મંત્રીઓ જેલમાં રહે તો ફાયદા જ ફાયદા

- અગડમ્ બગડમ્-બાબા આદમ
- ઉદ્ધઘાટનો માટે રાહ જોવી મટશે, સિક્યોરિટીનો ખર્ચો પણ બચશે
કેદી ૧: લ્યા, નવો કાયદો આવ્યો છે. ૩૦ દિવસ જેલમાં રહેશે એ પ્રધાનની ખુરશી જશે.
કેદી ૨: બરાબર છે. પ્રધાન જેવા પ્રધાન હોય તો પણ કેસ થાય ને જેલમાં પણ રહેવું પડે એ પ્રધાન જ નકામા ગણાય એની ખુરશી જવી જ જોઈએ. પ્રધાન ખુરશી પર હોય તો એની સામે તો શું, એના સાળાના સાઢુભાઈના ભત્રીજાના મામાના બનેવીની દોહિત્રીના કાકીના પૌત્રના જમાઈના પટાવાળા સામે પણ કેસ ન થાય.
કેદી ૩: આ પણ ખરું છે. સજા પામ્યા પછી જેલમાં આવવાને બદલે જેલમાં આવ્યા એટલે ખુરશી ગુમાવવી પડશે એ જ મોટી સજા થઈ જશે.
કેદી ૪: મારી દ્રષ્ટિએ તો જેલમાં રહેલા પ્રધાનની ખુરશી ઝૂંટવી લેવી એ સંપૂર્ણપણે રાષ્ટ્રવિરોધી અને પ્રજાદ્રોહી કૃત્ય છે.
કેદી ૫: મળી ગયો... મળી ગયો... આપણી જેલમાં વિપક્ષની ફૂટેલી કારતૂસ મળી ગયો. કરો, જેલરને ફરિયાદ.
કેદી ૬: યાર, ખરું છે. સરકાર વિપક્ષોને જેલભેગા કરવા માગે છે. અહીં તો જેલમાંથી જ વિપક્ષ પેદા થયો.
કેદી ૪: અરે ભાઈ, મારી વાત તો બરાબર સાંભળો. યાર, મૂળ મુદ્દો એ છે કે પ્રધાનો જેટલો ટાઈમ જેલમાં રહે એમાં ફાયદો જ ફાયદો છે. પબ્લિકે તો એવી ડિમાન્ડ કરવી જોઈએ કે પ્રધાનોને ભલે ગમે તેટલો ટાઈમ જેલમાં જ રાખો, પણ એમની ખુરશી ન ઝૂંટવો. અન્ડરવર્લ્ડના ડોન જેલમાંથી કારોબાર ચલાવતા હોય એમ પ્રધાન જેલમાંથી સરકાર ચલાવે તો સરકારી તંત્ર પર એટલો બોજો ઘટશે.
કેદી ૧: ક્યાંથી બોજો ઘટે ભાઈ? આ કિસ્સામાં તો પ્રધાનોને જેલમાં સરકારી ખર્ચે સાચા અર્થમાં વીવીઆઈપી સગવડો આપવી પડશે. ને આ સગવડો આપવામાં તો જેલરસાહેબને પાઈ પૈસાની પણ આવક નહીં થાય.
કેદી ૪: સમજો યાર, પ્રધાનો જેલમાં ને જેલમાં જ રહે તો એમની સિક્યોરિટીનો સરકારનો કેટલો ખર્ચો કેટલો ઘટી જાય. ૨૦-૨૦ ગાડીઓનો કાફલો સાયરનો વગાડતો નીકળે ને બધે ટ્રાફિક બ્લોક કરાવે એ મગજમારી જ બંધ થઈ જાય. પ્રધાનોએ જેલમાં જ રહેવાનું હોય એટલે બાંકડાંનું કે ઓટલાનું પણ ઉદ્ધઘાટન કરવા કોઈ બોલાવે નહીં. મહિનાઓથી ટાંકી તૈયાર હોય ને ખાલી ઉદ્ધઘાટનના વાંકે જ કોરી હોય એવું થાય નહીં.છાશવારે, વારતહેવારે , નાના મોટા સમારંભોમાં આ લોકો ભાષણો ઝીંકવા જ માંડે છે એ ત્રાસ પણ બંધ થાય. પ્રધાનશ્રી જેલમાં બંધ હોય એટલે કોઈ વચેટિયાઓ તેમની પાસે ફાઈલો ક્લિયર કરાવવા જવાના પણ નહીં. જેલમાંથી એમને સોશિયલ મીડિયા પણ એક્સેસ કરવા નહીં દેવાનું એટલે ફાલતુ અભિનંદનો અને શુભેચ્છાઓ અને કામગીરીની પોસ્ટસ પણ એટલી ઘટશે.
કેદી ૧: બીજા પ્રધાનો જેલમાં આવે કે ન આવે પણ તને વહેલી તકે જેલમાંથી બહાર કાઢી પોલિટિક્સમાં મોકલી દેવો પડશે...
કેદી ૪: ના,ના... હું તો પબ્લિકના ફાયદાની વાત કરું છું. એટલે પોલિટિક્સમાં નહીં ચાલું...
આ વાત પર બધા કેદી હસી પડયા.
આદમનું અડપલું
સસ્તો અને સુરક્ષિત આઇડિયા: રાજ્યસભા જેવી ચૂંટણી ટાણે ધારાસભ્યોને રિસોર્ટને બદલે કોઈ જેલમાં જ ખસેડી દેવા જોઈએ.









