Editorial

સ્વદેશી ઝુંબેશઃ આપણે વ્હોટસએપ, ફેસબુકનાં નામ બદલી નાખીએ

By GS TEAM
7 Aug 20252 mins read
સ્વદેશી ઝુંબેશઃ આપણે વ્હોટસએપ, ફેસબુકનાં નામ બદલી નાખીએ

- અગડમ્ બગડમ્-બાબા આદમ

વાણિજ્ય વિભાગની મીટિંગ ચાલુ થઈ પણ એસી ચાલુ ન થયાં એટલે દેકારો મચ્યો. 'આ એસી કેમ બંધ રાખ્યાં છે? પર્યાવરણ ખાતર?'

મોટા સાહેબ કહે, 'પર્યાવરણ બચતું હોય તો આપણે તો મગજ બંધ કરી દેવા  તૈયાર છીએ. પછી એસી ક્યા ચીજ હૈ? પણ,  મિતરો..એસી તો મેં એટલે  બંધ કરાવ્યું છે કે અમેરિકાએ આપણા પર વધારે ટેરિફ લાદવાની ધમકી  આપી  છે તેનો આપણે ગરમાગરમ જવાબ આપવાનો છે. અહીં પરસેવે રેબઝેબ થતાં થતાં એવા નિર્ણયો કરો કે  અમેરિકાનો પરસેવો છૂટી જાય.'

'એ તો સ્વદેશી  અપનાવવા ફરી હાકલ કરાઈ જ છે ને. સ્વદેશીના નારાથી આપણે બ્રિટિશ રાજને પછાડયું  હતું તો અમેરિકા તો સો ટકા કરગરતું આવશે, આપણા પગે પડશે,' એક  અધિકારીએ લલકાર્યુું. 

બીજા અધિકારી કહે, 'આ વખતે અમેરિકાની પાયલાગણ વિધિ પણ કોઈ મોટા સ્ટેડિયમમાં રાખીએ. જોરદાર ઈવેન્ટ થશે.' ત્રીજા અધિકારી કહે, 'યાર, સ્વદેશીને પ્રોત્સાહન માટે બર્ગર સામે દાબેલી  કે વડાપાઉં અને એમના કોલા સામે આપણી છાશ અને શેરડીના રસના મેસેજીસ વ્હોટસએપ પર તો  ફરવા જ માંડયાં છે.' 

'પણ, વ્હોટસએપ પોતે અમેરિકન છે તેનું શું? શું સ્વદેશીના નારા રુપે આપણે  પબ્લિકને કહી શકીશું કે ફરી ગામના ચોતરે કે  શહેરની શેરીઓના નાકે ભેગા થઈને  પંચાત કરે? વિચાર કરો કે આપણે ફેસબુકને બંધ કરાવીશું  તો બાપડા કવિઓ  ક્યાં સાહિત્ય સર્જન કરશે? સ્વદેશી ઈન્સ્ટા નહીં લાવીએ તો દેશમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી જે રીલ ઉદ્યોગ  ધમધમવા  લાગ્યો છે તેનું શું થશે?' એક યુવાન અધિકારીએ સવાલો ઉઠાવ્યા. 

મીટિંગમાં થોડી વાર શાંતિ  છવાઈ ગઈ. પછી બોસ ઉચ્છવાસ કાઢીને કહે, 'જુઓ, લાખ સમસ્યાનો એક ઉપાય છે, નામબદલી. આપણે સ્વદેશી વ્હોટસએપ, ફેસબુક,  કે બીજી કોઈ  અમેરિકી  બ્રાન્ડનું  સ્વદેશી  વર્ઝન  રાતોરાત ઊભું ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ એ બધી બ્રાન્ડને આપણું સ્વદેશી નામ તો આપી  શકીએ ને?'

તરત જ સૂચનોનો ઢગલો શરુ થયો. વ્હોટસ એપ માટે 'પંચાતમંચ', ફેસબુક માટે 'ડાચાંપોથી', ઈન્સ્ટાગ્રામ માટે 'ફોટોગઢ', એપલ માટે શુદ્ધ દેશી 'સફરજન', ટેસ્લા માટે 'ઠેકડા', મેકડોનાલ્ડ માટે 'મેલ ડોનાલ્ડ', ગૂગલ માટે 'ખણખોદ', સ્ટારબક્સ માટે 'ચુસ્કી-પાણી' એવાં  બધાં ચિત્રવિચિત્ર નામોનાં સજેશનોનો મારો ચાલ્યો. 

આખરે એક વરિષ્ઠ અધિકારીએ ,ૂટન કર્યું, 'આ બધી માથાકૂટ કરતાં હું વિચારું છું કે ટેરિફનું નામ જ બદલીને 'દોસ્તીશુલ્ક' રાખી દઈએ. પછી આપણને ખરાબ જ નહીં લાગે. 

'અબ કી બાર, મીટિંગ બરખાસ્ત...' એવો નારો પોકારી બોસે ચાલતી પકડી.

આદમનું અડપલું

જૂની કહેવત: દૂધ પાઈને સાપ ઉછેરવો. 

નવી  કહેવતઃ પ્રચાર  કરીને ટેરિફ નોતરવાં.