કોકરોચ કચવાટિયાને કટકચાવીને થપ્પડ

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- કરોડો વર્ષમાં ડાયનોસોર જેવા ભયાનક સજીવો પણ આપણું કંઈ બગાડી શક્યા ન હતા, પરંતુ આજના જંગલમાં આપણી સાથે ભેદભાવ થઈ રહ્યો છે - કોકરોચ કચવાટિયાનું ભાષણ
'આ રીતે તો મારું રાજકારણ શરૂ થતાં પહેલાં જ પૂરું થઈ જશે.' કોકરોચ કચવાટિયો ચિંતામાં હતો. લેટર બોમ્બનો ઉપયોગ કરીને મહારાજા સિંહ સમર્થક ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયાએ કોકરોચોને ડરાવી દીધા એટલે કોકરોચ કચવાટિયાના આંદોલનને સફળતા મળી નહીં. કોકરોચ સમાજનું રાજકીય મહત્ત્વ પ્રસ્થાપિત કરવા નીકળેલા કોકરોચ કચવાટિયાને પહેલી જ વારમાં મોટો ફટકો પડયો. મોટાપાયે સ્પ્રે થશે એવો ડર બતાવ્યો હોવાથી કોકરચો બહાર જ નીકળ્યા નહીં.
કોકરોચો મૂળભૂત રીતે ગભરું છે એ વાત કોકરોચ કચવાટિયો ખુદ જાણતો હતો. એ પોતેય રાજા સિંહના સ્પ્રેના ડરથી દરમાં ભરાઈ ગયો હતો, પરંતુ સસલાભાઈના બૂસ્ટર ડોઝથી બહાર નીકળીને તેને વિરોધ કરવાનું બળ મળ્યું હતું. કોકરોચ પાર્ટી બનાવીને આંદોલનો કરવા મેદાને પડેલા પ્રમુખ કોકરોચ કચવાટિયાએ ઉપપ્રમુખ વંદા વખારીને કહ્યું, 'મને લાગે છે આપણે બધું મૂકી દેવું જોઈએ. ચાલે છે એમ ચાલવા દો!'
'આ જ તો રાજકારણ છે.' વંદા વખારીએ કોકરોચ કચવાટિયાથી વધારે દુનિયા જોઈ હતી, વધારે સ્પ્રેનો સામનો કર્યો હતો અને બચી નીકળવાની આવડતે તેને હિંમતવાન બનાવ્યો હતો. તેણે હિંમત બંધાવી, 'રાજકારણમાં તો આવું દરરોજ થશે. તમારે પાર્ટીના વડા તરીકે આ બધી જ બાબતોનો વિચાર કરીને આયોજનો કરવા પડશે. જો રાજા સિંહ વંદાવિનાશ પ્રોજેક્ટ ચલાવશે તો સામે તમારે પણ પ્રોટેક્શન ફોર્સ બનાવવી પડશે.'
'હવે આપણે શું કરવું જોઈએ?' કોકરોચ કચવાટિયો ચિંતામાં આમથી તેમ દોડયે જતો હતો.
'પહેલા તો તમે દોડવાનું બંધ કરો. શાંતિથી બેસો અને દિમાગ પણ શાંત રાખો!' વંદા વખારીએ સલાહ આપી, 'તમે વંદાઓને હિંમત મળે એવો વીડિયો બનાવો ને જંગલમાં અલગ અલગ સ્થળોએ આંદોલનની જાહેરાત કરો. હિંમત જ ડર સામે હથિયાર છે.'
'...પણ એક આંદોલન ફેલ થયા પછી હવે બીજા સફળ થશે એની ખાતરી શું?' કોકરોચ સાવ નિરાશ થઈ ગયો હતો. તેને મનોમન થયું કે વિદેશી જંગલમાં વન રિલેશન (વીઆર)ની ડિગ્રી મેળવી તેના આધારે એક નોકરી લઈ લીધી હોય તો સારું થાત.
'નિષ્ફળતાનો ડર ન રાખો. તમે જેને ઈન્સ્પિરેશન માનો છો એ કાચબાભાઈ કકળાટિયાએ પણ કકળાટ કરી કરીને રાજકીય મહત્ત્વ સાબિત કર્યું છે અને મુખ્યમંત્રી બન્યા છે. આંદોલન કરીને જ કાચબાભાઈ આગળ આવ્યા છે. જંગલમાં સફળ નેતા એ જ બની શકે જે આંદોલનથી અંધાધૂંધી સર્જી શકે. તમારું રાજકારણ એમાંથી જ ચમકશે.' વંદા વખારીના લાંબાં ભાષણ પછી કોકરોચ કચવાટિયો ફરીથી લડવા માટે તૈયાર થયો.
