સોશિયલ મીડિયા પોસ્ટ માટે પણ નોબેલ પુરસ્કાર શરુ કરો

- અગડમ્ બગડમ્-બાબા આદમ
- પુરસ્કાર મેળવવાના ધમપછાડાનું ટ્રમ્પનું દુ:ખ કેટલાક લેખકો જ સમજી શકે છે
'નોબેલ પારિતોષિકોની સિઝન ચાલુ થઈ ગઈ છે,' એક ફેસબુકિયા કવિએ બીજા ફેસબુકિયા લેખકને બાતમી આપી.
'પુરસ્કાર? એમાં ક્યાં લોબિંગ કરવું પડે? કોની પાસે ભલામણ કરાવવી પડે? કોના સોશિયલ મીડિયા પર વખાણ કરીએ તો ચાન્સ લાગે તેવુું છે?' ફેસબુકિયા લેખકે સવાલોની ઝડી વરસાવી.
'ભલા માણસ, હું કોઈ ચંગુમંગુ સાહિત્ય સેવા સંસ્થા કે પછી ધમાધમ ફાઉન્ડેશનના રેંજીપેંજી પુરસ્કારોની વાત કરતો નથી. નોબેલ પુરસ્કારની વાત કરું છું, સમજ્યા?' ફેસબુકિયા કવિ ધગધગી ઉઠયા.
'વેઈટ... તમે યાર , કોઈ પુરસ્કારને રેંજીપેંજીી કહી રીતે કહી શકો? તમને ખબર છે કે અમુક પુરસ્કારો મેળવવા માટે વ્યવસ્થા ખર્ચ કે ડોનેશનના નામે ચાર્જ ચૂકવવો પડે છે? કેટલીક સંસ્થાઓ તો પુરસ્કારમાં આપવાની શાલનું બિલ પણ આપણા નામે ફાડે છે. નો લંચ ઈઝ ફ્રી લંચ!' ફેસબુકિયા લેખકે બળાપા અને અરેરાટી બંનેની ભેળસેળ ધરાવતા સૂર સાથે આપવીતી વર્ણવવા માંડી.
'વાહ, તમને પુરસ્કારો બાબતે આટલું અસામાન્ય જ્ઞાાન છે તો નોબેલ વિશે એટલું પણ સામાન્ય જ્ઞાાન નથી કે એમાં કોઈને મસ્કા મારીને એવોર્ડ મેળવી શકાતો નથી? જુઓ, પેલા જગત આખાના જમાદાર ટ્રમ્પ સાહેબ શાંતિ પુરસ્કાર માટે આખી દુનિયામાં અશાંતિ ઊભી કરી રહ્યા છે, પરંતુ કોઈ તેમની વાત શાંતિથી સાંભળતું નથી,' કવિશ્રીએ પોતાના વૈશ્વિક વિઝનનો ખ્યાલ આપ્યો.
'વાહ, તો તો હું ટ્રમ્પ સાહેબને સોએ સો ટકા ફ્રેન્ડશીપ રિકવેસ્ટ મોકલીશ. ઈચ્છિત પુરસ્કાર મેળવવાની બાબતમાં અમે બંને સમદુ:ખીયા છીએ. પુરસ્કાર મેળવવાના ટ્રમ્પ સાહેબના ધમપછાડાનું દુ:ખ મારા જેવા લેખકો જ સમજી શકે છે. વાસ્તવમાં મારું ચાલે તો પુરસ્કારજીવી લેખકોની હું એક આખી કોમ્યુનિટી ચાલુ કરી દઉં. ટ્રમ્પસાહેબની ઈચ્છા હશે તો તેમને અમે એડમિન બનાવીશું.'
લેખકશ્રીએ સપનાંની જાળ ગૂંથવા માંડી, પણ તેમાં કવિશ્રીએ તેમાં ફિલોસોફિકલ સવાલ સાથે કાતર મારી. 'અરે મહાશય, તમે ફેસબુક પર સાહિત્યનું સર્જન પુરસ્કાર માટે કરો છો કે નિજાનંદ માટે?'
'પુરસ્કારો મેળવવાથી થતા નિજાનંદ માટે.' લેખકશ્રીએ નિખાલસ રીતે મનકી બાત બહાર પાડી દીધી.
કવિશ્રી એ આગળ ફરમાવ્યું. 'ભલા માણસ, ત્યારે તમારી જાણ ખાતર. નોબેલ વાળા વિજ્ઞાાનની શાખાઓ, અર્થશાસ્ત્ર, સાહિત્ય અને વિશ્વશાંતિ માટે પુરસ્કાર આપે છે, પણ હજુ સુધી સોશિયલ મીડિયા પોસ્ટની કેટેગરીમાં નોબેલ પુરસ્કાર ચાલુ થયા નથી. એ જ્યારે ચાલુ થશે ત્યારે જે ઓનલાઈન યુદ્ધો ફાટી નીકળશે તે ડામવા કોઈ નવા ઓનલાઈન શાંતિ પુરસ્કાર ચાલુ કરવા પડશે. આમ જુઓ તો મારી ધારણા છે કે તમે સોશિયલ મીડિયા પર લખવાનું બંધ કરો તો તેની કદર રુપે તમને કદાચ કોઈ સોશિયલ મીડિયા શાંતિ પુરસ્કાર આપી પણ શકે.'
લેખકશ્રીએ દાંત કચકચાવ્યા... પણ તેમ કરવા જતાં તેમની જીભ જ કચરાઈ ગઈ.
આદમનું અડપલું
જો ઈતિહાસની કેટેગરીમાં નોબેલ પુરસ્કાર આપવાનું શરૂ થાય તો વ્હોટસએપ યુનિવર્સિટી તેની મજબૂત દાવેદાર બને








