'મતદારોને ઈન્ફ્લુએન્સ કરો!' : અધિકારી બબ્બન બિલાડાનો ઈન્ફ્લુએન્સર્સને આદેશ

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- જંગલમાં યોજાઈ રહેલી 'વન સ્વરાજ'ની ચૂંટણીમાં રાજા સિંહની પાર્ટીના ઉમેદવારો જીતે તે માટે રીંછભાઈએ ઈન્ફ્લુએન્સર્સની મદદ લેવાનો વ્યૂહ ઘડી કાઢ્યો હતો
જંગલમાં બીજું બધું અસ્થાયી હતું, ચૂંટણીઓ સ્થાઈયી હતી. જંગલમાં ચૂંટણીનું તંત્ર એવી રીતે ગોઠવાયું હતું કે જંગલના બધા જ નેતાઓ વ્યસ્ત રહેતા હતા અને ચૂંટણી જીતીને મસ્ત રહેતા હતા. નેતાઓના આંતરિક વર્તુળોમાં આવાં સૂત્રો કહેવાતાં હતાં: 'મોંઘવારી ઘટે કે ન ઘટે, આપણી સાહ્યબીમાં કંઈ નો ઘટે... વિકાસ થાય કે ન થાય, મતદારોનો રકાસ થતો રહેવો જોઈએ... ગરીબી હટે કે ન હટે, બધું ચાલવું જઈએ અઠ્ઠેગઠ્ઠે...'
જંગલવાસીઓને પણ આ વાતની ખબર હતી. જંગલવાસીઓ પાસે મત નામનું એક શસ્ત્ર હતું. ક્યારેય બહુ આક્રોશમાં આવે તો મતદારો એકને બદલે બીજાને મત આપીને પરિણામ બદલી શકતા, પરંતુ જંગલના નેતાઓમાં એક સરખા અવગુણો હતા તેથી જેને ચૂંટી કાઢે એ પણ જીતીને જૂના નેતાઓ જેવો જ થઈ જતો. છતાં જંગલના નિયમો બનાવનારાઓને ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ હતો એટલે તેમણે ત્રણ સ્તરીય ચૂંટણીઓની વ્યવસ્થા ગોઠવી હતી.
એક ચૂંટણી તો સીધી આખાય જંગલના રાજાને પસંદ કરવા થતી, એને 'જંગલ સ્વરાજ'ની ચૂંટણી કહેવાતી. બીજી ચૂંટણી જંગલના વિવિધ ભાગોમાં સંચાલન કરવા માટે મુખ્યમંત્રીઓની થતી, એને 'અરણ્ય સ્વરાજ'ની ચૂંટણી કહેવાતી. એમાં જંગલોના વિવિધ ભાગોના સંચાલનની જવાબદારી મળતી. એમાં માત્ર એ ભાગમાં રહેતા જંગલવાસીઓ મતદાન કરતા. ત્રીજી ચૂંટણી વનના નાના-નાના વિભાગોના સંચાલન માટે નેતા પસંદ કરવાની થતી. એને 'વન સ્વરાજ' નામ મળ્યું હતું. એમાં એ વિસ્તારો રહેતા જંગલવાસીઓ મતદાન કરીને પોતાનો નેતા ચૂંટી કાઢતા.
અત્યારે જંગલમાં 'વન સ્વરાજ'ની ચૂંટણી યોજાઈ રહી હતી. સિંહની પાર્ટીના ઉમેદવારો સામે વિપક્ષના નેતા સસલાભાઈની પાર્ટીના નેતાઓ મેદાને પડયા હતા ને વળી મુખ્યમંત્રી કાચબાભાઈ કકળાટિયાની પાર્ટીના નેતાઓ પણ ટક્કર આપવાની નેમ સાથે પૂરજોશ પ્રચાર કરતા હતા. સિંહે તેમની પાર્ટીના પ્રમુખ ઘુડખર ઘોંઘાટિયાને તાકીદ કરી, 'જો ભઈ, હું કે રીંછભાઈ આ ચૂંટણીમાં પ્રચાર નહીં કરીએ. બધો ભાર તારા પર છે.'
ઘુડખર ઘોંઘાટિયાએ ઉત્સાહમાં ઘોંઘાટ કર્યો, 'રાજાજી, ડોન્ટ વરી. આપણે એવો પ્રચાર કરીશું કે સસલાભાઈ ને કાચબાભાઈ કકળાટિયા એમ બંનેના નેતાઓ આપણી સામે ટકી નહીં શકે.'
ઘુડખર ઘોંઘાટિયાનો કોન્ફિડન્સ જોઈને તો થોડીવાર રાજા સિંહનેય નવાઈ લાગી.