એણે ટટ્ટાર થઈને નવો વિડીયો શૂટ કરવાની તૈયારી કરી ત્યાં વંદા વખારીને કંઈક યાદ આવ્યું. તેણે વધુ એક સલાહ આપીઃ 'કોઈ પણ સમાજને ઉશ્કેરવા માટે તેની પરંપરાની દુહાઈઓ આપવી પડે. તમે વંદાઓને મહાન પરંપરા છતાં સદીઓથી અન્યાય થયો છે એવું વારંવાર પ્રસ્થાપિત કરો તો એનાથી તેમનામાં સમાજપ્રેમ જાગે છે. રાજા સિંહે પણ પક્ષી-પંખીઓનું ભાગલાવાદી રાજકારણ કર્યું હતું. એમાંથી જ તેમનું રાજકારણ ચમક્યું હતું.'
એમ તો કોકરોચ કચવાટિયો વીઆરનું ભણેલો હતો. વનસંપર્ક કેવી રીતે કરવો એ તેને આવડતું હતું. તેણે ઉત્તેજનાપૂર્વક વીડિયો બનાવ્યો, 'મારા વહાલા વંદાઓ! કરોડો વર્ષથી આપણે અસ્તિત્વ ટકાવી શક્યા હતા. ડાયનોસોર જેવા ભયાનક સજીવો પણ આપણું કંઈ બગાડી શક્યા ન હતા. પરંતુ આજના જંગલમાં આપણી સાથે ભેદભાવ થઈ રહ્યો છે. આપણી વિરૂદ્ધ એક ષડયંત્ર ચાલી રહ્યું છે. આપણી પરંપરા, આપણી વિચારધારા, આપણું જીવન ખતરામાં છે. નેસ્તનાબુદ થતાં પહેલાં જાગો. ચાલો, બધા મળીને આખા જંગલમાં આંદોલન કરીએ...'
જંગલમાં અલગ અલગ સ્થળોએ, અલગ અલગ દિવસોએ આંદોલનોની જાહેરાત કરીને તેમણે જે તે વિસ્તારના વંદાઓને એમાં હાજર રહેવાની અપીલ કરી. કોકરોચ કચવાટિયાએ આયોજન પ્રમાણે એક-બે સ્થળોએ આંદોલનો કર્યા. ક્યાંક હિટ સ્પ્રે બતાવ્યા, ક્યાંક ચોક બતાવ્યા, ક્યાંક લીમડાના પાનમાંથી બનાવેલું લિક્વિડ બતાવ્યું - એ બધું બતાવીને તેણે વંદાઓને બરાબર ડરાવી નાખ્યા.
કોકરોચ કચવાટિયાને હવે લાગતું હતું કે તેનો સમાજ એક થઈ રહ્યો છે. વંદાઓ આ રીતે આંદોલન ચાલુ રાખશે તો જંગલમાં રાજકીય મહત્ત્વ સાબિત થઈ જશે. એક દિવસ કોકરોચ કચવાટિયો આ જ રીતે ભાષણ આપીને મંચ પરથી નીચે ઉતર્યો. બીજા વંદાઓએ ઉત્સાહમાં તેને પીઠ પર બેસાડયો હતો. બરાબર એ જ વખતે એક દેડકો નજીક આવ્યો અને તેણે કોકરોચને જોરથી થપ્પડ જડી દીધી. થપ્પડ એવી જોરથી પડી કે કોકરોચને થોડીવાર તો આંખે અંધારા આવી ગયા. હિટ સ્પ્રેથી પણ એટલી તો અસર થતી ન હતી, જેટલી આ થપ્પડથી થઈ ગઈ.
થપ્પડ મારીને દેડકાએ કહ્યું, 'હું રાજા સિંહની થપ્પડોલોજીથી પ્રભાવિત છું. રાજા સિંહ થપ્પડને આશીર્વાદ ગણે છે. મેં આ રીતે કોકરોચ કચવાટિયાને આશીર્વાદ આપ્યા છે!'
'જંગલ ન્યૂઝ' થપ્પડ મારનારા દેડકાની કુંડળી કાઢી તો ખબર પડી કે એ બગલાભાઈની સંસ્કારી પાઠશાળાનો સ્ટુડન્ટ રહી ચૂક્યો છે. એ જ પાઠશાળામાં અગાઉ રાજા સિંહ અને રીંછભાઈ પણ ભણી ચૂક્યા છે.









