નકલી પનીર, પામ ઓઈલ, પેસ્ટીસાઈડ દ્વારા પાર્ટી .

- અગડમ્ બગડમ્-બાબા આદમ
- આ દેશમાં લોકોને પૂરતું ખાવાનું મળે તેની કોઈને દરકાર નથી, તમે ચોખ્ખું ખાવાની ક્યાં પંચાત માંડો છો?
જલેબી, સમોસા, વડા પાઉં પર 'આરોગ્ય માટે હાનિકારક છે' તેવી ચેતવણીનાં લેબલો લાગશે એવા સમાચારો આવ્યા બાદ ગરમ નાસ્તાનું કાઉન્ટર પણ ધરાવતી એક રેસ્ટોરાંનાં મધરાતે પાટિયાં પડયાં પછી ખાદ્ય સામગ્રીઓ વચ્ચે ચર્ચા જામી.
નકલી પનીર : હા..હા...શું ખબર છે મારાં બદનામ દોસ્ત સમોસા? કેમ આમ આખું શરીર ફૂલાવીને બેઠું છો? હું પણ ફૂલેલી હાલતમાં જ છું, પરંતુ એકદમ ચમકદાર અને હ્યુષ્ટપુષ્ટ થઈને. કોઈ મારી સામે અસલી પનીરને મૂકી દે તો પણ લોકો તો મારી જ પસંદગી કરે.
પામ ઓઈલ: બિચારાની હાલત હલકું લોહી હવાલદાર જેવી છે. ફેટના નામે બિચારાને બધાએ વગોવી નાખ્યું. જુઓ, બજારમાં મળતા લગભગ તમામ નાસ્તામાં મારી હાજરી છે, પણ કોઈ મારું નામ પણ લે છે?
પેસ્ટીસાઈડ: હું તો દરેક શાક અને અનાજમાં એટલી સૂક્ષ્મ રીતે વ્યાપક છું કે મારી હાજરીની તો કોઈ પરવા જ કરતું નથી. એ તો હું પેટમા ંપહોંચ્યા પછી પોત પ્રકાશું ને બહાર તો કોઈનેય ખબર જ ન પડે. આ જલેબી અને સમોસા બહુ શોબાજી કરે એટલે બધાની આંખે ચઢે.
જલેબી: જુઓ, એમ કાંઈ મારામાં બધેબધા અવગુણો જ છે એવું નથી. જાણકારો તો આધાશીશીમાં મને દૂધ સાથે લેવાની ભલામણ કરે છે.
મેંદો: હા...હા... કયું દૂધ? કોસ્ટિક સોડાવાળું? કે યુરિયાવાળું?
ફૂગવાળું બટેટું : એલા, ખરેખર ગાય કે ભેંસનું જ દૂધ હોય તો પણ ગાય કે ભેંસે કયો કચરો ખાઈને દૂધ આપ્યું છે તે ચેક કરવા કોણ જોવા જવાનું હતું?
મધ: બિલકુલ સાચી વાત. લોકો મધના નામે મારા જેવા સુગર સીરપને ચાટી જાય છે. કોઈ કહેનારું જ નથી, બોલો.
કેરી: હા...હા...મારા કેસમાં તો આખી દુનિયાને ખબર છે કે મને કાર્બાઈડથી જ પકાવે છે છતાં પણ કોણ પંચાત કરવા નવરું છે?
સમોસું : બધાએ પંચાત કરી લીધી? હવે મ્હેણાં ટોણાં બંધ કરો ને સાંભળો લેટેસ્ટ ન્યુઝ. આ મારા અને જલેબી પર કાંઈક લેબલ લગાડવાની વાત જ આખી ખોટી છે. ભલા માણસ, આ દેશમાં લોકોને પૂરતું ખાવાનું મળે છે કે નહીં તેની ચિંતા ખાસ કોઈ કરતું નથી ત્યાં બધાને ચોખ્ખું ખાવાનું મળે છે કે નહીં એની કોને પડી છે?
બ્લોટિંગ પેપરથી બનેલા માવાએ આ સાંભળી અટ્ટહાસ્ય કર્યું, ત્રણ દિવસનાં વાસી તેલે જાતે ને જાતે હિલોળા લઈ લીધા, પીવાના પાણીના કેરબાની અંદર રહેલા જીવડાંઓએ પણ નૃત્ય કર્યું કર્યું ને આમ ફૂડ પાર્ટી જામી.
આદમનું અડપલું
દેશમાં કોઈ ભેળસેળ વિના એકદમ ચોખ્ખા અને અણીશુદ્ધ સ્વરુપમાં જ ખવાતી હોય તો એ એક જ વસ્તુ છે... લાંચ!








