Editorial

સ્કૂલ સેલેબસમાં ઈન્સ્ટા રીલ, શેર ટ્રેડિંગનો કોર્સ શરૂ કરો

By GS TEAM
19 Jun 20253 mins read
સ્કૂલ સેલેબસમાં ઈન્સ્ટા રીલ, શેર ટ્રેડિંગનો કોર્સ શરૂ કરો

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- હિંદી તો ફિલ્મો જોઈને આવડી જાય, ઇતિહાસ માટે વ્હોટસએપ છે જ

સ્કૂલનું નવુું સત્ર શરુ થવા ટાણે  સંચાલકો, આચાર્ય, શિક્ષકો એકઠા થયા. 

સંચાલક ૧: આ વખતે નવા સત્રમાં આપણે કાંઈક નવું કરવું છે. 

એડમિનિસ્ટ્રેટર:  સર, ઘણું નવું કર્યું જ છે. ફીમાં ૧૫ ટકાનો વધારો કરી દીધો છે. યુનિફોર્મ, શુઝ, રેઈનકોટ માટે નવા  સ્ટોર સાથે કોન્ટ્રાક્ટ સાઈન કરી દીધો છે. સ્કૂલમાં આખું વર્ષ ઈવેન્ટસ યોજવા માટે નવી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની પણ નક્કી કરી દીધી છે. 

પ્રિન્સિપાલ: સર, ગણિત, હિંદી, ઈતિહાસના નવા ટીચરની જરુર છે. એમાં કાંઈ થઈ શકે તો. 

સંચાલક ૨ : હવે, તો મોબાઈલમાં કેલક્યુલેટર આવે છે, ગણિત ટીચરની ક્યાં જરુર છે? હિંદી તો આપણે બધા પણ ફિલ્મો જોઈને જ શીખ્યા છીએને. અને ઈતિહાસ માટે તો વ્હોટસએપ યુનિવર્સિટી છે જ. 

એડમિનિસ્ટ્રેટ ર: સર, નવા ટીચર લાવીએને. ઝુમ્બા ડાન્સ ટીચર,  ડીજે સિસ્ટમ ટીચર, ટ્રેકિંગ ટીચર....

સિનિયર ટીચર: ટ્રેકિંગ? બાળકોેને  ટ્રેકિંગ માટે બહાર કોઈ ડુંગર પર મોકલંેીશું? સેફ્ટીના ઈશ્યૂ આવશે. હવે તો બોટિંગનું પણ નામ લેવાય તેમ નથી.  

સંચાલક ૨: અરે સમજો.  મારા એક ઓળખીતાના દીકરાએ ટ્રેકિંગનું નવું ચાલુ કર્યું  છે. તેની સાથે કોન્ટ્રાક્ટ કરી લઈશું.એનેય  ધંધો મળે ને વાલીઓને એક્ટિવિટી મળે. સેફ્ટી માટે તો આપણે કન્સેન્ટ ફોર્મ પર સહી કરાવી લઈશું. ક્યાં ચિંતા છે?

સંચાલક ૧: જુઓ, આ ડાન્સ ટીચર ને ટ્રેકિંગ ટીચર ને એ બધું જૂનું થઈ ગયું. હવે તો ગામડાગામની સ્કૂલોમાં પણ આવી બધી એક્ટિવિટી આપે છે. આપણે કાંઈક એસ્ક્લુઝિવ  લાવીએ. કોઈ નવા આઇડિયા આપો.

ન્યૂ જોઈની ટીચર: સર, અમને લોકોને પણ સ્કૂલમાં આ ગણિત,વિજ્ઞાાન, ભૂગોળ ભણવાનું બધું બોરિંગ લાગતું હતું અને એકચ્યુઅલ લાઈફમાં તો એનો કોઈ ઉપયોગ પણ નથી. એને બદલે એવું કાંઈક લાવીએ જે બાળકોને ખરેખર કામ આવે.જેમકે, ઈન્સ્ટા રીલ બનાવતાં શીખવાડીએ. આજકાલ કોઈપણ પ્રસંગ,કોઈપણ પ્રવાસ ,કોઈપણ એક્ટિવિટી ઈન્સ્ટારીલ વિના અધૂરી છે. બાળકો કંઈ નહીં તો રીલ બનાવીને પૈસા કમાશે. પૈસા નહીં મળે તો છેવટે પોતાનું અને બીજા લોકોનું મનોરંજન કરશે. 

ટીચર ૨: સર, પૈસા કમાવા પરથી યાદ આવ્યું.  બાળકોને અત્યારથી સ્ટોક ટ્રેડિંગ પણ શીખવાડવા માંડીએ.અચ્છા અચ્છા લોકો પોતાના નોકરી ધંધા બાજુુ પર રાખીને આમાં લાગ્યા છે, સર. બાળકોએ છેવટે મોટા થઈને પૈસા જ કમાવાના છે ને. આમાં તો વાલીઓ પણ હોંશે હોંશે સહકાર આપશે. 

ટીચર ૩: સર, બાળકોને લોકોનું મનોરંજન કરતા અને સાથે સાથે પૈસા કમાતાં જ શીખવાડવું હોય તો એક્ટિંગ શીખવાડીએ. આજકાલ એક્ટિંગમાં બહુ સ્કોપ છે. 

ટીચર ૪: સર, બાળકોને મનોરંજન, એક્ટિંગ, પૈસા કમાતાં બધું શીખવાડવું હોય તો પછી એમને નેતા બનવાની જ ટ્રેનિંગ આપી દઈએ.એકે હજારા. એક નેતા તો એકલા હાથે આ બધું કરી શકે છે.

સંચાલકે મીટિંગ બરખાસ્ત કરી દીધી.

- આદમનું અડપલું

 શાળાઓ અને સરકારોમાં શું સામ્ય છે? બંનેમાં મૂળ કામ કરતાં ઈવેન્ટ મેનેજમેન્ટ વધી પડયું છે