વિશ્વ શાંતિ માટે ટ્રમ્પને ગરબા રમવા બોલાવો

- અગડમ્ બગડમ્-બાબા આદમ
- પુતિન અને ઝેલેન્સ્કી મિસાઈલો છોડવાને બદલે દાંડિયા ટકરાવે, જિનપિંગ ઢોલ વગાડે
વિદેશ ખાતામાં અધિકારીઓ ભેગા થયા.
એક અધિકારી કહે, 'જુઓ, હવે વિદેશ નીતિ એ જ ઈવેન્ટ મેનેજમેન્ટ છે અને ઈવેન્ટ મેનેજમેન્ટ એ જ વિદેશ નીતિ છે તો આપણે પણ ગરબાની એક ઈવેન્ટ ગોઠવી જ કાઢીએ.'
બીજા અધિકારી હર્ષથી ઉછળી પડયા. 'વ્હોટ એન આઇડિયા સરજી...આપણે દુનિયાને દેખાડી દઈેશુું કે ગરબો તો બ્રહ્માંડનું પ્રતીક છે. નવરાત્રિના રાસ તો સૂર્ય ફરતે રાસ લેતા નવ ગ્રહોનું પ્રતીક છે. આવી બધી વાતો કરીએ એટલે વિદેશના ટોચના વડાઓ પણ આપણાથી અંજાઈ જાય છે. '
પેલા અધિકારી કહે, 'પણ, તમે અંજાઈ જવાની ઉતાવળ કરતાં પહેલાં મારી આખી પ્રપોઝલ સાંભળો. મારો વિચાર છે કે આ વખતે આપણે વિશ્વ શાંતિ માટે ડોનાલ્ડ ટ્રમ્પને અમદાવાદમાં ગરબા રમવા બોલાવીએ. અત્યારે ઓલરેડી બહુ વધારે પડતું ઘૂમી ચૂકેલું ટ્રમ્પનું મગજ ગરબે જોર જોરથી ઘૂમવાને કારણે પાછું હરીફરીને ઠેકાણે આવી જશે અને એટલે આપોઆપ વિશ્વશાંતિ છવાઈ જશે.'
ત્રીજા અધિકારી કહે, 'ટ્રમ્પ તો અમદાવાદના સ્ટેડિયમના ખુણેખુણાના જાણકાર છે. એમને ત્યાં બધું પરિચિત જ લાગશે.'
બીજા અધિકારી કહે, 'ટ્રમ્પને બધું પરિચિત લાગે એ માટે અમેરિકામાં જ ગરબા ન ગોઠવીએ. ત્યાં પણ હવે તો સેંકડો ગરબા ઈવેન્ટ થાય છે. 'ચોથા અધિકારી વચ્ચે કૂદી પડયા. 'ના, ના. એવું જોખમ લેવાય જ નહિ. ત્યાં તો ટ્રમ્પ ગરબામાં પાસને બદલે વિઝા ચેક કરાવે ને ભલું પૂછવુું ,ગરબા રમવા આવેલાને ચણિયા ચોળી અને કેડિયામાં ભારત ડિપોર્ટ કરી દે. '
પાંચમા અધિકારી કહે, 'આપણો ગરબો ગ્લોબલ લેવલે પહોંચ્યો છે ,પણ હવે ગ્લોબલ લેવલને ગરબા સુધી લાવીએ. એકલા ટ્રમ્પને જ નહિ વિશ્વના બધા નેતાઓને સહિયારો રાસ રમવા બોલાવીએ. પેલા પુટિન અને ઝેલેન્સ્કી સામસામે મિસાઈલો છોડવાને બદલે અહીં એકબીજા સામે દાંડિયા ટકરાવશે. જિનપિંગને તો ે સામેથી કહેડાવશે કે ઢોલ વગાડવાનું મને સોંપજો. મને આમેય મોટા મોટા ઢોલ વગાડતાં સારું ફાવે છે. અમેરિકા જો જગત જમાદાર હોય તો ઈઝરાયેલ વર્લ્ડનો બાઉન્સર છે એટલે આ ગ્લોબલ ઈવેન્ટમાં નેતાન્યહુને બાઉન્સરનું કામ સોંપી દેશું. આ બધા નેતાઓ ગરબા રમવા મેદાનમાં ઉતરશે તો એમના જૂતાં ચંપલ સાચવવા માટે પાકિસ્તાનના શેહબાઝ શરીફને આપી દેઈશું . આમેય પાકિસ્તાનીઓ આખી દુનિયાના ચંપલ ખાવા ટેવાયેલા છે એટલે તેઓ એકેએકના ચંપલને સારી રીતે ઓળખશે.'
એક દોઢડાહ્યા અધિકારીએ શંકા વ્યક્ત કરી.'પણ, આ નેતાઓને દોઢિયું કે તીન તાલ કે રમઝણિયું રમતાં જ નહિ આવડે તો ? ફિયાસ્કો નહિ થાય ? '
પેલા અધિકારી ગંભીરતાથી કહે, 'દોસ્ત, ત્યારે તમને ખબર નથી. વિદેશ નીતિ હોય કે ગરબા ગ્રાઉન્ડ....બંનેમાં ફોટા સારા આવે તો પછી પરફોર્મન્સની ચિંતા કોઈ કરતું નથી.'
સૌ અધિકારીઓ તાળી પાડી ઉઠયા.
આદમનું અડપલું
પૈસા આપી આરતી ઉતારવાનો લ્હાવો સરકારી રાહે પણ મળે છે, સરકાર એને ઈલેક્ટોરલ બોન્ડ કહે છે!








