડીને ઝેડ સુધીની કોઈ પ્લસ-માઈનસ સિક્યોરિટીની જરુર નથી.'
આસિસ્ટન્ટ ડિરેક્ટર ડરતાં ડરતાં કહે, 'એ તો મેડમ, અમે તમને ચૂંટણી સભાઓમાં બહુ ઉશ્કેરાઈને ભાષણો કરતાં જોયાં છે. તમને અહીં સેટ પર એવી ઓવરએક્ટિંગ કરતાં જોઈ કોઈ ક્રૂ મેમ્બર ભડકી જઈને તમારા પર એટેક ન કરી બેસે, એટલે તમારા માટે જ આ સિક્યોરિટી બોલાવી છે.'
ત્યાં તો ડિરેક્ટર 'કટ... કટ...' ની બૂમો પાડવાની પ્રેક્ટિસ કરવા લાગ્યા. એ સાંભળીને મેડમ કહે, 'અરે...પહેલાં કાતર તો લાવો. પછી રિબિન કટ થાયને! હું એકાદુું ભાષણ પણ કરીશ.'
આસિસ્ટન્ટ ડિરેક્ટ કહે, 'મેડમ, ભાષણની જરુર નથી. પણ તમને બધા ડાયલોગ્સ યાદ છે ને? આપણા બહુ રિટેક થશે તો ખર્ચો વધી જશે. સેટ, લાઈટ્સ, કોસ્ચ્યુમ બધાના ભાડાંના પેમેન્ટ વધી જશે.'
મેડમ ખુશ થતાં કહે, 'તો તો સારું. એ લોકોને કહી દો કે હું જાણી જોઈને રિટેક કરાવીને ખર્ચો વધે એવું કરી આપીશ. પછી જે બિલ બને એમાં મારો ભાગ રાખવાનો...'
ડિરેક્ટરે 'પેક અપ..' ની બૂમ પાડી.
આદમનું અડપલું
એક મંત્રી માટે સોશિયલ મીડિયા રીલનું શૂટિંગ કરવા આવેલા ડિરેક્ટરે કહ્યું, 'લાઈટ... કેમેરા... એક્શન..'
મંત્રી કહે, 'સોરી, એક્શન શબ્દ અમારી ડિક્શનરીમાં જ નથી.'








