ઈન્ટરનેશનલ યોગ ડેઃ ટ્રમ્પની ડિમાન્ડ - શરણાસન

- અગડમ્ બગડમ્-બાબા આદમ
- નેતાન્યહુ સતત યુદ્ધાસનની અને જિનપિંગ હંમેશાં દગાસનની મુદ્રામાં હોય છે
ધારો કે આ વખતે વિશ્વના જુદા જુદા દેશોનાં સર્વોચ્ચ આસનો પર બિરાજતા નેતાઓ ખરેખર ઈન્ટરનેશનલ યોગ ડેમાં રસ લેવા માંડે અને પોતપોતાની રીતે નવાં નવાં આસનો ઈન્વેન્ટ કરવા કે અજમાવવા માંડે તો તે આસનકયાં કયાં હોય તેની કલ્પના કરવા જેવી છે.
નેતાન્યહુનું યુદ્ધાસનઃ ઈઝરાયેલના આ નેતા જ્યારે જુઓ ત્યારે યુદ્ધ મોડમાં જ હોય છે. કાં લડ અથવા તો લડનાર દે એ તેમનું સૂત્ર છે. તેઓ પોતે સતત યુદ્ધાસનના અભ્યાસમાં વ્યસ્ત હોવાનું જાહેર કરી શકે છે.
દગાસનઃ આ આસન મૂળભૂત રીતે કોણે શોધ્યું તે બાબતે પાકિસ્તાન અને ચીનના શાસકો વચ્ચે ઝઘડો થઈ શકે છે. છેવટે ચીન જાહેર કરશે કે અમે ભલે દુનિયાભરના માલની નકલ કરતા હોઈએ, પરંતુ દગો એ અમારો ઓરિજિનલ સ્વભાવ છે. દગા પર અમારો કોપીરાઈટ છે. અમે દુનિયાભરમાં છાશવારે આ આસન અજમાવતા રહીશું.
નફફ્ટાસનઃ આ આસન પર પણ પાકિસ્તાન પોતાનો ક્લેઈમ કરી શકે છે. જોકે, વ્લાદિમિર પુટિન પાકિસ્તાનને નહી ગાંઠે. પુટિન વિશ્વમતની પરવા કર્યા વિના મનમાં આવે તેમ કરે રાખે છે. દુનિયા ગમે તે કહે તેની આ માણસને પરવા નથી. પાકિસ્તાને નફ્ફટાસન પણ રશિયાને શરણ ધરી દેવા સિવાય કોઈ છૂટકો નથી.
મોહભંગાસન ઃ આ આસન પર પણ એકથી વધુ દેશો ક્લેઈમ કરી શકે છે. જોકે, આખી દુનિયાએ એક થઈને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીને આ આસન સામે ચાલીને આપી દેવું જોઈએ. બિચારાને નાટોની આખી મંડળીએ પણ હોકલા પડકારા કરીને રશિયા સામે ભેરવી દીધા, પણ હવે આટલાં વર્ષથી તેમનો સાથ કોઈ આપતું નથી.
શરણાસનઃ આમ તો દુનિયામાં કોઈ કોઈને શરણે આવવા માગતું નથી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે કે દુનિયાભરના દેશો તેમના કહ્યા પ્રમાણે શરીર વાળે, ઝૂકે, જમીન પર પેટના બળે સુઈ જાય, આળોટે અને હાથ પણ જોડે. ટ્રમ્પની આ ડિમાન્ડ જોતાં તેઓ શરણાસરનના પ્રમોટર તરીકે હક્કદાર બને છે.
પુરસ્કારાસનઃ ટ્રમ્પ કાંઈ એકાદ આસનથી બેસી રહે તેમ નથી. તેઓ વિશ્વશાંતિનો પુરસ્કાર લેવાની પણ હોડમાં છે. જો નોબેલ કમિટી ટ્રમ્પની ઈચ્છા નહીં સંતોષે તો ટ્રમ્પ પોતાનો જ કોઈ સુપર શાંતિ પુરસ્કાર જાહેર કરી પોતાને ને પોતાને જ આપી દે તેવી ભારોભાર શક્યતા છે.
ટ્રમ્પાસનઃ આ આસન ટ્રમ્પનું પોતાનું નથી, પરંતુ ભવિષ્યમાં જે પણ દેશના વડા મોટી મોટી ડંફાશ મારે, પોતાના જ દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડે, ચારેબાજુ દુશ્મનો ઊભા કરે, ચૂંટાયાના ગણતરીના મહિનાઓમાં જ પોતાની લોકપ્રિયતા ખોઈ બેસે, પળભરમાં જૂના દોસ્તોને તથા મદદગારોને પણ દુશ્મન બનાવી દે કે તેમનું અહિત કરે તેવા કોઈ પણ નેતાને તેઓ ટ્રમ્પાસન કરી રહ્યા છે તેમ કહી શકાશે.
આદમનું અડપલું
આપણા દેશની પ્રજાને તો બે આસન માફક આવી ગયા છે - સહનાસન અને નિંદ્રાસન...કોઈ ટેન્શન જ નથી!








