Editorial

આપણે વિશ્વગુરુ છીએ, નેપાળ પાસેથી પ્રેરણા નહીં લઈએ

By GS TEAM
11 Sep 20253 mins read
આપણે વિશ્વગુરુ છીએ, નેપાળ પાસેથી પ્રેરણા નહીં લઈએ

- અગડમ્ બગડમ્-બાબા આદમ

ભારતમાં વ્હોટ્સેપ બંધ થાય તો શું થાય? જવાબમાં મેસેજી પર ચર્ચા જામી 

કોઈએ એકાદ વ્હોટસએપ ગૂ્રપમાં અમથો મેસેજ નાખ્યો કે, 'હવે  કદાચ ભારતમાં પણ વ્હોટસએપ પર પ્રતિબંધ આવે તો શું થાય?' ને તરત જ  ચર્ચા શરુ થઈ ગઈ. 

યૂઝર૧: આપણે પણ નેપાળ પરથી પ્રેરણા લઈને આંદોલન ચાલુ કરી દઈએ. 

યૂઝર ૨: અરેરે...આપણને તો એમ કે આપણે વિશ્વગુરુ છીએ, પણ હવે નેપાળ  પાસેથી પણ આપણે પ્રેરણા લેવાની? 

યૂઝર ૩ : હે ભગવાન! સરકાર ઘરડે ઘડપણ અમારા જેવા ઘરડાઓની  લાકડી છિનવવા  બેઠી છે. વ્હોટ્સએપ વગર હું  એકસાથે ૭૪  લોકોને ગુડ મોર્નિંગના મેસેજીસ કેવી રીતે મોકલીશ? મારી અને એમની  બધાની સવાર બગડશે. 

યૂઝર ૪: આ તો ખોટું થાય છે. મને એમ કે મોટાભાગના લોકોને લગ્નની કંકોતરી વ્હોટ્સએપ પર જ મોકલી દઉં તો જંજાળ મટે. એ બહાને ઓછા લોકો આવશે. હવે  કુરિયરનો ખર્ચો પણ કરવો પડશે કે શું? 

યૂઝર ૫ : ઓહ નો, પ્લીઝ! હું હજુ ૯૭ જ ગૂ્રપમાં એડમિન છું. મારે ઝટ સેન્ચૂૂરી કરવાની છે. આ એક જ જગ્યા એવી છે જ્યાં મને કોઈ ભાવ આપે છે, હવે એ પણ ઝૂંટવાઈ જશે કે શું? 

યૂઝર ૬ : હાય...હાય! મારે તો રોજનાં ૩૦ સ્ટેટસ મૂકવા જોઈએ. પછી જે લોકો કોમેન્ટ મોકલે એ બધાને રિપ્લાય કરવાના. 

વળતા વ્યવહાર તરીકે એમનાં સ્ટેટસને લાઈક અને કોમેન્ટ કરવાની. એ બધું બંધ થઈ જશે? તો આખો દિવસ હું કરીશ શું? 

યૂઝર ૭ : કેટલાય લોકો તો સવાર, સાંજ, બપોર, રાત મારાં  સ્ટેટસની રાહ જોઈને જ બેઠા હોય છે એ બિચારાઓનું શું થશે? 

યૂઝર ૮: બીજું બધું તો ઠીક, બર્થ ડે વિશ અને શ્રદ્ધાંજલિના મેસેજીસની મોટી મોકાણ થશે. આપણને કોઈના બર્થ ડે યાદ રહેતા  નથી. ગૂ્રપમાં એકાદ  જણ મૂકે એટલે પાછળ પાછળ મંડી પડતા હતા, કોઈને ઓળખતા હોઈએ, ન ઓળખતા  હોઈએ તો પણ આરઆઇપી ને ઓમ શાંતિ ફટાફટ લખીને છૂટી શકાતું હતું. 

યૂઝર ૯ : હાશ, સારું  થયું. હવે  સોસાયટીના ગૂ્રપમાં ઓનલાઈન ઝઘડા સહન કરવાના મટશે.  જેમને લડવું હોય એ નીચે ગ્રાઉન્ડમાં ઉતરીને રુબરુ જ ઝઘડી  લે. 

યૂઝર ૧૦: મારે શાંતિ! ઓફિસના ગૂ્રપમાં કામ સિવાય બર્થ ડે , એનિવર્સરી, શાયરી ને ગીતોના મેસેજ ન નાખો એવા વારેવારે મેસેજો નહીં મૂકવા પડે. 

યૂઝર ૧૧:  વેરી ગુડ. પેલો જ્યારનો એડમિન થયો ત્યારનો છાકટો બન્યો છે. ગમે તેના મેસેજીસ ડિલીટ મારી દે. ગમે એને ગૂ્રપમાંથી કાઢી મૂકે. એની ઓકાત શું છે  બાકી. 

યૂઝર ૧૨:  આપણે ત્યાં વ્હોટ્સએપ પર પ્રતિબંધ બાબતે સરકાર વિરોધી આંદોલન સાથે ક્રાંતિ થાય ને સરકાર ઉથલાવાય એવું કાંઈ લાગે છે? 

યૂઝર ૧૩: હેં? ક્રાંતિ? 

યૂઝર ૧૪ : હેં? સરકાર વિરોધી આંદોલન? સરકાર ઉથલાવવાની? યાર, ગભરાવો નહીં. આ બધું આપણને ન શોભે.

યૂઝર ૧૫: યાર, છોડો આ બધી ચર્ચાઓ, કોઈ શાયરી કે જોક મોકલાવો. થોડા હળવા થઈએ...

ફટાફટ બધાએ અંગૂઠા અને સ્માઈલનાં ઈમોજી ઠપકારી દીધાં. 

આદમનું અડપલું

નેપાળમાં સરકારે 'સૈયારા'ના ફ્રી શો ગોઠવી દીધા હોત તો જેન-ઝીએ  ક્રાંતિ ન કરી હોત