અબ કી બાર, સમોસા સરકાર: વિવિધતામાં એકતા, ભજીયાંની વિશેષતા

- અગડમ્ બગડમ્-બાબા આદમ
- નેતાઓ ખાયકી કરે એના કરતાં ખાવા મુદ્દે રાજકારણ રમાય એ વધારે સારું
ગુજરાતીઓ રાજકારણ અને અર્થકારણ બંનેમાં પાવરફુલ છે, પણ હજુ સુધી ઢોકળાં કે ખાખરાને આપણે રાષ્ટ્રીય ફૂડનો દરજ્જો નથી અપાવી શક્યા એ કારેલાં જેવી કડવી હકીકત છે. બીજું બધું છોડો, પણ ગુજરાતના પ્રદેશ ગાંઠિયાનું માન અમદાવાદી ફાફડાને આપવું કે રાજકોટના ફાફડાને તે મુદ્દે હજુ ક્યાં આપણે એકમત છીએ?
મહારાષ્ટ્રવાળા હજુ સુધી મુંબઈ રહેતા તમામ ગુજરાતી, દક્ષિણ ભારતીય, બિહારી, બંગાળી, કાશ્મીરી કે અન્ય કોઈને પણ મરાઠી બોલતા ભલે ન કરી શક્યા હોય, પરંતુ આ તમામને વડા પાઉં ખાતા સો ટકા કરી દીધા છે એ કાંઈ જેવીતેવી સિદ્ધિ થોડી છે? બાકી, આખા ભારતમાં સાઉથ ઈન્ડિયન સ્ટાર્સ તો હવે છવાઈ જવા માંડયા, પણ ઈડલી તો ક્યારનીય ઈન્ડિયન ફૂડ તરીકે ગ્લોબલ સ્વીકૃતિ મેળવી ચૂકી છે એ તો બોલિવુડના ભલભલા પ્રોડયુસરો પણ સ્વીકારશે.
લાખો વર્ષ પહેલાં માણસ ખેતી કરતા, હજારો વર્ષ પહેલાં ઘઉં પ્રોસેસ કરતા અને સેંકડો વર્ષ પહેલાં લોટની અંદર બટાટાનું પુરણ ભરીને તેલમાં તળીને સમોસાં બનાવતાં શીખ્યો તે પછી માનવ અન્ન સભ્યતાના ઈતિહાસમાં પહેલીવાર એવું થયું છે કે દેશની સંસદમાં સમોસાની સાઈઝ જેવી ખરેખર મહાગંભીર સમસ્યાની ચર્ચા થઈ છે. હવે આ ઐતિહાસિક તક એળે ન હોવી જોઈએ.
ભલું હોય તો દેશમાં ચોમાસુ, શિયાળુ એવાાં બોરિંગ ભૌગોલિક સત્રોની વચ્ચે એક અલાયદું સત્ર ખાસ એક કિલો ઉંધિયામાં મિનિમમ ૫૦ મુઠિયાં તો હોવાં જ જોઈએ કે પછી એક ડિશ સેવ ઉસળમાં ૪૦૦ મિલીલીટરથી વધારે તરી પર પ્રતિબંધ મૂકાવો જોઈએ જેવા દેશની જનતાને ખરેખર રોજબરોજના જીવનમાં સ્પર્શતા કાયદા રચવાની ે ચર્ચા છેડાવી જોઈએ. ગુજરાત વિધાનસભા ધારે તો તવા પર શેક્યા વગરની ઓરિજિનલ પોચી ભુજની દાબેલીને હેરિટેજ સ્ટેટસ આપવા અંગે ગંભીરતાથી વિચારી શકે છે.
નેતાઆ ે દરેક ચૂંટણીમાં તળેલાં મરચાં જેવાં ગરમ અને તીખાંતમતાં નિવેદનો કરીને કે પછી જલેબી જેવાં મીઠાં રસ ઝરતાં વચનો આપીને મતો લઈ જાય તો સાથે સાથે દર વર્ષે દેશની 'ફૂડ ડિશ ઓફ ધ યર' અથવા તો 'સ્ટેટ ચેમ્પિયન ઓફ ધી સીઝન' એવું કોઈ ફૂડ ઈલેક્શન પણ થવું જોઈએ.
આવી ચૂંટણીમાં કોઈપણ રાજકીય પાર્ટીની ઓફિસ કે સરકાર કચેરી કે પછી પોલીસ સ્ટેશન ન ધરાવતી હોવા છતાં પણ 'ખાઉ ગલી' તરીકે જાણીતી ગલીઓમાં 'અબ કી બાર, સમોસા સરકાર', 'વિવિધતામાં એકતા, ભજીયાંની વિશેષતા', 'ગલી ગલી મેં નારા હૈ, આલુ પરાઠા ન્યારા હૈ', 'ગલી ગલીમેં શોર હૈ, જલેબી ગોલ ગોલ હૈ, 'ઈસ્ટ ઔર વેસ્ટ, ખિચડી ઈઝ ધ બેસ્ટ' જેવા નારાઓ ગજાવવાની મજા પડી જશે.
મોંઘવારી, રસ્તા પરના ખાડા અને કરપ્શન જેવા કબજિયાત કરાવતા મુદ્દાઓને બદલે કયા પ્રસંગે ગુલાબજાંબુ ગોળ રાખવા અને કયા પ્રસંગે લંબગોળ, ફાફડા ભેગી કઢી આપવી કે પછી કાચા પપૈયાંનો સંભારો ફરજિયાત રાખવા જેવા મુદ્દે ગરમાગરમ અને રસઝરતી નેશનલ ડિબેટ થઈ શકશે.
હા, આ ચૂંટણીમાં પીવાનું ચોખ્ખાં પાણી કે ભેળસેળ વગરનાં ખોરાક-શાકભાજી જેવી બોરિંગ ચીજોને ઉમેેદવારી નહીં અપાય. એવા બધા મુદ્દે તો આમેય સામાન્ય ચૂંટણીમાં પણ ક્યાં કોઈ મત આપે છે?
આદમનું અડપલું
બાફવું... એ નેતાઓની પ્રિય કૂકિંગ પ્રોસેસ છે








