મનુષ્ય જીવનનો અર્થ શું ?

જી વનમાં કોઈ કોઈ વાર ઘણા મનુષ્યોને પ્રશ્ન થાય છે કે મનુષ્ય જીવનનો અર્થ શું ? જીવનનું લક્ષ્ય શું ? જીવન શા માટે છે ? ઘણીવાર સ્મશાનયાત્રામાં કે ચિતા પર શબને અગ્નિદાહ અપાતો જોઈ મનુષ્ય વિચારે ચડે છે. 'મારી પણ આવી દશા થવાની હું પણ આમ જ મરી જવાનો. બધું છોડીને મારે પણ આમ જવું પડશે. સ્મશાનમાં આવો 'વૈરાગ્ય' આવે છે પણ લાંબો ટકતો નથી. એટલે એને 'સ્મશાન વૈરાગ્ય' કહે છે. તેમ છતાં આ સ્મશાન વૈરાગ્ય એ વૈરાગ્ય તો છે જ. કારણ તે અંતરમાં પેદા થાય છે.
પ્રભુ એ જ એવી રચના કરી છે કે સંસારમાં ફસાયેલા મનુષ્યને આવી રીતે પણ ઢંઢોળે છે. કોઈ પૂર્વ-જન્મનો ભાગ્યશાળી આવા પહેલા ધક્કાથી જ ચેતી જાય છે. પણ રીઢા થઈ ગયેલા મનુષ્યો મનને ચુપ કરી દે છે અને મનને કહે છે કે -બેસ બેસ ડાહ્યલા... બહુ ડહાપણ કર્યા વગર ખા-પી અને મોજ કર.
ખાવું પીવું ઊંઘવું, મરવું એ જ માત્ર માનવ જીવનનું લક્ષ્ય નથી. આહાર-વિહારનું આવું જ્ઞાાન તો પશુ-પંખી - કીટકને પણ છે તો પછી બંને વચ્ચે ફેર શું ? માણસને પ્રભુએ મન-બુદ્ધિ આપી છે. માણસ સુખ-દુઃખનો અનુભવ કરી શકે છે. સાચા-ખોટાનો વિચાર કરી શકે છે ને નિર્ણય પણ કરી શકે છે.
મનુષ્યનું એક વિશિષ્ઠ લક્ષણ એ છે કે તે પ્રભુને પામવાનો પ્રયત્ન કરી શકે છે, પ્રભુને પામી શકે છે. પશુ પંખી તેમ કરી શક્તા નથી. ભર્તૃહરિ કહે છે કે-માણસે પોતાના જીવનનું લક્ષ્ય સમજવું જોઈએ. જો એ લક્ષ્ય નક્કી કરે તો તે માણસ નહિતર તો તે પૂંછ-શિગડા વગરનો સાક્ષાત પશુ છે - એમ સમજવો.
સંસાર તો ચકલાં પણ માંડે છે. માળો બાંધે ઇંડા મૂકે બચ્ચાં મોટા કરે અને છેવટે મરે છે. મનુષ્યને પલંગમાં આળોટવાનો જેવો આનંદ મળે છે તેવો ગધેડાને ઉકરડામાં આળોટવામાં મળે છે. માણસ મન-બુદ્ધિ નો ઉપયોગ કરીને પરમાત્માની ભક્તિ કરે તો એ માનવ નહિતર મનુષ્ય દેહમાં તે દાનવ. ભગવાનના નામ-જપનો આનંદ લઈ શકે તે માનવ.

