Get The App

વિશ્વ વીવીઆઈપી વસતી દિવસની પણ ઉજવણી ચાલુ કરો

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
વિશ્વ વીવીઆઈપી વસતી દિવસની પણ ઉજવણી ચાલુ કરો 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- આ દેશમાં અત્યારે ટકી રહ્યા છે તેવા તમામ હયાત નાગરિકો આપોઆપ વીવીઆઈપી દરજ્જાને પાત્ર છે 

વિશ્વ વસતી દિને સરકારમાંથી ફરમાન છૂટયું. દેશમાં કેટલા વીવીઆઈપીઓ છે તેનું ગ્રાન્ડ ટોટલ લાવો. આપણે વીવીઆઈપીઓની વસતી ગણતરી કરી વિશ્વ વીવીઆઈપી વસતી દિવસ ઉજવવાનો છે. વિશ્વને આ આપણી ભેટ હશે. પહેલાં તો અધિકારીઓને લાગ્યું કે આ તો સાવ મજાક જેવું છે. એક અધિકારીએ  ફટાફટ દેશના તમામ સંસદસભ્યો, કેન્દ્રના મંત્રીઓ, ધારાસભ્યો, રાજ્યના મંત્રીઓની યાદી બનાવી નાખી. 

બીજા અધિકારી તો બોલિવુડની ડાયરી લઈને બેસી ગયા અને તમામ સ્ટાર્સનાં નામ આપી દીધાં. ત્રીજા અધિકારીએ ભારતના  ક્રિકેટરોનું લિસ્ટ કાઢ્યું અને ફટાફટ કોપી પેસ્ટ શરુ કર્યું. 

ચોથા અધિકારીને ખ્યાલ આવ્યો કે દેશમાં સરકારો તો આવતી રહે અને જતી રહે, પરંતુ ખરી સત્તા તો આપણે અધિકારીઓ જ ચલાવીએ છીએ. એટલે તેમણે તરત જ કેન્દ્રનાં અને રાજ્યોનાં તમામ મંત્રાલયોના  સેક્રેટરીઓની યાદી બનાવવી શરુ કરી. પાંચમા અધિકારીને પણ ટયુબલાઈટ થઈ એટલે તેમણે તમામ રાજ્યોના જિલ્લા પોલીસ વડાઓ અને ડીએસપીઓ તથા બીજા આઈપીએસ અધિકારીઓની યાદી શરુ કરી. 

આટલું કામ પતાવતાં તો તંત્ર હાંફી ગયું. એક અધિકારી કહે, 'આવી કોઈપણ યાદી બનાવીએ તો એ અધૂરી જ રહેવાની છે. જેમ કે જુઓ, ડીજીપી હોય એ આખા રાજ્યના વીવીઆઈપી હોય પણ જિલ્લા લેવલે તો એસપી જ વીવીઆઈપી ગણાય .'

અન્ય  અધિકારી કહે, 'વાત સાચી છે. અમારે તો વતનના ગામમાં ફંકશન હોય ત્યારે મામલતદાર અને તલાટીઓને જેવું માન મળે એવું તો કોઈને ન મળે.' 

અન્ય એક અધિકારી કહે, 'સામાજિક વીવીઆઈપીઓની આપણે ત્યાં કેટલી મોટી ફોજ છે.  ભલભલા વીવીઆઈપીઓ કેટલાય સાધુબાવાઓને પગે પડે છે. એ ધર્મગુરુઓ જ અસલી વીવીઆઈપી છે.'

બીજા અધિકારી કહે, 'અરે, તમે ધર્મગુરુની વાત કરો છો? અમાર ેતો જ્ઞાાતિમાં જ્ઞાાતિના પ્રમુખથી મોટું વીવીઆઈપી કોઈ નહીં. દરેક  લગ્નમાં એમને તો આમંત્રણ આપવું જ પડે.' ત્રીજા અધિકારી કહે, 'અમારા સમાજમાં તો જે મહત્તમ ફંડ ફાળો આપ ેએ બધાને વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળે.'

છેવટે અધિકારીઓએ આ બાબતે તેમના બોસનું માર્ગદર્શન માગ્યું. બોસ કહે, 'તમારે જેમને વીવીઆઈપી ગણાવવા હોય એમને ગણાવી દો. સરકાર કોઈેને વિશેષ લાભ આપવાની નથી. આ તો દુનિયાને દેખાડવાનું છે કે અમારો દેશ વીવીઆઈપીઓની બાબતમાં પણ વિકાસ કરી રહ્યો છે.'

આ   સ્પષ્ટતા બાદ એક અધિકારીએ જાહેર  કર્યું, 'હાલ મોંઘવારી, પ્રદૂષણ અને રસ્તા વગેરેની હાલત જોતાં આ સંજોગોમાં જે ટકી રહ્યા છે તે તમામ હયાત નાગરિકોને જ વીવીઆઈપી જાહેર કરી દેવા ભલામણ છે.'

આ અધિકારી તરત ડિગ્રેડ થઈ ગયા. 

આદમનું અડપલું 

ચૂંટણી એક એવી ઘટના છે જ્યારે તમામ મતદારો એક દિવસના વીવીઆઈપી હોય છે. 


Google NewsGoogle News