Editorial

ઈરેઝર પર ઝીરો જીએસટી, હવે ભૂલો કરવાની ભરપૂર છૂટ

By GS TEAM
5 Sep 20252 mins read
ઈરેઝર પર ઝીરો જીએસટી, હવે ભૂલો કરવાની ભરપૂર છૂટ

- અગડમ્ બગડમ્ - બાબા આદમ

- ઈકોનોમી, પોલિટિક્સ, અમેરિકા ને ચીન સાથેની દોસ્તી -દુશ્મની બધામાં મનફાવે તેટલી ચેકચાક કરો

સરકારી  ઓફિસમાં  એક સરક્યુલર આવ્યોઃ 'આપણો વિભાગ પાર્ટી છે. બધા અધિકારીઓએ ફરજિયાત પાર્ટીમા ં જોડાવાનું છે.'

તરત  જ  ચર્ચાઓ ચાલુ  થઈ. એક અધિકારી કહે, 'આપણો વિભાગ જાણે પાર્ટીનું સરકારી સેલ હોય એમ બધા અધિકારીઓ પાર્ટી કાર્યકરો જેમ  જ વર્તે છે. નવો  સરક્યુલર ક્યાં જરુરી હતો?' 

બીજા અધિકારીએ  પૂછાવ્યું, 'આમ  તો અધિકારીઓ  તનમન  અને  પાર્ટીને જરુર પડે ત્યારે ધનથી પણ પાર્ટીમાં જોડાયેલા જ છે તો હવે શું  પાર્ટીનો ખેસ સરકારી યુનિફોર્મ તરીકે જાહેર કરી દેવાનો છે?'

ત્યાં  તો  નવો  સર્ક્યુલર  આવ્યોઃ 'અગાઉના  સર્ક્યુલરમાં થોડી ભૂલો હતી.  નવી સૂચના  છે કે - આજે  આપણા  વિભાગ તરફથી એક  પાર્ટી  છે. સૌ   ખાસ હાજરી આપે.'

ફરી પૂછપરછ ચાલીઃ 'અરે, શેની પાર્ટી છે એ તો કહો?'

આ  વખતે   બોસ   ખુદ  પ્રગટ  થયા, 'મિતરો...ઈરેઝર પર જીએસટી ઝીરો થઈ ગયો એની પાર્ટી છે.'

એક અધિકારી કન્ફ્યૂઝ  થયા. 'આપણે ક્યાં વારંવાર ચેકચાક કર્યા કરવાની ટેવ ધરાવતાં બાળકો છીએ તે ઈરેઝર સસ્તાં થયાની પાર્ટી કરીએ?'

'સહી  પકડે હૈ...'  એમ લ્હેકાથી કહેતા બોસ કહે, 'જુઓ, ઈરેઝર  પર  ઝીરો જીએસટી મતલબ હવે બધાને ભૂલો કરવાની ભરપૂર છૂટ.'

'હેં?' અધિકારીઓને  લાગ્યું  કે  જાણે  તેમના  કાનમાં કોઈએ પેન્સિલ ખોસી.

 બોસે આગળ ધપાવ્યું,'જુઓ, આપણે કેટલીય ભૂલો કર્યા કરીએ છીએ,   ચેકચાક કરીએ  છીએ, ઈરેઝર ફેરવીએ  છીએ  ને આગળ વધીએ  છીએ. આપણે જમીન સંપાદન કાયદો  લાવ્યા હતા અને તેનો વિરોધ કરનારા ખેડૂતોને વગોવ્યા હતા ને આપણે જ એ કાયદો કેન્સલ કરી નાખ્યો ને રાતોરાત  ખેડૂતોના હિતકારી બની ગયા હતા.  અગાઉ 'અબ કી બાર  ટ્રમ્પ સરકાર' આપણો નારો હતો તેને બદલે હવે ટ્રમ્પ આપણો દુશ્મનનંબર  વન  છે.  પહેલાં  આપણે  ચીનાઓ પર ડિજિટલ સ્ટ્રાઈક  કરતા હતા, હવે આપણે તેમને  ભેટી પડવા ફિઝિકલ સ્ટ્રાઈક કરીએ છીએ.   પાકિસ્તાની સાથે કામ કરવા બદલ આપણે દિલજીતની ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો, પણ હવે આપણે પાકિસ્તાનીઓ સાથે મેચ  રમવાના છીએ. આડેધડ બેફામ જીએસટી  આપણું સુશાસન હતું ને હવે તેમાં ઘટાડો પણ  આપણું જ સુશાસન છે. જે ભ્રષ્ટાચારી  વિપક્ષી નેતાઓને ત્યાં આપણે દરોડા પાડીએ  છીએ  તેમને  પછી પાર્ટીમાં  લઈ  મિ. ક્લિન જાહેર કરી જ દઈએ છીએ. એક  સમયની આપણી લાડકી બે હજારની નોટ હોય કે થોડા  સમય પહેલાંના આપણા લાડકા ઉપરાષ્ટ્રપતિ, હવે આપણે એેમને   કેવા  સિફતથી ગૂમ કરી દીધા  છે...'

આટલું  બોલતાં  તો  સાહેબના  ગળે ડૂમો બાઝ્યો. બે-ચાર  અધિકારીઓએ પણ સાહેબને સારું લગાડવા ડૂસકાં ભરી લીધાં. મોજ માણવાની પાર્ટી ભૂલમાં  ને ભૂલમાં શોકસભામાં  પરિવર્તિત થઈ ગઈ.

- આદમનું અડપલું : હવે કોઈ એવું ન કહેતા કે મતદાર યાદીમાં નામો ઉમેરવા ને કાઢતાં ફાવે  એટલે ઈરેઝર પર જીએસટી ઝીરો કર્યો છે.