Editorial

નવો આઇડિયા... ગાંધી બાપુનું નામ બદલવા કોમ્પિટિશન

By GS TEAM
18 Dec 20253 mins read
નવો આઇડિયા... ગાંધી બાપુનું નામ બદલવા કોમ્પિટિશન

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- અમે ગાંધીજીનું નામ બદલી રહ્યા છીએ જેથી ભવિષ્યમાં કોઈ નેતા તેમનું નામ ન વટાવી  શકે 

દિલ્હીમાં પ્રદૂષણ ફક્ત નબળી, નિષ્પ્રાણ, કચકચ કરનારી જનતાને જ નડતું હોવાથી ધૂમાડાનાં ભીષણ થરો વચ્ચે પણ કેટલાક  નેતાઓ બહાદૂરીપૂર્વક ભેગા થયા. 

નેતા ૧:  આ ધૂમાડાને કારણે દિલ્હીમાં એકદમ અલૌકિક ટાઈપનું વાતાવરણ સર્જાયું છે. 

 નેતા ૨ : ભલા  માણસ, આપણી પાર્ટી  સત્તા પર આવ્યા પછી કશુંય દુન્યવી તાર્કિક કામકાજ થતું જ નથી. બધું અલૌકિક લેવલનું જ કામ ચાલે છે. જુઓને, આ મનરેગા નામમાંથી  પહેલાં ગાંધી બાપુનો છેદ ઉડાડી દીધો. હવે સમૂળગી મનરેગાનો જ છેદ ઉડાડી દીધો. 

નેતા ૩ :  બસ, હવે જેમના માટે આ બધી  યોજનાઓ બહાર પાડવી પડે છે એ ગરીબો, બેકારો, મજૂરોનો પણ છેદ ઉડી જાય તો આપણને શાંતિ. 

 નેતા ૪ :  ઓ મિસ્ટર, માસ્ક હેઠળ તો માસ્ક હેઠળ પણ મોઢું સંભાળીને બોલો. તમે જે જનતાનો છેદ ઉડાડવા બેઠા છો એ જનતા જ આપણી મતદાર છે. ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. જનતા સાફ થઈ જશે તો આપણા રોડ શો, રેલીઓમાં કોણ આવશે?

નેતા ૫ :  બોસ, હું તો એમ ઈચ્છતો હતો કે જનતા તો રહે પણ તે ગરીબ અને બેરોજગાર ન રહે. 

નેતા ૬ : વાહ! જનતા ગરીબ પણ ન રહે અને બેરોજગાર પણ ન રહે અને સાથે સાથે ગાંધી બાપુનો પણ છેદ ઉડાડી દેવાય એના માટે મારી પાસે એક જોરદાર આઇડિયા છે. ફક્ત મનરેગાનું જ શા માટે? ગાંધી બાપુનું જ નામ બદલી નાખીએ તો? મહાત્મા, બાપુ કે રાષ્ટ્રપિતા તો હવે ૭૫ વર્ષ જૂનું થઈ ગયું. આપણે એ વખતનું બધું ભૂંસવા બેઠા છીએ તો બાપુનું નામ પણ શા માટે બાકી રહે. અને આ કામ પણ પાછું જનતાને જ સોંપી દઈએ. પબ્લિક જ આપણને નવું નામ સૂચવે. જે બેસ્ટ ત્રણ નામ પસંદ થાય તે બધાને રોકડ પુરસ્કાર. ઉપરાંત ભાગ લેનાર તમામને દસ-દસ હજાર રુપિયા ઈનામ. મધ્યપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્રમાં આમ રોકડ વહેંચીને જ સત્તા મળી છે. તો આ તો નેશનલ લેવલે મહાત્મા ગાંધી નામફેરબદલ પુરસ્કાર યોજના થઈ જશે. આવતી ચૂંટણીઓમાં મત પાકા. 

નેતા ૭ : વેરી ગુડ આઇડિયા, આપણે પ્રચાર કરીશું કે  અમે ગાંધીજીનું નામ એટલે બદલી રહ્યા છીએ કે જેથી ભવિષ્યમાં કોઈ નેતા ક્યારેય ગાંધીજીનું નામ વટાવી  જ ન શકે. 

નેતા ૮: આપણા દેશ પૂરતું તો આપણે ગાંધીજીનું નામ બદલી નાખીશું પણ આ વિદેશોનું શું કરશું. એમણે પણ બધાએ પોતપોતાના દેશમાં ગાંધીજીના પૂતળાં ઉભાં કરી દીધાં છે,  તેમના નેતાઓ છાશવારે ગાંધીજીને અનુસરવાની વાતો પણ કરે છે. શું લાગે છે, બાકીની દુનિયા આપણું માનશે ખરી?

આ સવાલ સાંભળી '...લ્યા બહુ પ્રદૂષણ વધી  ગયું..હવે એર પ્યોરીફાયર ભેગા થવું પડશે...' એમ કહી ખોં... ખોં... કરતા બાકીના નેતાઓ ત્યાંથી નાઠા. 

આદમનું અડપલું

મનરેગાનું નામ બદલાઈ ગયું, હવે બસ મજૂરોનું નામ ભક્તો કરી દેવાય એટલી વાર!