Editorial

જનતાને મળશે ભાષણો સાંભળવામાંથી આઝાદી

By GS TEAM
14 Aug 20253 mins read
જનતાને મળશે ભાષણો સાંભળવામાંથી આઝાદી

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- વિકાસ વધી પડતાં ભાષણ માટે મુદ્દા નહીં બચેે, ટીવી બાઈટ - સોશિયલ મીડિયા પોસ્ટના સહારે મોટા થયેલા નેતાઓને લાંબું ભાષણ કરતાં જ નહીં આવડે

૧૫મી ઓગસ્ટના કાર્યક્રમો પતાવ્યા બાદ કેટલાક નેતાઓ ભેગા મળ્યા. 'ભાઈ, આ વખતે તો ખરેખર ભાષણ કરવાનું ભારે પડયું. કલાકેક તો માંડ ખેંચી શક્યો,' એેક નેતાએ ભારે સાદે કહ્યું. 

બીજા નેતા કહે, 'વાત તો સાચી. આટઆટલાં વર્ષોથી આપણે આટલો વિકાસ કરી નાખીશું ને ગાંધીજીના સત્યના માર્ગે  જ ચાલીશું ને એવું  બધું કચવાતે હૈયે બોલ્યા કરવું આકરું પડે જ છે. '

ત્રીજા નેતા કહે, ' આ જવાહરલાલ નહેરુ આઝાદી દિને ત્રિરંગો લહેરાવ્યા પછી ભાષણ કરવાની પ્રથા શરુ કરતા ગયા તેમાં આપણા જેવા નેતાઓનો મરો થઈ ગયો. મોટા નેતાઓને તો એમના અમલદારો અને સહાયકો ભાષણો લખી આપે. અમુક નેતાઓ તો કહે છે કે બોલિવુડના ડાયલોગ રાઈટરો  ભાડે રાખે છે. આપણા જેવા નાના નેતાઓએ તો જાતે ભાષણો તૈયાર કરવાના. બોલો, દેશની સેવા માટે કેવાં કેવાં  કષ્ટ ઉઠાવવાં પડે છે.'

ચોથા નેતા કહે, 'તો પણ પહેલાંના નેતાઓ સુખી હતા. દેશ એટલો પછાત હતો કે તેઓ દેશને આગળ લઈ જવાના અને ઉદ્ધાર કરી નાખવાની વાતો ભાષણોમાં કરી શકતા. હવે તો દેશનો એટલો બધો વધારે પડતો વિકાસ થઈ ગયો છે અને જનતાને એટલી બધી લીલાલહેર છે કે આપણે આપી આપીને શું વચન આપી શકીએ?'

પાંચમા નેતા કહે, 'એક સોસાયટીવાળાએ મને ધ્વજવંદન માટે બોલાવ્યો હતો. હું સવા કલાકની તૈયારી કરીને ગયો હતો, પણ સોસાયટીના સેક્રેટરીએ મને પહેલેથી જ કહી દીધું. ભાષણ ૧૫ મિનીટમાં જ પતાવજો. પછી ચા અને ગોટા ઠંડા થઈ જશે. બોલો, રાજકારણની જેમ સોસાયટીઓમાં પણ અસલી કામ તો ખાવાનું જ થઈ ગયું છે.'

છઠ્ઠા નેતા કહે, 'હું તો એક સ્કૂલના ફંકશનમાં ગયો તો ત્યાં તો ગજબ થયું. હજુ તો બે મિનિટ બોલી રહ્યો એટલી વારમાં એક  તોફાની બારકસ વિદ્યાર્થી ઊભો થઈને કહે- નેતાજી, તમારું ભાષણ ફેસબૂક પર પોસ્ટ કરી દો ને અમે ત્યાં વાચી લઈશું.  આ ભવિષ્યના નાગરિકોમાં શિસ્ત જેવું તો કાંઈ રહ્યું જ નથી. '

એક નેતા કહે, 'આ ભવિષ્યની પેઢી પરથી યાદ આવ્યું. મિત્રો, લાંબા  લાંબા ભાષણ કરી શકીએ એવી કદાચ આપણે છેલ્લી પેઢી છીએ. આપણી આજુબાજુના યુવા કાર્યકરોને જુઓ. ધડાધડ સોશિયલ મીડિયા પોસ્ટ જ કર્યા કરે છે. થોડાંક વર્ષો પછી દેશમાં પ્રજાને માર્ગદર્શન કે વચનો  આપવા જેવા મુદ્દા નહીં રહ્યા હોય અને આ સોશિયલ મીડિયાની પોસ્ટ તથા ટીવી બાઈટથી નેતાગીરી કરનારી નવી પેઢીને  લાંબાં  ભાષણો કરવાની ટેવ જ નહીં હોય. જનતાને તો વગર માગ્યે નેતાઓનાં ભાષણોમાંથી આઝાદી મળી જશે. ત્યારે આપણા જેવા નેતાઓની જનતાને કદર થશે.'

આટલું બોલતાં બોલતાં નેતાજીએ  ધૂ્રસ્કું નાખ્યુું. બાકી બધા નેતાઓ પણ ગળગળા થઈ ગયા.

આદમનું અડપલું

જનતા હજુ એવીને એવી દેશપ્રેમી છે, પણ સોશિયલ મીડિયાના જમાનામાં નેતાઓ વેશ-પ્રેમી થતા જાય છે.