Editorial

દિવાળીએ ઘર સાફ કરવાનો રિવાજ છે, ગામની સફાઈનો નહીં

By GS TEAM
11 Oct 20252 mins read
દિવાળીએ ઘર સાફ કરવાનો રિવાજ છે, ગામની સફાઈનો નહીં

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- આખું શહેર રોશનીથી ઝળાંહળાં કરી દો એટલે એમાં બધી ગંદકી ઢંકાઈ જશે

'તહેવાર આવ્યો છે, સફાઈનું ગોઠવો.' મ્યુનિસિપાલિટીની ઓફિસમાં વરિષ્ઠ  નગરસેવકે ખોંખારો ખાઈને કહ્યું. 

'હેં? સફાઈનો તહેવાર?  ઉપરથી આદેશ  છે? તો કરીએ,'  એક યંગ નગરસેવકે વાજબી સવાલ કર્યો. 

બીજો નગરસેવકે ટાપસી પૂરી, 'બીજી ઓક્ટોબર તો હમણા જતી રહી. અને આમ પણ હવે  સાવરણાં ફેરવવા જઈને ગાંધી જયંતી ઉજવવાની સ્ટાઈલ તો જૂની પેઢીની થઈ ગઈ. આપણે તો  એક પોસ્ટ કરી દઈએ એટલે ગાંધી  જયંતી પૂરી.'

વૃદ્ધ નગરસેવક બગડયા, 'અલ્યા, હું  કહું છું કે દિવાળીએ ખાલી  ઘરમાં જ સફાઈ શા માટે કરવી જોઈએ.  મ્યુનિસિપાલિટીએ આખું ગામ સાફ કરવું જોઈએ.'

'વાહ, વડીલ...વાહ! અનુભવી નગરસેવક તરીકે ઘર અને મ્યુનિસિપાલિટીના કામની ભેળસેળ કેવી  રીતે કરવી એ તો તમારી પાસેથી જ શીખવું જોઈએ. ગામમાં ક્યાંય પાથરવા નવી ટાઈલ્સ આવે એટલે પહેલો પ્રયોગ તમારા આંગણે થાય.  શહેરમાં ગાર્ડન બને એટલે ચાર કુંડાં તમારા ઘરે પહોંચી ગયાં હોય. ગામમાં નવી  સ્ટ્રીટલાઈટો આવે એટલે એમાંથી  બે તમારા બંગલાના બાથરુમમાં પણ ફિટ થઈ જ ગઈ હોય. હવે દિવાળીએ તમારે ઘરે નવા સાવરણાં વસાવવા છે કે ડસ્ટબિન?' એક નગરસેવકે વટાણા વેર્યા.

 'હેં ? બાથરુમમાં સ્ટ્રીટલાઈટ? વડીલ નગરસેવકના બાથરુમ કોઈ ગલી-રોડ જેવા  પહોળા છે કે એ ભરરસ્તે જ સ્નાનાદિ કામ  પતાવે છે?' યંગ નગરસેવકને પાછો સવાલ થયો.

'લ્યા, ચૂપ રહે. નગરસેવક બન્યો તો પણ એ ભાન નથી કે મ્યુનિસિપાલિટીમાં જે ફાલતુ ક્વોલિટીની સ્ટ્રીટલાઈટો સપ્લાય થાય છે એનાથી ફક્ત બાથરુમ જ ઝળાંહળાં  થાય, આખો  રોડ નહીં,' બીજા નગરસેવક તાડૂક્યા. 

વડીલ ધૂંઆંપૂંઆ થઈ ગયા. 'મારા બાથરુમમાં ડોકિયાં કરવાના બંધ કરી દો. નહીં તો હું  તમારી  બધાની પોલ ખોલીને  વગર પાણીએ નવડાવી દઈશ. હું તો તહેવારમાં અવસરની વાત કરું છું. સફાઈના ખર્ચામાંથી આપણી દિવાળી નીકળશે અને ગામની ગલીઓ જેમ આપણે પણ ઉજળા  દેખાશું એ અલગ.'

એક નગરસેવકે માથું ખંજવાળ્યું. 'પણ, વડીલ, દિવાળીએ ઘર સાફ કરવાનો રિવાજ છે,  શહેર સાફ કરવાનો નહીં.પબ્લિક હવે ઉકરડા જોવા  કરતાં  પણ વધારે ઉલ્ટી તો આપણે ઓલરેડી સાફ  થયેલા રસ્તા પર કચરો વેરીને  પછી એના પર સાવરણાં ફેરવતા હોઈએ તેવા  ફોટા જોઈને કરે છે. તેને બદલે આપણે વર્ષોથી  કરતા આવ્યા છીએ તેમ શહેરને તો રોશનીથી ઝળાંહળાં કરી દઈશું એટલે એમાં બધી  ગંદકી આમ પણ ઢંકાઈ જ જશે.આપણે વર્ષોથી એ જ તો કરતા આવ્યા છીએ.'

બધા નગરસેવકોના ચહેરા પર ચાઈનીઝ લાઈટોના ઝબકારા જેવું હાસ્ય આવ્યું. વડીલનો ચહેરો બૂઝાઈ રહેલાં દેશી કોડિયાં જેમ વિલાઈ ગયો.

આદમનું અડપલું

સફાઈપ્રેમી નેતાઓ અધિકારીઓ હંમેશાં સરકારી તિજોરીને સાફ કર્યા કરતા હોય છે.