Editorial

નો વરીઝ, હવે હોલિવૂડમાં બનશે વીર વિઝાવાળો

By GS TEAM
4 Oct 20253 mins read
નો વરીઝ, હવે હોલિવૂડમાં બનશે વીર વિઝાવાળો

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- અમેરિકા બહાર બનતી ફિલ્મો પર 100 ટકા ટેરીફથી ગુજરાતી ફિલ્મો માટે સુવર્ણ તક 

'એક્સલન્ટ ન્યૂઝ... ટ્રમ્પે આ વખતે તો સો ટકા ટેરીફ નાખી દીધો છે,' એનઆરઆઈ  છગુભાઈએ ગુજરાતમાં ભાઈબંધ ઢગુભાઈ સાથે ફોન પર હરખ વ્યક્ત કર્યો.  

'છગુડા, બદમાશ! ચૂપ રહે!  તમે એનઆરઆઈ તો આમ પણ કાયમ પાછલાં વર્ષોમાં જ અટકી પડો છો. હવે ઈન્ડિયામાં ટ્રમ્પના વખાણ કરવાનો રિવાજ  જતો રહ્યો છે.  આજકાલ ઇન્ડિયામાં અમેરિકાથી આવતા ફોન તો ખાસ રેકોર્ડ થાય છે. મારી તારી વાત કોઈ  સાંભળી જશે તો  મને અહીંની પબ્લિક દેશ દ્રોહી જાહેર કરી દેશે. હવે ટ્રમ્પ સાવ દોસ્ત પણ નથી રહ્યો...'

'ઢગુડા, તું ઢબુનો ઢબૂ જ રહ્યો. તારા જેવો દોસ્ત હોય તો દુશ્મનની જરૂર નહીં. ડિયર, મસ્ત બિઝનેસનો ચાન્સ આવ્યો છે.'

'છગુ, અત્યારે ઈન્ડિયામાં જેટલા લોકોએ ટ્રમ્પને ટેકો આપ્યો હતો એ બધા રડવા માટે કોઈનો ખભો શોધે છે. આવો કોઈ ખભા ભાડે આપવાનો બિઝનેસ આઇડિયા હોય તો કહેજે.'

'વાહ, ઢગુડા.અહીં લોકો નવરાત્રિમાં લાલ-લીલા અને બેસણામાં ધોળા ઝભ્ભા ભાડે આપવાનો ધંધો કરે છે. તું તો મારા યાર, આખેઆખા ખભા ભાડે  આપવાનો ધંધો શોધી લાવ્યો. તને 'યાર' કહેવાનું ગુમાન થાય છે.'

'તુંય ટ્રમ્પવેડા જ કરે છે. ઘડીકમાંભાઈબંધ કહે અને ઘડીકમાં ઝાટકી નાખે છે. તું ટ્રમ્પ જેમ તારો સ્વાર્થ બોલ...'

'માય ડિયર  ઢગુજી, પ્રપોઝલ એવી છે કે ટ્રમ્પે અમેરિકા બહાર બનેલી ફિલ્મો પર સો ટકા ટેરીફ નાખ્યો છે, તો આપણે અહીં અમેરિકામાં ઢોલીવુડ ફિલ્મ બનાવીએ. હવે અર્બન ગુજરાતી ફિલ્મોની જેમ આપણે ફોરેન ગુજરાતી ફિલ્મોનો ટ્રેન્ડ  લાવીએ.   અહીંની  એનઆરઆઈ પબ્લિક ગુજરાતી કોન્ટેન્ટ માટે ગાંડી છે. એમાં પણ 'હડસનને કાંઠે' કે 'શિકાગો તારાં સંભારણા'  જેવી ફિલ્મો આવશે તો આ પબ્લિક ઝાલી નહીં  ઝલાય. મેં  સાંભળ્યું છે કે ગુજરાતી  ફિલ્મોમાં એક્ટર બનવા જેટલી પડાપડી નથી, એટલી તો રોકાણકાર  બનવા માટે  છે. તું ત્યાંથી બે-ચાર એવા ઉત્સાહી રોકાણકાર શોધી કાઢ. અમારા એનઆરઆઈઓમાં તો કલાકારોનો પાર નથી. તમારે ત્યાંથીનેતાઓ અહીં આવે છે ત્યારે અમારી અહીંની પબ્લિક દેશભક્તિ ને વતનપ્રેમની કેવી અફલાતૂન એક્ટિંગ કરે છે એ તે જોયું હશે.'

'હે ગ્રેટ  કલાકાર છગુ, તારી જાણ ખાતર કે હવે  ગુજરાતી ફિલ્મોને કોઈ ઢોલીવુડ નથી કહેતું, કારણ કે હવે ગુજરાતી ફિલ્મોમાં ઢોલ વાગતા જ નથી.  હા, કેટલીક  ગુજરાતી ફિલ્મોમાં માથે હથોડા જરૂર વાગે છે, પણ એવી ફિલ્મો એટલી બધી નથી કે અમે તેને હથોડાવુડ કહેવા માંડીએ. હા, પણ મને તો લાગે છે કે આપણે તારી બાયોપિક જ બનાવીએ. ટાઈટલ આપશું , 'વીર  વિઝાવાળો.' તે અને તારા આખા ખાનદાને વિઝા મેળવવા જે કોઠાકબાડા કર્યા છે, એ બધું ભેગું કરીને એકાદી મસ્ત પિક્ચર બની જાય એમ છે.  છગુડા, તું આખા અમેરિકામાં એકદમ ફેમસ થઈ જઈશ. ટ્રમ્પ તારા નામના દાખલા દેશે, દાખલા...'

'એક વાર નહીં,  સાત વાર નહીં , સાડીસત્તર વાર... ઢગુડા, તું મારો દુશ્મન છો સાડી સત્તર વાર...' કહીને છગુએ ફોન કાપી નાખ્યો.

આદમનું અડપલું 

ટ્રમ્પ પર બનાવી શકાય એવી કેટલીક સંભવિત ગુજરાતી ફિલ્મોનાં ટાઇટલ્સઃ ટ્રમ્પ તારા વાગ્યા રે પંચ, વિઝા તારાં વળતાં પાણી,  ટ્રમ્પનું વહાણને બેસવાની તાણ.