પ્રજા મારવા ન દોડી શકે એટલે જ રસ્તા ખાડાવાળા રાખ્યા છે

- અગડમ્ બગડમ્-બાબા આદમ
- નેતાઓ આગળ હોય અને પ્રજા પાછળ હોય એ દર વખતે ખુશ થવા જેવી સ્થિતિ નથી હોતી
નેતાજીએ સેક્રેટરીને બોલાવ્યા, 'મારા માટે યુદ્ધના ધોરણે જીમ ટ્રેનરની નિમણૂંક કરો. મારે દોડવાની પ્રેક્ટિસ કરવાની છે.'
સેક્રેટરી કહે, 'વાહ, હવે આપણે પ્રચાર કરી શકીશું કે અમારી સરકાર કામ કરતી જ નહીં, પણ દોડતી સરકાર પણ છે.'
નેતાજી તાડૂક્યા, 'અરે ભાઈ, મારે દોડતી,ચાલતી, ઉછળતી-કૂદતી, ખોડંગાતી એકેય સરકાર બનાવવી નથી. આ તો મારે મારી પર્સનલ સેફ્ટી માટે દોડવાનું છે. મને મારી નજર સામે એવાં દ્રશ્યો દેખાય છે કે જાણે હું આગળ આગળ દોડું છું ને પ્રજા મારી પાછળ પાછળ દોડે છે.'
સેક્રેટરી ખુશ થતાં કહે, 'વાહ સર, નેતા આગળ હોય અને પ્રજા તેની પાછળ હોય એ આદર્શ સ્થિતિ છે. પ્રજાને દોરવી જાય એ જ સાચો નેતા.'
ફરી નેતાજી બગડયા, 'અરે ભલા માણસ,આ નેપાળના વીડિયો જોયા ? કેવી ત્યાંની પબ્લિક નેતાઓને દોડાવી દોડાવીને મારે છે! અહીં પણ પ્રજાનું મગજ ફરે ને મને મારવા માટે પાછળ દોડે તો મને તો બે ડગલાં ભરતાં જ હાંફ ચઢી જાય છે. એટલે જ કહું છું ે અબઘડી કોઈ જીમ ટ્રેનરને બોલાવો. એ મને દોડવાની પ્રેક્ટિસ કરાવે.'
સેક્રેટરી થોડું વિચારીને કહે, 'ડોન્ટ વરી સર, ગુસ્સો આવે તો પણ પ્રજા તમારી પાછળ ન દોડી શકે એટલા માટે જ આપણે રસ્તા ખાડાવાળા રાખ્યા છે. આમ તો આપણે પગ મૂકવા જેવા રસ્તા પણ રાખ્યા નથી ત્યાં દોડવાની વાત તો બહુ દૂર છે. પબ્લિક દોડવા જશે તો ખાડાઓમાં ફસડાઈને નીચે પડશે. આ ખાડાઓ જ આપણું સેફ્ટી મિકેનિઝમ છે, સર..'
નેતાજીએ આશંકા વ્યક્ત કરી, ' પ્રજા મારી ઓફિસમાં કે ઘરે ધસી આવીને મને મારે તો? ત્યારે ભાગી જવા માટે પણ મારે દોડવાની પ્રેક્ટિસ કરવી પડશે ને?'
સેક્રેટરીએ ફરી તેમને હિંમત બંધાવી. 'ચિંતા ન કરો, સર. આપણી પ્રજા જ્યારે પણ સહેજ પણ જાગૃત થઈ જશે ત્યારે તે તમને મારવાની તસદી નહીં લે. તેને બદલે તમને ચૂંટી કાઢવા બદલ પહેલાં તો પોતાની જાતને જ તમાચા પર તમાચા ફટકારશે.'
આ વાત સાંભળી નેતાજી પણ હસી પડયા. હવે નેતાજીનો મૂડ સુધર્યો છે એમ લાગતાં સેક્રેટરીએ કહ્યું, 'સર, એક મેરેથોનનાં ઉદ્ધઘાટનનું આમંત્રણ આવ્યું છે. ત્યાં બહુ બધી પબ્લિક દોડવાની છે. તમે જશો ને સર..?'
'નહીંહીંઈઈઈ...' નેતાજી ચીસ પાડીને જાગી ગયા. એમને અહેસાસ થયો કે ઓહ, આ તો એક દુસ્વપ્ન હતુંં! બીજી જ ક્ષણે નેતાજી બગાસું ખાઈને સરકારી તંત્રને છાજે તેવી ગાઢ નિંદ્રામાં પોઢી ગયા.
આદમનું અડપલું
નવી વ્યાખ્યા : પ્રજાને સતત ડર દેખાડી લીડ કર્યા કરે તેનું નામ લીડર.









