ફક્ત વાણીથી વાઘ બનતા નેતાઓએ વાક્ બારસે માઈક પૂજવા જોઈએ

- અગડમ્ બગડમ્-બાબા આદમ
- વાઘોની માગણી: અમારા નામે પૂનમ નહીં તો અમાસ રાખો, આ બારસનો મેળ ક્યાં બેસાડયો?
'લ્યા, આજે આપણું કોઈ સેલિબ્રેશન ખરું કે નહીં?' જંગલનાં 'કેટ ફેમિલી ગૂ્રપ'માં એક વાઘે વાત માંડી.
વાઘ ૨ : આપણાં પ્રાણીઓના જંગલ રાજમાં તો શિકાર મળે ત્યારે સેલિબ્રેશન. આપણે માણસોના લોકશાહી રાજ જેવું થોડું છે કે વાતે વાતે સેલિબ્રેશન હોય?
વાઘ ૩ : માણસોના જંગલ રાજમાં પણ કહે છે કે નેતાઓ પબ્લિકને સેલિબ્રેશનનો જ શિકાર બનાવેે છે. પબ્લિકને સેલિબ્રેશનના ઘેનમાં ઊંઘાડીને જે મજાઓ કરે છે, જે મજાઓ કરે છે...
વાઘ ૧ : ભાઈઓ, બહેનો..માણસોની પંચાત છોડો. એ લોકો આપણું તો ઠીક એમનું પણ અંદરોઅંદર બહુ વિચારતા નથી. આપણું નક્કી કરો. આ વાઘ બારસ નિમિત્તે આપણે કાંઈક ગોઠવીએ.
વાઘ ૨: મને તો આ વાઘ બારસ શબ્દ સામે જ વાંધો છે. વાઘને આપી આપીને બારસ જ કેમ આપી? પૂનમ નહિ તો કમસેકમ અમાસ તો આપવી હતી. આ વાઘ બારસ પરથી મને તો ભૂખડી બારસ શબ્દ જ યાદ આવે છે.
વાઘ ૩ : લ્યા ડફોળો... માણસો બોલવામાં લોચા મારે છે એટલે વાગ્બારસ મતલબ કે વાક્ બારસનું વાઘ બારસ કરી નાખ્યું છે. બાકી આપણને વાઘોને આ બારસ સાથે કોઈ લેવાદેવા નથી. આ દિવસે એકેય ભડવીર જંગલમાં આપણી વાઘોની પૂજા કરવા આવતો નથી કે ઝૂમાં જઈને આપણા કોઈ જાતિબંધુના માથે નાળિયેર ફોડતો નથી.
વાઘ ૧: ઓ ત્તારી... હું તો ક્યારનોય હરખાતો હતો કે આ વાઘ બારસ છે તો આપણે કાંઈ જમાવટ કરીએ. તો તો માણસો પણ આ વાક્ બારસના કાંઈ જમાવટ કરતા જ હશેને?
વાઘ ૪ : મિતરોં... માણસોમાં નેતાઓ નામની વિશિષ્ટ પ્રજાતિ છે. એ લોકોની તો સઘળી જમાવટ જ વાક્ એટલે કે વાણી અર્થાત બોલવા ઉપર જ હોય છે. બોલી બોલી ને એટલે કે ભાષણો કરીને કંઈક લોકો નેતા તરીકે આગળ આવી ગયા.
વાઘ ૨: મેં સાંભળ્યું છે કે આ નેતાઓ વાક્ ની બાબતમાં જ આપણા વાઘ જેવા હોય છે. માણસોની ભાષામાં એમને વાકશૂરા કહે છે. બોલવામાં તો એવી ત્રાડ પાડે કે ના પૂછો વાત, પણ અસલી કામ કરવાનું આવે ત્યારે આપણી બિલાડી માસીની જેમ બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેસી જાય છે.
વાઘ ૧ : ઓહો! તો આ વાણીશૂૂરા નેતાઓ તો વાક્ બારસ ઉજવતા જ હશેને? આઈ મીન, એ લોકો આ દિવસે માઈકની પૂજા જેવુું કાંઈ કરે ખરા?
વાઘ ૩ : માય ડિયર ફ્રેન્ડ, પૂજા તો એ લોકો કરે જેઓ વાણીનો સદ્ઉપયોગ કરતા હોય. માણસો એમના નેતાઓ પાસેથી એવી કોઈ અપેક્ષા રાખતા જ નથી.
વાઘ ૨: સારું છે, આપણામાં માણસો જેવાં નેતાગીરીનાં અપલક્ષણો નથી, એટલે જ તો આપણું જંગલ રાજ રુડું છે.
આ વાત પર બધા વાઘોએ ફટાફટ પંજા બતાવી દીધા.
આદમનું અડપલું
વાણીને લગતી બે કહેવતોમાંથી 'બોલે તેના બોર વેચાય' નેતાઓને અને 'ન બોલવામાં નવ ગુણ' પ્રજાને લાગુ પડે છે.








