એક પ્લેન ગીત: પૈડું કૈ દા'ડાનું પઈડું પઈડું કરતું'તું

- અગડમ્ બગડમ્-બાબા આદમ
- સર-કારમાં પૈડાં નથી હોતાં, એટલે એ ચાલતી હોય તેવી ઘરઘરાટી થયા કરે પણ વાસ્તવમાં આગળ વધે જ નહીં
કંડલાથી મુંબઈ જતાં પ્લેનનું એક પૈડું કંડલા એરપોર્ટ પર જ પડી ગયું તે અગાઉ આ પૈડાંઓ વચ્ચે કેવું ચેટિંગ ચાલ્યું? સાંભળો:
પૈડું ૧ : મને તો આ પ્લેનની નોકરી બોરિંગ લાગે છે.
પૈડું ૨ : હે ચક્રસાથી, જગતની તમામ નોકરીઓ વત્તે ઓછે અંશે બોરિંગ જ હોય છે. ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી એ કહેવત અમથી નથી પડી.
પૈડું ૩ : બીજું બધું તો ઠીક, પણ આ ઉત્તમ ખેતીવાળી વાત હંબગ છે. આ આપણે આટલા ટાઈમથી દેશના એક ખૂણેથી બીજા ખૂણે આંટાફેરા કરીએ છીએ તો નજર સામે જોઈએ છીએ કે ખેતીની જમીનો ઘટતી જાય છે. તેની જગ્યાએ સુપર હાઈવે, નવી ટ્રેન લાઈનો, મોટા મોટા પ્રોજેક્ટ્સ બની રહ્યા છે, અને ખેડૂતો કાં તો આંદોલન કરે છે ને કાં તો આપઘાત.
પૈડું ૪ : દોસ્ત, આને જ કહેવાય વિકાસ.
પૈડું ૨ : એટલે? ખેડૂતો આંદોલન કે આપઘાત કરે તે વિકાસ છે?
પૈડું ૩ : જો ભાઈ, પ્લેન ઊંચું જાય તેમ આપણું મૂલ્ય શૂન્ય થઈ જાય તે રીતે નેતાઓ હવામાં અદ્ધર થાય એટલે તેમને મન ખેડૂૂતોનું મૂલ્ય શૂન્ય થઈ જાય.
પૈડું ૧ : ભઈ, ઝઘડા ભૂલીને સૌ પોતપોતાના વિકાસનું વિચારો. મને તો ક્યારનુંય એવું મન થાય છે કે આ એકવાર વિમાન ઉડે તે પછી શોભાના ગાંઠિયા જેમ આમ હવામાં અદ્ધર લટક્યા કરવું પડે છે તેને બદલે નીચે પડું. મને મન થાય છે કે અહીંથી ઝંપલાવીને નીચે બનેલા પેલા સુપર હાઈવે પર કોઈ વાહનમાં ગોઠવાઈને મસ્તીથી દોડું.
પૈડું ૨ : ડિઅર, ડુંગરા અને હાઈવે દૂરથી જ રળિયામણા. આપણે તો સારું છે કે એરપોર્ટની ટર્મેક કાયમ ટકાટક હોય છે. બાકી આપણી સમીપ રહીને ઉડતાં બે બાજ પક્ષી એમની નજરે જોઈ અંદરોઅંદર વાત કરતા હતા કે નીચે એકચ્યુલી રસ્તાઓ જેવું કાંઈ રહ્યું જ નથી. જ્યાંને ત્યાં ખાડા છે. તને નરી આંખે જે બ્રિજ દેખાય છે તે આંખના પલકારામાં તૂટી પડે તેવા છે. હમણા વડોદરા પાસે એક બ્રિજ તૂટી પડયો તો તેમાં વાહનો નદીમાં ગરકાવ થઈ ગયાં.
પૈડું ૧ : તમે લોકો વિકાસ વિરોધી છો. સરકાર વિરોધી છો.
પૈડું ૨ : યાર, આ સરકારમાં તો મને કાયમ લાગે છે કે એ એક એવી કાર છે કે જેમાં પૈડાં હોતાં જ નથી. એટલે જ એ આગળ વધતી હોય એવી ઘરઘરાટી બહુ થયા કરે પરંતુ વાસ્તવમાં બધું ત્યાનું ત્યાં જ હોય.
'...શટ અપ!' એમ કહી પૈડાં નંબર વને નીચે ઝંપલાવી દીધું.
આદમનું અડપલું
આદિ માનવે ગોળ ગોળ ફરતાં ચક્રની શોધ કરી ઉત્ક્રાંતિ સર્જી, નેતાઓ ગોળ ગોળ વાતો કરી ભ્રાંતિ સર્જે છે!








