નહીં રમીને ઉપકાર કરનારાઓને 'ખેલદિલ ખેલૈયા એવોર્ડ

- અગડમ્ બગડમ્-બાબા આદમ
- કેડિયું ને સાફામા કેટલાક તો ગુજરાતી થાળીની હોટલના વેઈટર લાગે છે
નવરાત્રિના આયોજન માટે સોસાયટીમાં મીટિંગ ચાલુ થઈ.
સેક્રેટરીઃ સભ્યજનો...આ વખતે સોસાયટીએ નવરાત્રિએ જરા નવા પ્રકારના એવોર્ડ આપવાનું નક્કી કર્યું છે.
સભ્ય ૧ઃ ગયા વખતે લ્હાણીમાં સાવ ફાલતુ પતરાંની ટ્રોફી પકડાવી હતી તે દિવાળીની સફાઈ વખતે જ ભંગારમાં કાઢવી પડી હતી. એને સારી ફૂડ આઈટમ આપો.
સભ્ય ૨: લ્યા, નવરાત્રિમાં ખાવા આવો છો કે ભક્તિ કરવા? દર વખતે નાસ્તાના જ ઝઘડા થાય છે. આ વખતે ધાર્મિક આયોજન કરી સામૂહિક ઉપવાસ જ ગોઠવો.
પ્રમુખ: લ્યા, અત્યારે મીટિંગ પછી ચા-બિસ્કિટ રાખ્યાં જ છે. એટલે તકરારો રહેવા દો. પહેલાં સાંભળી તો લો કે કયા નવા પ્રકારના એવોર્ડ છે? ભાઈ સેક્રેટરી, તું તારે આગળ ચલાવ.
સેક્રેટરી: હા તો સભ્યજનો, આ વખતે સોસાયટીએ કૃતજ્ઞા બનીને કેટલાક એવોર્ડ આપવાનું નક્કી કર્યુું છે. દર નવરાત્રિએ કેટલાક લોકો રમતાં ન આવડતું હોય તેમ છતાં સર્કલમાં ઘૂસી જાય છે. તેમની અંગભંગિમા અને ભાવભંગિમા જ એવાં હોય છે કે એમને રમતાં જોઈ બીજા ૪૦ જણાને ચક્કર ચઢે. કેટલાક તો સોસાયટીના જૂના ઝઘડાની અદાવત રાખીને બીજા સભ્યોને દાંડિયા ફટકારવા જ આવ્યા હોય તેમ રમે છે. તેને બદલે આ વખતે જો કોઈ વ્યક્તિ પોતાને રમતાં નથી જ આવડતું એમ કહી ગ્રાઉન્ડમાંથી સ્વૈચ્છિક ગેરહાજર રહેશે તેમને 'ખેલદિલ ખેલૈયા એવોર્ડ ' આપીશું.
ગણગણાટ શરુ થયો ત્યાં પ્રમુખે દોર સંભાળ્યો.
'જુઓ, દર નવરાત્રિ વખતે આપણી સોસાયટીનાં અમુક કાકીઓ, માજીઓ, મામાઓ 'હું તો ગાઈશ જ ' એવાં ઝનૂન સાથે આખું સ્ટેજ માથે લે છે. તેને બદલે આ વખતે સ્વેચ્છાએ માઈકત્યાગ કરનારને 'કર્ણપ્રિય એવોર્ડ'થી નવાજવામાં આવશે.
આ વાતે મીટિંગમાં બૂમાબૂમ મચી ગઈ. ભારે ધમાલ વચ્ચે સેક્રેટરી જોર જોરથી બોલવા માંડયા, 'હજુ એક એવોર્ડ સાંભળી લો. એક વહેમ એવો છે કે ટ્રેડિશનલ ડ્રેસમાં દરેક નર કે નારી બ્યૂટીફૂલ જ લાગે. પણ કેડિયું ને સાફામાં બધા કાંઈ પ્રિન્સ ચાર્મિંગ લાગતા નથી. કેટલાક તો ગુજરાતી થાળીની હોટલના વેઈટર જેવા લાગે છે. કેટલીક બહેનો ચણિયાચોળી પહેરીને ગોળ ગોળ ઘૂમે છે ત્યારે ગામડાંના મેળામાં જોવા મળતા પેલા ઘોડાવાળા ચકડોળનો માંડવો ફરતો હોય એવું લાગે છે. એટલે આ વખતે નક્કી કરીએ છીએ કે પોતાને ટ્રેડિશનલ નહિ જ શોભે તેવી અટલ ખાતરી સાથે સાદા પેન્ટ શર્ટ કે સામાન્ય સાડીમાં જ આવનારા સભ્યજનોને 'સિમ્પલ હ્યુમન ઓફ ધી યર એવોર્ડ' આપીશું.
'સોસાયટી મીટિંગમાં ઉત્પાત નહિ મચાવનારાઓને કોઈ એવોર્ડ ખરો?' અત્યાર સુધી શાંત બેસી રહેલા એક વડીલે આવો સવાલ કર્યો તે સાથે પેલા બૂમો પાડનારાઓએ ઊભા થઈ ખુરશીઓ ફેંકવા માંડી. સેક્રેટરી અને પ્રમુખ ભાગ્યા.
આદમનું અડપલું
નવરાત્રિમાં ફક્ત પરંપરાગત વાદ્ય પર ગરબા રમાડનાર નોબેલ શાંતિ પુરસ્કાર માટે અરજી કરી શકે!








