ડ્રગ્સની હેરફેરમાં સગીર બાળકોનો ઉપયોગઃ રેલવે પોલીસે ગુનો નોંધ્યો

અમદાવાદ, ગુરૂવાર
ટ્રેનમાં અન્ય રાજ્યોમાંથી ડ્રગ્સની હેરફેર કરવા માટે ડ્રગ્સ માફિયાઓ દ્વારા સગીર બાળકોનો ઉપયોગ કરવામાં આવતો હોવાના મોટા કૌભાંડનો રેલવે પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં એક સગીર અને તેની સાથે આવેલા યુવકને છ કિલો ગાંજા સાથે ઝડપી લીધો હતો. બિહારના ડ્રગ્સ માફિયાએ તેમને ડ્રગ્સ સપ્લાય કરવા માટે ગુજરાત મોકલ્યા હતા.
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે એક સગીર બાળક બે બેગ લઇને જતો જોવા મળ્યો હતો. જેથી પોલીસે શંકા જતા તેને રોકીને બેગમાં તપાસ કરતા છ કિલો ગાંજો મળી આવ્યો હતો. સગીરની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે અંકિત ગોસ્વામી (રહે. બિહાર) સાથે આવ્યો હતો. તે રેલવે સ્ટેશનની બહાર છે અને પોલીસથી બચવા માટે બેગ લઇને બહાર આવવા સુચના આપી હતી. જેના આધારે પોલીસે અંકિત ગોસ્વામીને ઝડપી લીધો હતો. આ અંગે પીઆઇ એ પી ગામીતે અંકિતની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે દિપાંશુ નામના વ્યક્તિએ ગાંજાનો જથ્થો સામખયાળી મોકલ્યા હતા. પરંતુ, ત્યાં જેને જથ્થો આપવાનો હતો. તે મળ્યો નહોતો. ત્યારબાદ તેમને વડોદરા જવાનું કહ્યું હતુ પરંતુ, ત્યાં પણ કોઇ ગાંજો લેવા આવ્યો નહોતો. છેવટે તેમને અમદાવાદ ગીતામંદિર જઇને અન્ય વ્યક્તિને આપવા માટે સુચના આપી હતી. પરંતુ, બંને અમદાવાદ આવતા પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.