ઘુડખરે જોરશોરથી પ્રચાર શરૂ કર્યો. તેમણે પાર્ટી કાર્યકરોને આદેશ આપ્યો, 'આપણે કોઈ પણ રીતે જીતવાનું છે. રાજા સિંહનો આદેશ છે.' ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયાને ઉમેદવારો પસંદ કરવાની જવાબદારી આપી. સ્વઘોષિત વિદ્વાન હોલા હઠીલાને ચૂંટણીનું સાહિત્ય બનાવવાનું કામ સોંપ્યું. પાડાકુમાર પંચાતિયાને ચૂંટણીના દિવસે જરૂર પડયે મતદારોને ડરાવવા-ધમકાવવા માટે ટીમ બનાવવાનો ટાસ્ક સોંપ્યો.
ચૂંટણીની તૈયારીનો અહેવાલ જોઈને રાજા સિંહને ધરપત તો હતી છતાં જંગલની સરકારના ઈન્ટેલિજન્સ વિભાગના વડા જરખ જાસૂસ પાસે ગ્રાઉન્ડ લેવલનો અહેવાલ તૈયાર કરાવ્યો. આમ તો આ સરકારી એજન્સીનું કામ જંગલવાસીઓના હિતમાં ગુપ્ત માહિતી મેળવવાનું રહેતું, પરંતુ રાજા સિંહના કાર્યકાળમાં આ વિભાગનો રોલ સદંતર બદલાઈ ગયો હતો. જરખ જાસૂસની આખી ટીમ વિપક્ષના નેતાઓ અને વિરોધીઓ પર નજર રાખતી હતી અને પોતાને હોંશિયાર-જાગૃત માનતા જંગલવાસીઓ પર પણ જરખ ખાસ નજર રાખતો.
જરખ જાસૂસે થોડા દિવસમાં અહેવાલ તૈયાર કરીને રાજા સિંહને આપ્યો: 'જંગલના સોશિયલ મિડીયામાં આપણા કામ સામે આક્રોશ છે. મતદારો 'વન સ્વરાજ'ની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવારોની પોસ્ટ અને ભાષણો લાઈક કરી રહ્યા છે. આ ટ્રેન્ડ ચાલશે તો વન સ્વરાજની ચૂંટણીમાં આપણો પરાજય થશે.'
રાજા સિંહને તો આ સાંભળીને પરસેવો વળી ગયો. રાજા સિંહ મનોમન બબડયા, 'વન સ્વરાજની ચૂંટણીમાં હાર થાય તો પછી એની પાછળ આવતી અરણ્ય સ્વરાજની ચૂંટણીમાં પણ પરાજય થાય અને એ પછી તો જંગલ સ્વરાજ... નહીં.. નહીં... કંઈક કરવું પડશે.'
રાજાએ તરત તેમના અંગત સલાહકાર અને આંતરિક મંત્રાલયના મંત્રી રીંછભાઈને બોલાવીને સલાહ લીધી. રીંછભાઈએ આખી વાત સાંભળીને કહ્યું, 'રાજાજી! આ બાબતની મને જાણ છે અને આપના આદેશ પહેલાં જ મેં આપણાં સુરક્ષા અધિકારી બબ્બન બિલાડાને સૂચના આપી દીધી છે. એ અત્યારે ઘટતું કરી રહ્યો છે.'
'બબ્બન બિલાડો ચૂંટણીમાં શું કરશે?' રાજા સિંહે આશ્ચર્યથી ઉમેર્યું, 'તેં એને ઈલેક્શનના દિવસે બૂથ કેપ્ચરિંગ કે મારપીટની સૂચના આપી?'
'અરે ના, મહારાજ, ના.' રીંછભાઈ હસી પડયા, 'આપણે બૂથ કેપ્ચરિંગ સુધી મુદ્દો પહોંચવા જ નથી દેતા. એ તો જૂની પદ્ધતિ છે. આ જુઓ!'
રીંછભાઈએ બબ્બન બિલાડાની લાઈવ ફીડ બતાવી. બબ્બન બિલાડાએ સોશિયલ મિડીયા ઈન્ફ્લુએન્સર ઉલ્લુ ઉકળાટિયાની આગેવાનીમાં જંગલના સૌ ઈન્ફ્લુએન્સર્સને બોલાવ્યા હતા. તેમને સારું-સારું ખવડાવ્યું-પીવડાવ્યું. ગિફ્ટ આપી. ઈન્ફ્લુએન્સર્સ જ્યારે જવાની તૈયારીમાં હતા ત્યારે બિલાડાએ દરવાજો બંધ કરીને કહ્યું, 'તમારે મતદારોને ઈન્ફ્લુએન્સ કરતી પોસ્ટ મૂકવી પડશે. અથવા તમારા સોશિયલ મિડીયાના પાસવર્ડ અમને આપી દો. અમે તમારા અકાઉન્ટ્સમાંથી મતદારોને પ્રભાવિત કરતી પોસ્ટ મૂકીશું. રાજા સિંહની પાર્ટી ચૂંટણી જીતી જશે પછી તમારા સૌની સાથે મીટિંગ કરીને એવોર્ડ સમારંભ ગોઠવીશું.'
પાસવર્ડ આપી દીધા પછી જંગલમાં ચારેબાજુ ઈન્ફ્લુએન્સર્સ નવરાધૂપ આંટા મારી રહ્યા છે....









