મસ્કને 1000 કરોડમાં પણ આપણો ગોલ્ડન વિઝા નહીં આપીએ

- અગડમ્ બગડમ્-બાબા આદમ
વિદેશ ખાતાંના અધિકારીઆને બગાસાં પતાસું મળ્યા જેવો આઇડિયા આવ્યો. દુબઈએ ૨૩ લાખમાં ગોલ્ડન વિઝાની સ્કિમ કાઢી છે તો આપણે પણ એવું કાંઈક ચાલુ કરીએ. દુનિયાભરના માલેતુજારો અને સેલિબ્રિટીઓ તો આપણે ત્યાં સેટલ થવા માટે ટાંપીને જ બેઠા છે.'
એક અનુભવી અધિકારી કહે, 'એકદમ સ્કિમ જાહેર કરી દેવાને બદલે પહેલાં જરા દુનિયાના લાગતાવળગતા લોકોમાં દાણો ચાંપી જોઈએ.કેવો રિસ્પોન્સ મળે છે તે પરથી આપણા ગોલ્ડન વિઝાનો ભાવ નક્કી કરીએ.'
બધા સંમત થયા. દુનિયાભરમાં ખાનગી રાહે વાત ફરી ગઈ કે ભારતવાળા પણ દુબઈ જેવા ગોલ્ડન વિઝા આપવાના છે.
પહેલી જ દરખાસ્ત ચીનથી જિનપિંગની આવી. 'મને તમારા અમદાવાદની ચાઈનીઝ ભેળનો સ્વાદ દાઢે વળગ્યો છે. મને વિઝા આપો તો હું આખા ઈન્ડિયામાં ઓથેન્ટિક ઈન્ડિયન ચાઈનીઝ ભેળની ચેઈન રેસ્ટોરાં ચાલુ કરવા તૈયાર છું.'
'આપણી પબ્લિકને ઓથેન્ટિક ચાઈનીઝ ન ભાવે' એવા ઠરાવ સાથે તેમને મનાઈ ફરમાવાઈ.
બીજો ફોન વિજય માલ્યાનો આવ્યો. 'મને ગોલ્ડન વિઝા આપી દો. હું ત્યાં એકવાર આવી જાઉં પછી ત્યાંની બેન્કો તો મને ગોલ્ડન ફીના ત્રણ ગણી રકમના લોન આપી જ દેશે એની મને ખાતરી છે.'
અધિકારીઓએ આ વાતની ચકાસણી કરવા સ્ટેટ બેન્કમાં ફોન કર્યો પણ ત્યાં લંચ ટાઈમ ચાલતો હોવાથી કોઈએ ફોન ઉપાડયો જ નહિ.
એક ફોન એવો કરાંચીથી આવ્યો. 'કરાંચીનો નંબર જોઈને તમે સમજી જ ગયા હશો કે હું દાઉદ બોલું છું.તમે લોકો મને કાયદેસરના ગોલ્ડન વિઝા કાયમી માફી આપતા હો તો મારે ભારત પાછા આવીને મારી લાઈફ પર એક ઓરિજિનલ બાયોપિક બનાવવી છે. આ બોલીવૂડના પ્રોડયૂસરો અને ઓટીટી સીરિઝવાળાઓએ મારી લાઈફનો બહુ કચરો માર્યો છે યાર..' ડરી ગયેલા અધિકારીએ 'રોંગ નંબર' કહીને ફોન મૂકી દીધો.
થોડીવારના સન્નાટા પછી એક ફોન આવ્યો. 'હેલ્લા, હું એલન મસ્ક બોલું છું. મારી ઓફર ૧૦૦ કરોડની છે. અહીં અમેરિકામાં મેં ત્રીજો પક્ષ સ્થાપવાની વાત કરી તો પણ પેલો ટ્રમ્પ કચકચ કરે છે. તમારે ઈન્ડિયામાં સારું છે, ૫૦૦ પાર્ટીઓ છે પણ એ બાબતે કોઈ કકળાટ નથી.'
એક અધિકારી તરત ઉશ્કેરાઈને કહે, 'ના ભાઈ ના...તમે ૧૦૦ કરોડ તો શું ૧૦૦૦ કરોડ આપો તો પણ તમને અમારો ગોલ્ડન વિઝા નહિ આપીએ. તમે ગમે તેટલી પાર્ટીઓ બનાવો એનો વાંધો નથી. પણ તમે જે ઝડપે સંતાનો પેદા કર્યા કરો છો એનાથી અમારા વસતી ગણતરી સ્ટાફ પર બોજો વધી જાય. ના ભાઈ ના...'
છેલ્લે એક કોલ આવ્યો. 'યાર, હું બાગ્લાદેશથી બોલું છું. અમારે આખે આખા કન્ટ્રીના ભારતના ગોલ્ડન વિઝા કરાવવાના છે, હોલસેલનો ભાવ બોલો.'
અધિકારીઓએ આખી સ્કિમનો આઇડિયા જ પડતો મૂક્યો.
આદમનું અડપલું
ટ્રમ્પ કંટાળીને રિવર્સ ગોલ્ડન વિઝા કાઢશે. ભઈ, થોડા પૈસા લઈ જાઓ પણ અહીંથી જાઓ. જોકે, તેમ છતાં પણ આપણા વાળા ત્યાંથી નહિ ખસે એ નક્કી !








