નેતા પાર્ટી બદલે એને કહેવાય અસલી વોટ ચોરી .

- અગડમ્ બગડમ્- બાબા આદમ
- સમજાવો, વોટ ચોરી એ પાપ છે કે સિદ્ધાંત
સીઆઈએ અધિકારી: વેલકમ યુ ઓલ. વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં વોટ ચોરીનો મામલો સામે આવ્યો છે અને આપણે બધાએ ભેગા મળીને તેની તપાસ કરવાની છે.
કેજીબી અધિકારી: હેં ? પણ ભારત પાસે ઈડી, સીબીઆઈ, રો સહિતની બાહોશ એજન્સીઓ છે તો પછી આપણા દ્વારા તપાસની જરુર શું પડી?
મોસાદ અધિકારી: ડિઅર, આપણા જેવી વિશ્વ મહાસત્તાઓનો ઊસુલ છે. કોઈ દેશ આપણને એના મામલામાં માથું મારવા બોલાવે કે ન બોલાવે, આપણે ઝંપલાવી જ દેવાનું.
સીઆઈએ : અમારો તો એવો નિયમ છે કે કોઈ દેશમા ંકોઈ મામલો ઉભો ન થતો હોય તો પહેલાં ઉભો કરવાનો અને પછી તેમાં ઝંપલાવી દેવાનું.
મોસાદ: અને આમ પણ ઈન્ડિયાની સીબીઆઈ અને ઈડી પાસે પહેલેથી વિપક્ષોનો બહુ વર્કલોડ છે.
કેજીબી: અમારા જેવું જ રાખવુું જોઈએ. વિપક્ષ કેવો ને વાત કેવી. કોઈ વિપક્ષ-ફિપક્ષ જેવું દેખાય તો પતાવી જ દેવાના.
સીઆઈએ: ભારતમાં સિદ્ધાંત છે કે આપણે પાપને મારવાનું છે, પાપીને નહિ.
કેજીબી : પાપ? એ વળી શું?
મોસાદ : સિદ્ધાંત? એ વળી શું?
સીઆઈએ: કહેવાનો મતલબ એ છે કે ભારતમાં વિપક્ષના નેતાઓને પોતાની સાથે લઈને વિપક્ષને નાબૂદ કરવામાં આવે છે. પછી એ નેતા પાપી નથી રહેતા પણ રાતોરાત સિદ્ધાંતવાદી બની જાય છે.
મોસાદ: બહુ અઘરું પેપર છે ભાઈ, જરા સિમ્પલ રીતે સમજાવો.
સીઆઈએ: જુઓ, વોટ ચોરીનો મહારાષ્ટ્રનો સાદો દાખલો આપું. પહેલાં ત્યાંના મતદારો ભાજપ અને શિવસેનાને વોટ આપતા હતા અને એ બધા એનસીપી અને કોંગ્રેસની વિરુદ્ધ હતા. પછી પરિસ્થિતિ એવી આવી કે ભાજપવાળાએ જ શિવસેનાના એ નેતાઓ વિરુદ્ધ મત આપવા પડયા જેની તરફેણમાં તેઓ આપતા હતા અને કોંગ્રેસ વાળાઓએ એ જ શિવસેના માટે મત આપવા પડયા જેની તેઓ એક સમયે વિરુદ્ધ હતા. એનસીપીવાળાઓએ તેમના જેવી જ બીજી એનસીપીના નેતાઓ વિરુદ્ધ મત આપવા પડયા જે એક સમયે તેમની સાથે હતા. શિવસેનાવાળાઓએ....
કેજીબી: ભલા માણસ..હથોડો મારો માથે. પાર આવે. .
સીઆઈએ: કાંઈ પાર આવે એમ નથી ભાઈ. ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્ય હોય એ એનો વર્તમાન છે તો તેઓ ભાજપના ધારાસભ્ય હશે એ તેમનું ભવિષ્ય હશે.
મોસાદ: શટ અપ..શટ અપ.વોટ ચોરીની તપાસની વાત કરો.
સીઆઈએ: અરે યાર, તમે લોકો ન સમજ્યા. ભારતમાં નેતાઓ પાર્ટી બદલી નાખે છે એ જ અસલ વોટ ચોરી છે. પબ્લિકને ખબર જ નથી પડતી કે તેમણે પોતાનો મત કોને શા માટે આપ્યો હતો અનેે છેવટે એ મત ક્યાં ગયો.
ઈતિહાસમાં પહેલીવાર મોસાદ અને કેજીબીવાળા હાથ મિલાવીને ભાગ્યા...
આદમનું અડપલું
આ ચોમાસામાં ક્યાંય ખાડો નડે એટલે સમજી લેવાનું કે તમે વોટ આપ્યો નથી પણ ખોટું બોલીને તમારી પાસેથી ચોરી લેવામાં આવ્યો છે.









