ઘરે જાતે વાળ કાપશો તો એકવારમાં 1.18 લાખની બચત

- અગડમ્ બગડમ્-બાબા આદમ
- સરકાર દરેક સલૂન માટે જીએસટી ફરજિયાત બનાવી દે તો બીજા કોઈ વેરા નાખવાની જરુર જ ન પડે
બોલિવુડના એક સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટભાઈએ એમ ફરમાવ્યું છે કે તે એકવાર વાળ કાપવાના ફક્ત ને ફક્ત એક લાખ રુપિયા ચાર્જ કરે છે. આ મહાશય તેમની આગળ ડોક ઝૂકાવીને ડાહ્યાડમરા થઈને બેસી રહેતા સેલિબ્રિટી ઘરાકોને પાકું બિલ પણ આપે છે. એટલે દરેક સેશનની એક લાખની ફી પર તેઓ ૧૮ હજાર રુપિયાનો જીએસટી પણ સરકારી તિજોરીમાં ભરી દે છે.
મતલબ કે હમણાં સરકારે જીએસટી કલેક્શન બે લાખ કરોડથી વધારેનો આંકડો વટાવી ગયું છે તેમાં આ સ્ટાઈલિસ્ટના સેલિબ્રિટી ઘરાકોનો કેટલો હિસ્સો છે તે પણ કોઈએ ગણી કાઢવા જેવું છે.
જોકે, આ જાણીને સવાલ એ પણ થાય કે બોલિવુડના જે હીરો લોગ પોતાના વ્યક્તિગત નામે નહીં, પણ કંપનીના નામે બિલ બનાવડાવતા હશે તે લોકો આ વાળ કપાવ્યાનો જીએસટી પણ ઈનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે લેતા હશે કે નહીં. હીરો લોકો એવી દલીલ કરી શકે કે અમારા વાળનો લૂક્સ તો અમારી વ્યવસાયિક પ્રવૃત્તિ યાને કે એક્ટિંગ કરવાનું મહત્ત્વનું કોમ્પોનન્ટ છે તેના પર અમને ઈનપુટ ક્રેડિટ મળવી જ જોઈએ.
આમ ગણતરી કરવા જાઓ તો સરકાર દેશના દરેક સલૂનમાં દરેક વ્યક્તિના જેટલા વાળ કપાય છે તેના પર જીએસટી વસૂલવાનું ફરજિયાત થાય તો કદાચ સરકારે બીજા કોઈ વેરા નાખવાની જરુર જ ન પડે.પછી કમસેકમ કોઈ બિઝનેસમેન એવું બહાનું નહીં કાઢી શકે કે આ તો જાત જાતના વેરા ભરીને માથે ટાલ પડી ગઈ છે.
સંશોધકોના મતે એક સરેરાશ પુખ્ત વ્યક્તિના માથે ૮૦ હજારથી એક લાખ વાળ હોય છે. સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટનાં ભાવપત્રક પ્રમાણે વાળનો એક એક તાંતણો એક રુપિયાનો થયો. આવા જ સંશોધકોની એક ગણતરી પ્રમાણે માણસના રોજના ૫૦થી ૧૦૦ વાળ ખરતા હોય છે. આ હિસાબે દરેક વ્યક્તિ રોજના ૫૦થી ૧૦૦ રુપિયા ગુમાવે છે.
જે ભાઈઓ બજારમાં મળતાં ટ્રિમરથી જાતે જ ઘરે વાળ કાપી લે છે તેઓ પોતાના ઘરવાળાને કહી શકે કે જુઓ મેં કોઈ સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટને ત્યાં ગયા વિના પોતે જ વાળ કાપી લઈ એક લાખ રુપિયા બચાવ્યા છે. જે લોકો ઘર નજીકના સલૂનમાં ૧૦૦ રુપિયામાં વાળ કપાવતા હોય તેઓ એવો સંતોષ માણી શકે કે આપણે ૯૯,૯૦૦ રુપિયાની ચોખ્ખી બચત કરી છે અને ૧૮,૦૦૦ના જીએસટીનો ચાંલ્લો નથી લાગ્યો એ તો વળી નફામાં.
આ હિસાબે ભરજુવાનીમાં માથે ટાલ પડી ગઈ હોય તેઓ વાળ કપાવવાના આ ભાવ જાણ્યા પછી સંતોષ લઈ શકે કે ે પૈસાદારોને જ માથે ટાલ હોય છે એવી માન્યતા સાવ ખોટી નથી. કેટકેટલા ટાલવાળાઓને કોઈ સેલિબ્રિટી હેર સ્ટાઈલિસ્ટની જરુર નથી પડી એટલાં કારણોસર જ તેઓ લખપતિ બની ગયા છે.
આદમનું અડપલું
સ્વેચ્છાએ ટાલ રાખનારાઓ પાસેથી દેશના એક મોટા ઉદ્યોગને પ્રોત્સાહન નહીં આપવા બદલ અલગથી વેરો વસૂલ કરવો જોઈએ.

