Editorial

વૌઠામાં ગધેડાઓનું ચિંતન: 500 એક્યુઆઈ જંગલ રાજ ન ગણાય

By GS TEAM
7 Nov 20253 mins read
વૌઠામાં ગધેડાઓનું ચિંતન: 500 એક્યુઆઈ જંગલ રાજ ન ગણાય

- અગડમ્ બગડમ્ - બાબા આદમ

- બુદ્ધિ વગરની મજૂરી કરવામાં ગધેડાઓનો બીજો નંબર છે, પહેલા નંબરે સંનિષ્ઠ પાર્ટી કાર્યકરો આવે

વૌઠાના મેળામાં વંઠી ગયેલા ગધેડાઓએ રાત પડયેે  ચિંતન બેઠક શરુ કરી. 

ગધેડો ૧ : લ્યા, આ નેતાઓ  બિહાર ચૂંટણીમાં  બિહારના રસ્તા અમેરિકા જેવા કરી દેવાની વાત કરે છે, પણ કોઈ એવું વચન નથી આપતું કે અમેરિકાની એક પાર્ટી જેમ અમારી પાર્ટીનું સિમ્બોલ પણ ગધેડો રાખીશું. 

ગધેડો ૨ : બે યાર, મૂંગો મર. આપણા દેશમાં કોઈ પણ પશુ પ્રાણીને ચૂંટણી સિમ્બોલ તરીકે રાખવા પર પ્રતિબંધ છે. નહીં તો ચૂંટણી પ્રચારના નામે બધાં  પ્રાણીઓ પર બહુ અત્યાચાર થાય. 

ગધેડો ૩ : હા, ચૂંટણીઓમાં  ફક્ત માણસ નામના પ્રાણી પર અત્યાચાર થાય એ જ પૂરતું છે. 

ગધેડો ૪: ચૂંટણીમાં ઘેટાં જેવા મતદારોને કારણે સમસ્ત માનવપ્રાણીઓ અત્યાચારનો ભોગ બને છે. 

ગધેડો ૫: ચૂંટણી હોય કે  ન હોય, બારે માસ ને ૩૬૫ દિવસ દરેક પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરો જ અત્યાચારોનો ભોગ બનતા હોય છે. 

ગધેડો ૬: આ વાત મુદ્દાની કરી. કોઈ ફરિયાદ કે વળતરની અપેક્ષા વિના ડફણાં ખાઈ ખાઈને  બુદ્ધિ વગરની મજૂરી કર્યા કરવામાં આપણે ગધેડાઓ બીજા નંબરે છીએ. પહેલો નંબર તો બધી પાર્ટીઓના મજૂર જેવા સંનિષ્ઠ કાર્યકરોનો જ આવે છે. 

ગધેડો ૧ : લ્યા, બિહારની આટલી પંચાત કરી તો  પણ કોઈ જંગલરાજનો 'જ' પણ બોલતું નથી એ તો કેવુું કહેવાય! જંગલરાજની ચર્ચા વિના બિહાર ચૂંટણીનું ચિંતન અધૂરું છે. 

ગધેડો ૨: મને ખબર નથી કે જંગલ રાજને આટલું વગોવવામાં શા માટે આવે છે. જુઓને, આ  ગુજરાતીઓ  દર દિવાળી વેકેશનમાં ગીરના જંગલમાં, થોડા વધુ  પૈસા હોય તો રણથંભોરના જંગલમાં અને બહુ જ વધારે પડતા પૈસા થઈ ગયા હોય તો આફ્રિકાનાં જંગલોમાં સફારી માટે જાય છે. આ હિસાબે જંગલમાં ખરેખર તો મંગલ  થતું હોવું જોઈએ.

ગધેડો ૩ : હે ગર્દભ શ્રેષ્ઠ, જંગલ રાજ જંગલો પૂરતું જ ઠીક છે. બાકી,  શહેરો અને ગામડાંની વસતીમાં જંગલ રાજ ન ચાલે. માણસોને માણસોનું રાજ જંગલ રાજ  જેવું ન લાગે એટલા માટે  જ તો વિકાસના નામે વૃક્ષોનું નિકંદન કરીને બધુું ઉજ્જડ કરી દેવામાં આવે છે. 

ગધેડો ૪ : ઓહો ! સાચી વાત. હવે મને સમજાયું કે દિલ્હીમાં ૫૦૦ એક્યુઆઈ થઈ  જાય એ કેમ જંગલ રાજ નથી ગણાતું. માણસને શ્વાસ લેવા ચોખ્ખી હવા ન મળે, નદીમાં પાણીને બદલે ફીણ ફીણ થતું હોય, પ્રદૂષણથી લોકો મરવા પડે એ જંગલ રાજ નથી અને નથી જ.

ગધેડો ૫: લ્યા,  આ દોઢ ડાહ્યાને સાબરમતીમાં વટવા  બાજુથી છોડાયેલું કોઇ કેમિકલ પીવામાં આવી ગયું લાગે છે. એટલે જ પ્રદૂષણના નામે આટલી લવારી કર્યા કરે છે. 

ગધેડો ૬ : વટવાને ન વગોવો. સાબરમતીના કિનારે સૌથી પ્રદૂષિત સ્થળ તો ગાંધીનગર છે.

બધા ગધેડાઓએ એવા દાંત કાઢ્યા કે કાર્તિકી પૂર્ણિમાનો  ચંદ્ર પણ ઝાંખો  પડી ગયો. 

- આદમનું અડપલું

પ્રશ્ન: ગધેડાને તાવ આવે એવી વાત એટલે શું? 

જવાબ: ચૂંટણી ઢંઢેરો!