દેશનું રાજકારણ ફાફડાને બદલે જલેબી જેવુું થઈ ગયુું : ગાંધીજી

- અગડમ્ બગડમ્-બાબા આદમ
- ગાંધીબાપુની ઈચ્છા, દશેરાએ દેશભરમાં મારાં પૂતળાંનું પણ દહન કરી નાખો
સ્વર્ગમાં ગાંધીબાપુ ચરખો કાંતતા હતા. ત્યાં સરદાર અને જવાહર તેમની પાસે પહોંચ્યા.
જવાહર: બાપુ, જન્મદિવસનાં અભિનંદન !
સરદાર : બાપુ, આ વખતે તો બમણાં અભિનંદન. કારણ કે તમારો જન્મદિવસ બરાબર દશેરાના દિવસે આવ્યો છે. દશેરા પણ અસત્ય પર સત્યના જયનો તહેવાર છે, અને તમારો જન્મદિન તો સ્વયં સત્યપ્રતિષ્ઠાનો દિન છે.
ગાંધીજી: સરદાર, તમારી ઓળખ તો ફાફડા પરના મરીમસાલા જેવુું તીખું બોલવાની છે, તમે જલેબીની ચાસણી જેવું મીઠું મીઠું કેમ બોલવા લાગ્યા ?
સરદાર : ઓહો ! બાપુ દશેરા અને ફાફડા જલેબીનાં કનેક્શનની વાત તમારા સુધી પહોંચી ગઈ એમ ?
જવાહર: મારું ધારવું છે ત્યાં સુધી હજુ થોડાં વર્ષો પુસ્તકોમાં એમ જ લખાશે કે દશેરા ફાફડા-જલેબી આરોગવાનો જ તહેવાર છે. બાકી, રાવણ દહન અને બીજું બધું ગૌણ થઈ જશે.
ગાંધીજી: અંગત રીતે કહું તો મારી દ્રઢ ઈચ્છા છે કે આ દશેરાએ ફક્ત રાવણ દહન જ નહિ, દેશભરમાં મૂકાયેલાં મારાં તમામ પૂતળાંનું પણ દહન કરી દેવામાં આવે તો સારું. પૂતળાં ઊભાં કરવાં અને પૂતળાં બાળવાં એ બંને ક્રિયાઓ બહુ પ્રતીકાત્મક છે અને મને રુચતી નથી.
જવાહર: અરે હોય બાપુ ! હવે તો પૂતળાં ઊભાં કરવા એ પણ બહુ મોટો વિકાસ પ્રોજેક્ટ ગણાય છે. જુઓ, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદારની બની એને બહુ મોટા વિકાસની યાદીમાં સ્થાન અપાય છે.
સરદાર : હા, જવાહર ત્યાં ઊભો ઊભો હું એક મોટા ડેમને જોઉં છું, તમે જ તો કહ્યું હતું ને કે ડેમો ભારતનાં ભવિષ્યનાં મંદિરો બનશે. હું ત્યાં ઉભો ઉભો તમારાં એ કથન વિશે જ વિચારું છું.
ગાંધીજી: આ વિકાસની વાત પરથી મને હાલનાં રાજકારણની તાસીર યાદ આવી. --જેમ કેટલાક શોખીનો ૧૦૦ ગ્રામ ફાફડા પર ૫૦૦ ગ્રામ કઢી કે સંભારો ખાઈ જાય છે એમ કેટલીય વિકાસ યોજનાઓમાં પાંચ કરોડનો ખર્ચો થાય અને ૫૦ કરોડ ની કટકી થઈ જાય છે. આપણે સૌએ ધાર્યું હતું કે આઝાદી બાદ દેશની રાજનીતિ ફાફડા જેવી સપાટ હશે. તેને બદલે આ તો જલેબી જેવી ગોળ ગોળ થઈ ગઈ.
જવાહર : બાપુ, ગમે તે કહો, દશેરા જેવા તહેવારમાં લોકો જલેબી એ મૂળ ફારસી શબ્દ છે અને આ વાનગી અરબસ્તાનમાંથી ભારતમાં આવી છે એ વાત યાદ રાખ્યા વગર હોંશે હોંશે ખાય છે એ મારાતમારા જેવા સર્વધર્મસમભાવ અને વસુધૈવ કુટુંબકમમાં માનતા લોકોને ગમે તેવી વાત છે.
સરદાર : બાપુ , દશેરાએ કેટલાય દિવસો પહેલાંથી મળતી જલેબીઓનું પણ એક ચરખા કનેક્શન છે હો. ઢગલામોઢે તૈયાર થતી જલેબીઓ ખાતી વખતે પબ્લિકને ખબર જ નથી પડતી કે આ તે કોઈ જલેબી ખાઈએ છીએ કે ચાસણીમાં બોળેલી સુત્તરની આંટી...
બાપુ આ વાત પર બોખા મોઢે હસી પડયા. બાપુને બહુ લાંબા સમય બાદ હસતા જોઈ સરદાર અને જવાહરે એકમેક સામે સ્મિત ફરકાવ્યું.
આદમનું અડપલું
જેમ માણસમાં રહેલો રાવણ ક્યારેય મરતો નથી, તેમ સરકારી તંત્રમાં રહેલો કુંભકર્ણ પણ ક્યારેય મરતો નથી








